ચૂંટણીમાં NOTA નું મહત્વ : જો નોટા કોઈ પક્ષ હોત તો તે 2017 માં સૌથી વધુ મત મેળવનારો ત્રીજો પક્ષ હોત

Gujarat Elections 2022 : રાજકારણમાં રસ નથી, ઉમેદવાર સારા નથી, પક્ષમાં દમ નથી એવુ કહીને અનેક લોકો વોટ આપવા જતા નથી, પરંતુ એક એવુ બટન પણ છે જ્યાં લોકો વોટ આપી શકે છે 
 

ચૂંટણીમાં NOTA નું મહત્વ : જો નોટા કોઈ પક્ષ હોત તો તે 2017 માં સૌથી વધુ મત મેળવનારો ત્રીજો પક્ષ હોત

Gujarat Elections 2022 : ચૂંટણીમાં ઉમેદવારોની હારજીતનો ફેંસલો તેમને મળતા મત કરતા હોય છે. જો કે ગત ચૂંટણીના પરિણામો દેખાડે છે કે NOTAને મળેલા મતે ઘણા ઉમેદવારોની બાજી બગાડી હતી. કેવા છે નોટાનાં સમીકરણ, જોઈએ આ અહેવાલમાં.

શુ છે નોટા
ચૂંટણીમાં ઘણી વાર અપક્ષ ઉમેદવાર જે તે રાજકીય પક્ષના ઉમેદવારની હાર-જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અપક્ષ ઉપરાંત વધુ એક પરિબળ ઉમેદવારની હાર-જીત માટે નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. આ પરિબળ છે, નોટા, એટલે કે નન ઓફ ધ અબાઉ. મતદાર જ્યારે કોઈ પણ ઉમેદવારને વોટ આપવા માગતો ન હોય, ત્યારે પોતાનો વોટ નોટાને આપે છે.

ચૂંટણીમાં હાર જીત માટે એક એક મત જ્યારે નિર્ણાયક સાબિત થાય છે, ત્યારે નોટા ઘણા ઉમેદવારોની બાજી બગાડી ચૂક્યું છે. જેમ કે 2017ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની એવી 29 બેઠકો હતી, જ્યાં નોટાને મળેલા વોટ વિજેતા ઉમેદવારનાં માર્જિન કરતા વધુ હતા. 27 બેઠકો પર ઉમેદવારો ત્રણ હજારથી ઓછા મતે હાર્યા હતા. 2017માં રાજ્યમાં 5 લાખ 51 હજાર 594 મતદારોએ નોટાને વોટ આપ્યો હતો. કૉંગ્રેસના 16 ઉમેદવારો ત્રણ હજારથી ઓછા મતે હાર્યા હતા. એક હજાર કે તેથી ઓછા મતના માર્જિન સાથે હારનારા કૉંગ્રેસના ચાર ઉમેદવાર હતા. 2017માં નોટાને રાજ્યમાં કુલ 1.84 ટકા મત મળ્યા હતા. જો નોટા કોઈ પક્ષ હોત તો તે સૌથી વધુ મત મેળવનારો ત્રીજો પક્ષ હોત. જો કે આ આંકડા સાથે નોટાએ ભાજપ-કોંગ્રેસનાં ઘણા ઉમેદવારોની જીતના સપના રોળી નાંખ્યા હતા. નોટા તેમના માટે વિલન સાબિત થયું હતું.

એવામાં 2017માં એક હજાર કે તેથી ઓછા મતોના માર્જિનથી હારેલા કે જીતેલા ઉમેદવારો અને તે બેઠક પર નોટાને મળેલા મત પર નજર કરવી જરૂરી છે. 

ગોધરાથી ભાજપના સી કે રાઉલજી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર સામે 258 વોટથી જીત્યા હતા. જ્યારે આ બેઠક પર નોટાને 3050 વોટ મળ્યા હતા. ધોળકામાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 વોટથી જીત્યા હતા, જ્યારે નોટાને 2,347 વોટ મળ્યા હતા. કપરાડાથી કૉંગ્રેસના જીતુ ચૌધરી ભાજપના ઉમેદવાર સામે 170 વોટથી જીત્યા હતા. આ બેઠક પર નોટાના વોટ 3868 હતા. બોટાદથી ભાજપના સૌરભ પટેલ 906 વોટથી જીત્યા હતા, આ બેઠક પર નોટાના વોટ 1334 હતા. ડાંગથી કૉંગ્રેસના મંગળ ગાવિત 768 વોટથી જીત્યા હતા, જ્યારે નોટાના વોટ 2184 હતા. માણસા બેઠક પરથી કોંગ્રેસના સુરેશ પટેલ ભાજપનાં અમિત ચૌધરી સામે ફક્ત 524 મતોથી જીત્યા હતા, જ્યારે નોટાને ત્રણ હજાર વોટ મળ્યા હતા. દિયોદરમાં કૉંગ્રેસના શિવા ભુરીયા ભાજપનાં કેશાજી ચૌહાણ સામે ફક્ત 972 વોટથી જીત્યા, જ્યારે આ બેઠક પર નોટાને 2,988 વોટ મળ્યા હતા. છોટા ઉદેપુરથી કૉંગ્રેસના મોહન રાઠવા 1093 વોટથી જીત્યા, હતા, જ્યારે નોટાને તેનાથી પાંચ ગણા એટલે કે 5870 વોટ મળ્યા હતા.  

આવા તો ઘણા ઉમેદવાર છે, જેમની હારજીતનું માર્જિન નોટાને મળેલા મતોથી ઘણું ઓછું હતું. આ જ કારણ છે કે તાજેતરમાં RSSનાં વડા મોહન ભાગવતે લોકોને નોટાની જગ્યાએ કોઈ ઉમેદવારને વોટ આપવાની સલાહ આપી હતી. નોટાની અસર જોયા બાદ એક વાત સ્પષ્ટ છે કે મતદારોએ આ વિકલ્પનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. કેમ કે નોટા પણ એક વોટ છે. જે નિર્ણાયક સાબિત થાય છે.

મતલબ એ થાય છે કે નોટાને મળેલા મતો ભલે ઓછા હોય પરંતુ તે હાર-જીત માટેનું એક કારણ જરૂર બની શકે છે. જોકે કેટલાક જાણકારો તેની સાથે સહમત નથી.

2017 વિધાનસભાની ચૂંટણીમાં એવા ઉમેદવારોની યાદી જેઓ ત્રણ હજાર કરતાં ઓછા મતોએ જીત્યા. આ જ પ્રમાણે પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ભાજપનાં બાબુ બોખિરિયા સામે 1855 મતે હાર્યા હતા. આ માર્જિન સામે નોટાને 3,433 મત મળ્યા હતા. 

વિજાપુરમાં ભાજપના રમણભાઈ પટેલ 1,164 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 1,280
હિંમતનગરમાં ભાજપના રાજુભાઈ ચાવડા 1,712 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,334
મોડાસામાં કૉંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર 1,640 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,681
ધાનેરામાં કૉંગ્રેસના નાથાભાઈ પટેલ 2,093 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,341
વિસનગરમાં ભાજપના ઋષિકેશ પટેલ 2,869 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,992
પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર 2,551 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,907
માણસામાં કૉંગ્રેસના સુરેખકુમાર પટેલ 524 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,000
વાંકાનેરમાં કૉંગ્રેસના મોહમ્મદ જાવેદ પીરજાદા 1,361 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,170
રાજકોટ ગ્રામ્યમાં ભાજપના લાખાભાઈ સાગઠીયા 2,179 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,559
જામજોધપુરમાં કૉંગ્રેસના ચિરાગ કલારિયા 2,518 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના મત 3,214
પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખિરીયા 1,855 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,433
તળાજામાં કૉંગ્રેસના કનુભાઈ બારૈયા 1,179 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,918
ગારિયાધારમાં ભાજપના કેશુભાઇ નાકરાણી 1,876 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 1,557
ખંભાતથી ભાજપના મયુર રાવલ 2318 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2731
ઉમરેઠથી ભાજપના ગોવિંદ પરમાર 1883 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3710 વોટ
સોજિત્રાથી પુનમભાઈ પરમાર 2388 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3112 વોટ
માતરથી ભાજપના કેસરીસિંહ સોલંકી 2406 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 4090 વોટ
ફતેપુરાથી ભાજપના રમેશભાઇ કટારા 2711 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 4573 વોટ
ડભોઈથી ભાજપના શૈલેષ સોટ્ટા 2839 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3046 વોટ
વાગરાથી ભાજપના અરુણસિંહ રાણા 2628 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2807

એક ઘટનાએ સમજાવ્યું હતું વોટનું મહત્વ
યુવા મતદારોને ભાગ્યેજ ખબર હશે કે વર્ષ 1999માં કેન્દ્રમાં વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકાર લોકસભામાં માત્ર એક મતના તફાવતથી વિશ્વાસનો મત હારી ગઈ હતી. એ ઘટનાએ સમગ્ર દેશને એક મતનું મૂલ્ય શું હોય છે અને તેની તાકાત કેટલી છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. એટલે ચૂંટણીમાં એક-એક મત કિંમતી હોવાની વાત કહેવાય છે અને તેની સત્યતા અંગે કોઈ શંકા પણ નથી. તેથી દરેક બેઠક પર અપક્ષ, નોટા અને નાના પક્ષોની ભૂમિકા પણ નકારી ન શકાય. 

દરેક મતનું એક અલગ ગણિત હોય છે. એક-એક મત હાર અને જીતનું કારણ બની શકે છે. તેમાં પણ ખાસ કરીને નાનાં-નાનાં પક્ષો અને અપક્ષોને મળતા વોટને કારણે મતોની વહેંચણી થઈ જાય છે અને આ મતોની વહેંચણી પરિણામ પર અસર કરી શકે છે. કૉંગ્રેસનું માનવું છે કે નોટાને જે મત મળે છે તે સત્તાવિરોધી છે પણ આ મતોનો ઉપયોગ થતો નથી. જોકે ભાજપનું માનવું છે કે નોટા નકારાત્મક વોટ છે. પણ તેની અસર ઉમેદવારોની હાર-જીત પર થાય છે તેવું હંમેશાં નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news