ભાજપના આ દિગ્ગજો પણ બન્યા છે સાયબર ક્રાઈમનો ભોગ, જુઓ કોણ કોણ છેતરાયું

Cyber Crime : રાજકોટ પોલીસ કાર્યક્રમમાં ભાજપના બે નેતાઓએ પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યાનો ખુલાસો કર્યો હતો... તેમજ લોકોને સજાગ રહેવા અપીલ કરી હતી 

ભાજપના આ દિગ્ગજો પણ બન્યા છે સાયબર ક્રાઈમનો ભોગ, જુઓ કોણ કોણ છેતરાયું

Rajkot News : ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યાં છે. સામાન્ય લોકો જ નહિ, અનેક દિગ્ગજો પણ સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. તેમાં ભાજપના નેતાઓ પણ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત ભાજપમાં મોટા માથા કહેવાતા બે નેતાઓ પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. આ બંને નેતાઓ રાજકોટના છે. આ નેતાઓએ એક કાર્યક્રમમાં પોતાના સાયબર ક્રાઈમના અનુભવો વર્ણવ્યા હતા. એટલે કહી શકાય કે, છેતરપિંડીમાં રાજકીય નેતાઓ પણ બાકાત રહ્યા નથી. રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાને પક્ષના કાર્યકરના નામે વાત કરી પિતાની લાશ હોસ્પિટલેથી લઇ જવી છે તેમ કહી ગઠિયાએ રૂ.15 હજાર પડાવ્યાનો કિસ્સો પોલીસના કાર્યક્રમમાં વર્ણવ્યો હતો. તો ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. 

સાયબર ક્રાઇમના ગુના સતત વધી રહ્યા છે. ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને છેતરે છે. ત્યારે રાજકોટ પોલીસ કાર્યક્રમમાં ભાજપના બે નેતાઓએ પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યાનો ખુલાસો કર્યો હતો. 

રામ મોકરિયાનો અનુભવ
રાજ્યસભાના ભાજપના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યુ હતું કે, એક વ્યક્તિએ પક્ષના કાર્યકરના નામે પિતાની લાશ હોસ્પિટલથી લઈ જવી છે તેવુ કહીને મારી પાસેથી 15 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેમણે કહ્યું કે,  તેમની ઓફિસે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, અને તેણે ભાજપના કાર્યકર હોવાનું જણાવ્યુ હતું. કેન્સરગ્રસ્ત પિતા મૃત્યુ પામ્યા છે અને તેમને વતન લઈ જવા માટે 15 હજાર માંગ્યા હતા. પાર્ટીનો કાર્યકર હોવાનું કહીને તેણે 15 હજાર તેઓએ ચૂકવ્યા હતા. પાછળથી ખબર પડી હતી કે તે પક્ષનો કાર્યકર ન હતો. તેથી તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 

ધારાસભ્ય રમેશ ટીલાળાનો અનુભવ
રમેશ ટીલાળાને એક શખ્સે ફોન પર બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી હોવાનું જણાવ્યુ હતું. તેણે બેંકમાં બે લોકોની ભરતી માટે વેકેન્સી હોવાનું જણાવ્યુ હતું. રમેશ ટીલાળાએ જણાવ્યું કે, મેં તેને મારા પીએને ફોન કરવા જણાવ્યુ હતું. તેણે પીએ સાથે પણ એ જ વાત રિપીટ કરી અને ડોક્યુમેન્ટ મોકલવા કહ્યું. અમે હકીકત ચેક કરી તો ફોન કરનાર ગઠિયો હતો.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news