લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે? ખંભાતના તાળાં બાદ હવે પટોળામાં પણ ભાત પડે તો નવાઈ નહીં

Gujarat Congress Chirag patel resignation : ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું... છ દિવસમાં ગુજરાતના રાજકારણમાં બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા... લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે?

લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે? ખંભાતના તાળાં બાદ હવે પટોળામાં પણ ભાત પડે તો નવાઈ નહીં

Gujarat Politics : 156 બેઠકો જીતવા છતાં પણ ભાજપ ધરાઈ ન હોય એમ ઓપરેશન લોટસ ચલાવી આપ અને કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી છે. ગુજરાતમાં ભાજપને પૂર્ણ બહુમત છતાં ધારાસભ્યોને તોડી લાવવાના ગણિતો મામલે સૌ કૌઈ ચર્ચા કરી રહ્યાં છે પણ વાસ્તવિકતા એ છે કે ભાજપ લોકસભાની તૈયારીઓના ભાગરૂપે આ ઓપરેશન ચલાવી રહી છે. ભાજપ ભલે 26 માંથી 26 બેઠકો જીતવાના દાવા કરતું હોય પણ લોકસભાની કેટલીક બેઠકો ભાજપના આ ટાર્ગેટને અસર કરી શકે છે. દિલ્હી હાઈકમાન્ડને પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો હોવા છતાં દિલ્હીના નેતાઓને ગુજરાતની 5 સીટો નબળી હોવાનો રિપોર્ટ છે. જે ભાજપના 26માંથી 26 બેઠકો જીતવાના લક્ષ્યાંકને આડે આવી શકે છે. ભાજપના જુવાળ છતાં વિસાવદરમાંથી આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીને લઈને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જૂનાગઢ બેઠક આજે પણ મહત્વ ધરાવે છે. કોંગ્રેસના કદાવર નેતા હર્ષદ રિબડીયાને ભાજપમાં લાવવા છતાં ભાજપ આ સીટ પર કબજો કરી શક્યું નથી. આ બેઠક આ પહેલાં ભાજપના મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ ગણાતી હતી. 

ચાર લોકસભા બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી 
આજે ખંભાતના ચીરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. ચીરાગ પટેલ એ કોંગ્રેસના ધારાસભ્ય છે. આણંદમાં ભાજપના જુવાળ વચ્ચે 2 બેઠકો આવી હતી. જેમાં એક બેઠકના ધારાસભ્ય ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના આંતરિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 26માંથી બનાસકાંઠા, પાટણ, આણંદ અને જૂનાગઢ એમ ચાર લોકસભા બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી છે. ભરૂચ લોકસભા બેઠક માટે તો ભાજપ ચૈતર વસાવાને રોકવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. સૌથી વધારે આક્રોશ ભાજપ સામે આદીવાસી વિસ્તારમાં છે. ગઈકાલે આદિવાસી સમાજની એક બેઠકમાં ભાજપના ધારાસભ્યને અધ વચ્ચેથી ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. હાલમાં ભરૂચ લોકસભાની સીટ પર મનસુખ વસાવા સાંસદ છે. આ સાંસદનો ભાજપ સામે જાહેરમાં બળાપો જોઈને ભાજપ આ સીટ પર વસાવાને રીપિટ કરે તેવી કોઈ સંભાવના નથી. 

ખંભાતના તાળાં બાદ આગામી દિવસોમાં પટોળામાં પણ ભાત પડે તો નવાઈ નહીં
રાજ્યના 26માંથી 20 લોકસભાની સીટો પર ઉમેદવારો બદલાય તેવી સંભાવના વચ્ચે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. ખંભાતના તાળાં બાદ આગામી દિવસોમાં પટોળામાં પણ ભાત પડે તો નવાઈ નહીં. ભાજપ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ અને આપમાંથી લોકસભાની ચૂંટણીમાં નડી શકે એવા તમામ નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માગે છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે, આ 26 લોકસભા બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભાજપને જીતની હેટ્રિક કરવી છે 
વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યા બાદ હવે ગુજરાત ભાજપની નજર લોકસભાની ચૂંટણી ઉપર છે અને તમામે તમામ ૨૬ બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. હાઈકમાન્ડ પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયાર થઈ ચૂક્યું છે અને જન સંપર્ક અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. દેશની ૧૬૦ લોકસભાની બેઠકો કે જે ભાજપ નબળી માને છે તે બેઠકો ઉપર કેન્દ્રીય મંત્રીઓને અગાઉ ઉતારવામાં આવ્યા હતા. ગુજરાતની લોકસભાની બેઠકો જીતવા માટે પણ ૬ નેતાઓ ગુજરાતમાં આવીને પરિસ્થિતિઓનો તાગ મેળવી ચૂક્યા છે.  

ભાજપ ભલે જોર લગાવે, પણ વાસ્તવિકતા સ્વીકારવી પડે 
2024 ની ચૂંટણીમાં ભાજપ આ વખતે 400 પારનો નારા લગાવી રહી છે. એટલા માટે પાર્ટી પણ દરેક સીટ પર ફોકસ કરી રહી છે. ભાજપના સૌથી મજબૂત ગઢ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડોદરામાં માત્ર પાટણ લોકસભા મતવિસ્તારની બંધ બારણે બેઠક યોજી હતી.  હવે બીજી ઘટના પર નજર કરીએ, અમિત શાહે પણ પાટણના સિદ્ધપુરમાં એક બેઠક કરી હતી. હવે પાટણમાં ભાજપને જીતાડવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી દેશે. પંરતુ એ વાત સ્વીકારવી પડે કે પાટણમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ટ છે. પાટણમાં કોંગ્રેસ વધુ મજબૂત છે. 

ભાજપને પાટણ જિલ્લો નડી શકે છે 
પાટણમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ટ છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા સીટ આવે છે. પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુ. આ 7 સીટમાંથી 4 સીટ પર હાલ કોંગ્રેસનો કબજો છે. તો 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. જે 3 સીટ પર ભાજપ વિજય બન્યું છે, બહુ પાતળી સરસાઈથી જીત્યું છે. એટલે કે અહી વિધાનસભામાં પણ જીતની ટકાવારી ઓછી હતી. આ તમામ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા છે.

બનાસકાંઠામાં પણ કોંગ્રેસનો દબદબો 
રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2014 સુધીના સમયગાળામાં 18 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 5 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે. જોકે આ બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ ચાર વખત જીત હાંસલ કરતાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા. બનાસકાંઠા લોકસભાની અંદર 7 વિધાનસભાની બેઠકો આવે છે. જેમાં વડગામ, વાવ, દાંતા અને કાંકરેજમાં કોંગ્રેસનો દબદબો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news