મલ્ટીનેશનલ કંપની જેવો ભાજપનો સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ, આટલા સદસ્ય તો બનાવવા પડશે!

BJP membership drive 2024 : ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા ટાર્ગેટને કેવી રીતે પાર પાડવો તે માટે જનપ્રતિનિધિઓ મૂંઝવણમાં મૂકાયા 
 

મલ્ટીનેશનલ કંપની જેવો ભાજપનો સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ, આટલા સદસ્ય તો બનાવવા પડશે!

BJP Gujarat : હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી, તો અનેક નવા લોકો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જોકે, ભાજપે પોતાના નેતાઓને કોઈ મલ્ટીનેશનલ કંપનીના બિઝનેસ જેવો ટાર્ગેટ આપ્યો છે. ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને નવા સદસ્યો બનાવવા મોટો ટાર્ગેટ આપ્યો છે. સદસ્યતા અભિયાન 15 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. તો બીજી તરફ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે 5 હજાર અને વિસ્તારમાં 1 લાખ નવા સભ્યોની નોંધણી કરાવવા કહ્યું છે. ત્યારે આ ટાર્ગેટ નેતાઓ માટે આકરા બની રહેશે. 

સદસ્યતા અભિયાનમાં ભાજપે આપવા પડ્યા ટાર્ગેટ 
ગુજરાત ભાજપે પોતાના નેતાઓને સદસ્યતા અભિયાન માટે મસમોટો ટાર્ગેટ આપ્યો છે. ભાજપના મોટામાં મોટા અને નાનામાં નાના નેતાને નવા સદસ્ય બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. ભાજપના નેતાઓને 200 થી લઈ 7 લાખ સુધીના ટાર્ગેટ અપાયા છે. ધારાસભ્ય, સાંસદો અને પદાધિકારીઓને ટાર્ગેટ અપાયા છે. સાંસદોએ પોતાના મત વિસ્તારમાં 7 લાખ, જ્યારે ધારાસભ્યોએ મત વિસ્તારમાં 1 લાખ સભ્યો બનાવવા પડશે. આ સિવાય સાંસદે વ્યક્તિગત રીતે 10,000 અને ધારાસભ્યએ વ્યક્તિ ગત રીતે 5000 સભ્યો બનાવવાના રહેશે.  

ટાર્ગેટથી ટેન્શનમાં મૂકાયા નેતાઓ
ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. ત્યારે પ્રદેશમાંથી છૂટેલી સૂચના મુજબ, દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્ય ફરજિયાત બનાવવાના છે. આદેશથી તેઓ વિમાસણમાં મુકાયા છે. ભાજપ પક્ષ માટે સદસ્યતા અભિયાનનો મુદ્દો પાર્ટીના નેતાઓમાં ફરી આંતરિક ખેંચતાણ લાવે તેવુ દેખાઈ રહ્યું છે.

કોને કેટલા ટાર્ગેટ અપાયા 

  • કોર્પોરેટર માટે 2000 
  • જિલ્લા પંચાયતના સભ્યો માટે  1000
  • તાલુકા પંચાયતના સભ્યો માટે 500
  • પ્રદેશના પદાધિકારીઓ માટે 1000
  • મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજક 1000-1000
  • પૂર્વ સાંસદ 2000 
  • પૂર્વ ધારાસભ્ય 1000 
  • 2022 માં ચૂંટણી હારેલા ઉમેદવારોએ 2500

ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા છે
ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4.80 કરોડની આસપાસ છે. તેથી ભાજપે વર્ષ 2027 ની ચૂંટણીઓ જીતવા માટે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા. 

હવે સવાલ એ છે કે, ભાજપના આ ટાર્ગેટ તેમના નેતાઓ કેવી રીતે પાર પાડશે. તેમાં પણ સાંસદો અને ધારાસભ્યો માટે આ ટાર્ગેટ તોતિંગ બની રહેશે. જે નેતાઓ પોતાના ચૂંટણીમાં માંડ બે-ચાર લાખ વોટ ભેગા કરીને નેતા બને છે તેઓ 7 લાખ નવા સદસ્યો ક્યાંથી લાવશે.  

દર છ વર્ષે એક વખત થાય છે અભિયાન
દર છ વર્ષે ભાજપ દ્વારા એક વખત સદસ્યતા નોંધણી અભિયાન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવે છે જેમાં પક્ષમાં જોડાયેલા તમામ સદસ્યો ફરી એક વખત પક્ષમાં જોડાઈને ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરે છે. આ વર્ષે સદસ્યતા અભિયાનમાં પક્ષનો કાર્યકર તેમના થકી 100 વ્યક્તિને પક્ષની સદસ્યતા અપાવે તેવા તમામ સદસ્યો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ માગવાનો અધિકારી બને છે. જે સભ્યોએ 100 કરતાં ઓછા સભ્યો સદસ્યતા અભિયાન દરમિયાન ભાજપમાં જોડયા હશે તે પક્ષનો કાર્યકર આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર બનવા માટે ટિકિટની માંગણી કરી શકતો નથી જેને લઈને પણ ભાજપનું આ સદસ્યતા અભિયાન ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે પણ મહત્વનુ બને છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની સાથે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ જૂનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ આ સદસ્યતા નોંધણી અભિયાન ટિકિટ વાચ્છુ સંભવિત ઉમેદવારો માટે મહત્વનુ બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news