દંગલમાં દબંગ નેતાઃ ભાજપની 'ખિસકોલી' બની ચૂંટણીમાં વિરમગામથી વરઘોડે ચઢશે હાર્દિક! જાણો વિગતવાર

Gujarat Assembly Elections 2022/દંગલમાં દબંગ નેતાઃ સમય સાથે હાર્દિક પટેલના બદલાતા રંગ! પહેલાં પાટીદારોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો હાર્દિક! વિચારધારાની સાથે રૂપ પણ બદલાયું. પહેલાં આંદોલનથી રાજનીતિમાં 'હાર્દિક' પ્રવેશ અને પછી સતત બદલાયા બોલ. ભાજપમાં જોડાતાની સાથે જ હાર્દિક પટેલે કહ્યું હતુંકે, હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પ્રણાલીથી ખુબ પ્રભાવિત છું, મારે વિકાસ કરવો છે, પીએમ મોદીનો સિપાહી અને ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને રહીશ.

  • વિરમગામથી જીતનો વરઘોડો કાઢશે હાર્દિક?
  • કોંગ્રેસની બેઠક ભાજપને જીતાશી શકે હાર્દિક?
  • સમય સાથે સતત કઈ રીતે બદલાયો હાર્દિકનો રંગ?
  • પહેલાં પાટીદારોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો હાર્દિક!

Trending Photos

દંગલમાં દબંગ નેતાઃ ભાજપની 'ખિસકોલી' બની ચૂંટણીમાં વિરમગામથી વરઘોડે ચઢશે હાર્દિક! જાણો વિગતવાર

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ હાર્દિક પટેલ અનામત આંદોલનની આગથી ઉભરી આવેલું એક એવું નામ જેણે ગુજરાત આખાયને એક સમયએ હચમચાવી દીધું હતું. હાર્દિક પટેલ એક એવું નામ જેણે એક સમયે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેનને સીએમની ખુરશી છોડવા પર મજબૂર કરી દીધાં. હાર્દિક પટેલ એક એવું નામ જેણે ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના અલગ અલગ ખૂણે રહેતા પાટીદારોની સહાનુભૂતિ મેળવીને સામાજિક અને રાજકીય નેતા તરીકે પોતાની ઈમેજ બિલ્ડઅપ કરી. હાર્દિક પટેલ એક એવું નામ જેણે એક સમયે ભાજપ અને ભાજપના નેતાઓને ભરપૂર ગાળો ભાંડી અને આજે એજ ભાજપના ખોળે જઈને બેસી ગયો. હાર્દિક પટેલ એક એવું નામ જેના એક અવાજ પર એક સમયે ગુજરાતમાં લાખો લોકો ભેગા થઈ ગયા હતાં. ZEE24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર "દંગલમાં દબંગ નેતા" નામની ઈલેક્શન સ્પેશિયલ સિરિઝના આ આર્ટિકલમાં વાત કરીશું હાર્દિક પટેલની....

No description available.

ભાજપમાં જીતીને મારું ઋણ ચુકવીશ: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ઝી24 કલાક સાથેની એક્સકલુસિવ વાતચીતમાં કહ્યું કે, હું બહુ મોટો નેતા બની ગયો છું. મેં આખુ ભારત ફરી લીધું છે. હું બહુ ફેમસ થઈ ગયો છું. સમાજે પણ મને ખુબ માનપાન આપ્યું છે. હવે મારે મારી જન્મભૂમિનું રૂણ ચુકાવવાનું છે. હું વિરામગામથી જીતીને મારા ગામનો વિકાસ કરીશ અને આગાળ જતા વિરમગામને નવો જિલ્લો બનાવી દઈશ. વિરમગામ મારું હોમ ગ્રાઉન્ડ છે, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરીશ. હું અહીંથી ચૂંટણી લડીશ તો જરૂર જીતીશ. જ્યારથી વિરમગામ વિધાનસભામાં કોંગ્રેસ સત્તામાં આવ્યું છે ત્યારથી અહીંનો વિકાસ રૂંધાઈ ગયો છે. કોંગ્રેસના કારણે અહીંના ઐતિહાસિક મુનસર તળાવની અવદશા થઈ છે. સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના પાપે અહીંના ઐતિહાસિક મુનસર તળાવમાં હાલ ભેંસો તરે છે.

