ગુજરાતના રાજકારણમાં હજુરિયા, ખજૂરિયા બાદ મજૂરિયાની એન્ટ્રી : ચાલો ભાજપના ઘમંડને હરાવીએ, ભાજપ હાઈકમાન્ડને ભારે પડશે ભૂલ!
BJP Candidate List : ગુજરાતમાં બધુ સમૂસૂતરું નથી, હવે સ્થિતિ એવી છે કે ભાજપ હેટ્રીક ફટકારવામાં સફળ થશે કે કેમ એ પણ એક સવાલ છે. ભાજપના સ્થાનિક નેતાઓ સ્થિતિઓ સંભાળવામાં ફેલ ગયા છે અને એક સમયે સોશિયલ મીડિયામાં ગાભા મારું જેવા વપરાતા શબ્દ સામે આજે મજૂરિયા શબ્દ પ્રચલિત થયો છે. ભાજપ માટે સૌથી ખરાબ સ્થિતિ એ છે કે ચાલો ભાજપના હાઈકમાન્ડના ઘમંડને હરાવીએ અને આરએસએસના ભાજપના સમર્પિત કાર્યકરોની હિંમતનો અહેસાસ કરાવીએ તેવા મેસેજ વહેતા થયા છે.
Trending Photos
Loksabha Election 2024 : ભાજપમાં આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો છે. પહેલા એક સીટથી શરૂ થયેલો આક્રોશ હવે અડધો ડઝન બેઠકો સુધી પહોંચી ગયો છે. મુદ્દાની વાત એ છે કે, આ વિવાદ આંતરિક છે. બહારથી આવેલા નેતાઓને મોટાભા કરવાની રેસમાં ભાજપ પોતાના જ નેતાઓને ભૂલી ગયું છે. લોકસભાની 2024 ની ચૂંટણીમાં ભારે પક્ષપાત થયો હોય તેવું ભાજપના કાર્યકર્તાઓ અનુભવી રહ્યાં છે. હજૂરિયા, ખજૂરિયાં બાદ હવે ભાજપમાં મજૂરિયાં શબ્દ પ્રચલિત થવા લાગ્યો છે. અત્યારસુધી ગાભા મારું જેવો શબ્દ સોશિયલ મીડિયામાં ઉપયોગ થતો પણ હવે મજૂરિયાં એટલે એવા મજૂર જેઓ હાજી હા કરી ભાજપ હાઈકમાન્ડની વાતને માની ઉમેદવારને જીતાડી રહ્યાં છે.
બેઠકો પર વિરોધ
ભાજપ ભલે એવું કહે કે ઓલ ઈઝ વેલ, પરંતુ ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ રાજકોટમાં ઉમેદવાર બદલવા મક્કમ બન્યું છે. સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે. શોભનાબેન બારેયા સામેનો વિરોધ ભાજપ હેન્ડલ કરી શકતું નથી. ભાજપ હાઈકમાન્ડ પણ સ્થાનિક નેતાઓનું પાણી માપી રહી છે. પાટીલના 5 લાખની લીડનો પડઘો હવે ગુજરાતમાં સંભળાઈ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને બદલે ભાજપ આંતરિક વિખવાદો ઉકેલવામાં વ્યસ્ત બન્યું છે.
આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ
ભલે ઉમેદવાર કોઈ પણ હોય પણ લોકસભાની ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ છે. ભાજપમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ સાબરકાંઠા, રાજકોટ, વડોદરા બેઠકો પર ભાજપને કાર્યકર્તાઓને મનાવવામાં કાઠું પડી રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં ભાજપ વિરુદ્ધ મેસેજ વાયરલ થયા છે. વડોદરાના રાજકારણમાં હજુરિયા, ખજૂરિયા બાદ મજૂરિયાની એન્ટ્રી થઈ છે. જેમાં ભાજપના હાઈકમાન્ડના ઘમંડને હરાવીએ અને આરએસએસના ભાજપના સમર્પિત કાર્યકરોની હિંમતનો અહેસાસ કરાવીએ તેવા મેસેજ વહેતા કરાયા છે. ગુજરાતમાં એક કે બે બેઠકની વાત નથી, ડઝન બેઠકો પર ભાજપ સામે વિરોધ ચાલી રહ્યો છે અને સ્થાનિક હાઈકમાન્ડ સ્થિતિ સંભાળવામાં ફેલ ગયું છે.
હવે આયાતી ધારાસભ્યો અને સાંસદોને સાહેબ કહેવું પડશે
વડોદરામાં રંજન ભટ્ટને તો બદલી દેવાયા, પરંતું હવે નવા ઉમેદવાર ડો.હેમાંગ જોશીને પણ બદલવાની માંગ ઉઠી છે. ચર્ચા ઉઠી છે કે, ડો.હેમાંગ વડોદરા નથી, તેઓ માત્ર વડોદરામાં ભણવા આવ્યા હતા અને માત્ર ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય થયા છે. વરિષ્ઠ આગેવાનોને ભાજપના વફાદાર કાર્યકર્તાઓને કોરાણે મૂકીને નવા નિશાળીયાને ટિકિટ અપાઈ છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને હવે આયાતી ઉમેદવારો સામે ઓછું મહત્વ મળી રહ્યું હોવાનો અહેસાસ થવા લાગ્યો છે. ભાજપે 5 વિધાનસભાની ચૂંટણીમાં આયાતી કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપના નેતાઓને આદેશ કર્યો છે કે આમને જીતાડી દો... જે ભાજપના કાર્યકરોને પચી રહ્યું નથી. એક કે બે દાયકા વિધાનસભામાં મહેનત કરી જે નેતાઓએ ભાજપ માટે જાત ઘસી છે એમને હવે આયાતી ધારાસભ્યો અને સાંસદોને સાહેબ કહેવું પડશે. આ નેતાઓને પોતાની કારકીર્દી ડૂબતી નજર સામે દેખાઈ રહી છે.
પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો
આમ, હેમાંગ જોશીને બદલવા માટે મજુરિયા કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વડોદરા ભાજપમાં હજુરિયા, ખજૂરિયા અને મજૂરિયાનું સૂત્ર ફરતું થયું છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ થયો છે. ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢી વિરોધ કર્યો છે. આ સિવાય પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ કરી રોષ ઠાલવ્યો હતો. પ્રિતેશ શાહે લખ્યું, વડોદરા નારી શક્તિનું અપમાન, ટીકીટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય. પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો.
ગુજરાતમાં હજૂરિયા અને ખજૂરિયા એ નવો શબ્દ નથી પણ ભાજપના કેટલાક સક્રિય સભ્યો માટે ગાભા મારું જેવો શબ્દ વપરાતો હવે એમાં મજૂરિયાં શબ્દનો ઉમેરો થયો છે. ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાએ બળવો પોકારી ભાજપ સાથે છેડો ફાડી દઈ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું તે સમયે ધારાસભ્યોને ખજૂરાહો ખાતે ખાસ પ્લેનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે ધારાસભ્યો કેશુભાઈ સાથે રહ્યા હતા તેઓ હજુરિયા કહેવાયા અને શંકરસિંહ સાથે ગયા તેઓ ખજુરિયા કહેવાયા હતા અને જેઓ ભાજપ સાથે જ રહ્યા અને કોઈ જૂથમાં નહોતા અને વર્ષોથી ભાજપને આગળ લાવવામાં મહેનત કરનારા કાર્યકર્તાઓ મજૂરિયા તરીકે ઓળખાયા હતા.
પાર્ટી હાઈ કમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજુર છે
સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યાં છે. આ મેસેજમાં ભાજપ હાઇકમાન્ડને એટલો ગર્વ છે કે તેમને લાગે છે કે મોદીના કારણે વડોદરાના લોકો કોઈને પણ વોટ આપી દે છે આ કામગીરી માટે ભાજપ પાસે આરએસએસ એબીવીપી અને ભાજપના 50,000 થી વધુ સક્રિય કાર્યકરો વર્ષોથી કામ કરતા રહ્યા છે અને ઉમેદવારને જીતાડવા સખત મહેનત કરી છે પાર્ટી હાઈ કમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજુર છે તેઓ કોઈપણ ઉમેદવાર પસંદ કરશે અને તેના માટે મજૂરી કરશે અને જીતાડશે પણ હવે એમને સમય બદલાયો હોવાનું ધ્યાનમાં હોવું જોઈએ.
સાબરકાંઠા માટે ડેમેજ કન્ટ્રોલ શરૂ
તો બીજી તરફ, સાબરકાંઠાના ઉમેદવાર સામેના વિવાદનો મામલો હજી ઉકેલાયો નથી. સાબરકાંઠા ઉમેદવારને મુદ્દે મુખ્યમંત્રીના નિવાસ્થાને આજે સવારે 11 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે. સાબરકાંઠા ના જાહેર કરેલા શોભનાબેન બારૈયા સામેના વિરોધ વચ્ચે ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ગૃહરાજ્યમંત્રીએ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હોવાની ચર્ચા છે. આ રિપોર્ટને આધારે જ સાબરકાંઠાના ભાજપના પદાધિકારીઓ અને પ્રદેશ સંગઠનના મહત્વના હોદ્દોદારે સાથે બેઠક યોજાશે. ભીખાજી ઠાકોરની ટિકિટ બદલ્યા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અને હવે પછી ડેમેજ કંટ્રોલ માટે શું કરી શકાય કે તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરાશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે સાબરકાંઠાના હોદ્દેદારો સાથે બેઠક કરાશે.
ગઈ કાલે ગૃહ રાજ્ય હર્ષ સંઘવી એ હિંમતનગર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે આ કોકડું સીએમ સાથેની બેઠક માટે તેડું આવ્યું છે. મુખ્યમંત્રી આજે જિલ્લાના બીજેપીના આગેવાનો, ધારસભ્યો સાથે બેઠક કરશે. લોકસભાના સીટનો વિવાદનો વંટોળ ક્યાંક શાંત પાડવા માટે અને આગળની રણનીતિ માટે નિર્ણય લેવાશે. સાબરકાંઠામાં અને અરવલ્લી જિલ્લાના ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ગડાશે.
ડેમેજ કંટ્રોલ મામલે રાજ્યના મુખ્યમંત્રી ખુદ મેદાને
સાબરકાઠા બેઠકને લઈને અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગરનું તેડું આવતા ઇડરના ધારાસભ્ય અને સિનિયર ભાજપ આગેવાન રમણ વોરા સીએમ આવાસ પહોંચ્યા છે. અરવલ્લી, સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ સહિત ક્લસ્ટર પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક શરૂ થઈ છે. રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ, ધારાસભ્ય રમણલાલ વોરા હાજર રહ્યાં છે. તો પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય વી.ડી.ઝાલા, આઈબીના વડા આર.બી. બ્રહ્મભટ્ટ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે.
મહત્વનું છે કે સાબરકાંઠામાં ભાજપે પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે બાદમાં તેમણે ઉમેદવારી પાછી ખેંચતા પાર્ટીએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. જેના પછી અનેક જગ્યાએ ભીખાજીના સમર્થનમાં વિરોધ પછી હવે ડેમેજ કંટ્રોલ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે