ગુજરાત બોર્ડે ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું, માત્ર 15.32% આવ્યું રિઝલ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સાયન્સ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
ગાંધીનગરઃ ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. ધોરણ 12 સાયન્સના 32 હજારથી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
માત્ર 15.32 ટકા પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે માત્ર 15.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગ્રુપ-એમાં વિદ્યાર્થીઓનું પરિણામ 14.53 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 20.84 ટકા આવ્યું છે. તો ગ્રુપ-બીમાં વિદ્યાર્થીઓનું પરિણામ 12.05 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 17.89 ટકા આવ્યું છે. જ્યારે એ-બી ગ્રુપનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.
આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આજે એટલે કે 16 ઓગસ્ટે જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સાયન્સની કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મહત્વનું છે કે આ પહેલા ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્ષા સ્થગિત થવાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
રિપીટર વિદ્યાર્થીઓએ પણ કરી હતી પરીક્ષા રદ્દ કરવાની માંગ
કોરોનાને કારણે સમગ્ર દેશમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે રિપીટર્સ વિદ્યાર્થીઓેએ પણ સરકાર અને શિક્ષણ બોર્ડ પાસે માસ પ્રમોશનની માંગ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. પરંતુ અંતે 15 જુલાઈના રોજ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે