ગુજરાત મતદાન માટે તૈયાર : મતદાતાઓનું ગણિત, યુવાઓથી લઈને થર્ડ જેન્ડર મતદાર કેટલા?

Gujarat Elections 2022 : ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે... અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610, જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335... ગુજરાતમાં 4,91,35,400 મતદારો  પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત મતદાન માટે તૈયાર : મતદાતાઓનું ગણિત, યુવાઓથી લઈને થર્ડ જેન્ડર મતદાર કેટલા?

Gujarat Elections 2022 ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે. 

બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન (PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.  

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4,91,35,400 છે
  • મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો
  • 2,53,59,863 પુરૂષ મતદારો 
  • 1391 થર્ડ જેન્ડર મતદારો
  • ગુજરાતમાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે. 

સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે  અમદાવાદમાં 28,81,224, સુરતમાં 21,94,915, વડોદરામાં 12,72,996, બનાસકાંઠામાં 11,97,814 અને રાજકોટમાં 11,10,306નો સમાવેશ થાય છે. જ્યારે  સૌથી વધુ પુરૂષ મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે  અમદાવાદમાં 31,23,306, સુરતમાં 25,50,905, વડોદરામાં 13,33,251, બનાસકાંઠામાં 12,93,100 અને રાજકોટમાં 11,96,897નો સમાવેશ થાય છે.

દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 7,85,746 જ્યારે  મહિલા મતદારોની સંખ્યા 7,99,241 છે. નવસારીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,39,018 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 5,39,500 છે. તેવી જ રીતે,  તાપી જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 2,46,435 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2,59,256 છે. આમ, રાજ્યમાં ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપી એવા છે જ્યાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે.

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે.

80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે.

રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાની ચોર્યાસી છે. જેમાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news