દંગલમાં દબંગનેતાની એન્ટ્રી અને અનેક સવાલોઃ
હાર્દિક પટેલની વાત અત્યારે એટલાં માટે કારણકે, કોંગ્રેસમાં આંટો મારીને ભાજપમાં જોડાયેલાં હાર્દિક પટેલને હવે સત્તાવાર રીતે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ટિકિટ મળી ગઈ છે. ભાજપે હાલ તો કોંગ્રેસના કબજાવાળી વિરમગામ બેઠક જીતવા અને પાટિદાર ફેક્ટરને મજબૂત કરવા માટે હાર્દિક પટેલના માથે સાફો બાંધીને વરઘોડો ચઢાવ્યો છે. હવે જોવાનું એ રહેશેકે, ચૂંટણીમાં 'દશેરાના દિવસે' આ બહુ ગાજેલો ઘોડો દોડે છેકે, નહીં. પણ એ વાતમાં કોઈ શંકા નથી કે હાર્દિક પટેલ એક દબંગ નેતા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દંગલમાં આ દબંગ નેતાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હાર્દિક પટેલ વિશે જાણીએ કે એ કઈ રીતે રાજનીતિમાં આવ્યો? કેમ ભાજપને હાર્દિક પટેલની જરૂર પડી? ભાજપ અને હાર્દિક પટેલ વચ્ચે કંઈ વાતની લઈને થઈ હતી ડિલ? અને ભાજપમાં શું છે હાર્દિક પટેલનું ભવિષ્ય? શું હાર્દિક પટેલ જીત સાથે કાઢશે વિરમગામથી વરઘોડો? શું 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ બનશે ભાજપનો હીરો? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે... 

વિધાનસભાની ચૂંટણીઓમાં વિરમગામનો હિસાબઃ
વર્ષ                         વિજેતા ઉમેદવાર                            પક્ષ

1962                      પરસોત્તમ પરીખ                            સ્વરાજ્ય પાર્ટી
1967                        જી એચ પટેલ                             INC
1972                       કાંતિભાઈ પટેલ                            NCO
1980                       દૌડભાઈ પટેલ                             INC
1985                  પટેલ સોમાભાઈ (કોળી)                      ભાજપ
1990                  હતદત્તસિંહ જાડેજા                             ભાજપ
1995                     મચ્છર જયંતિલાલ                           ભાજપ
1998                     પ્રેમજીભાઈ વદલાણી                         INC
2002                     વજુભાઈ ડોડિયા                             ભાજપ
2007                      કમાભાઈ રાઠોડ                            ભાજપ
2012                  ડૉ. તેજશ્રીબેન પટેલ                           INC
2017                   લાખાભાઈ ભરવાડ                             INC

હાર્દિક સામે ચૂંટણીમાં પડકારોઃ
વિરમગામના રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, વરસાદી ગટર, ગેરકાયદે દબાણો સહિતના પ્રશ્નો દિનપ્રતિદિન વધતા જાય છે. એમાંય કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં મુનસર તળાવ જેવી શહેરની ધરોહર પ્રત્યે રાજકારણીઓની ઉદાસીનતાને કારણે પણ પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ એજ વિરામગામ છે જ્યાંથી હાર્દિક પટેલ ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે, શું હાર્દિક પટેલ હોમગ્રાઉન્ડમાં ચૂંટણી લડીને ધારાસભ્ય બનીને આ ઐતિહાસિક વારસાની જાળવણી કરશે? આ વાત હવે જો અને તો પર છે, પણ વર્તમાન સમયની નરી વાસ્તવિકતા તો એ જ છેકે, હાલ તો આ ઐતિહાસિક તળાવમાં ભેંસો તરી રહી છે. કોંગ્રેસની સીટ છે ત્યાં ભાજપમાંથી હાર્દિકને સ્વીકારશે ખરાં મતદારો? ભાજપમાં જ પહેલાં હાર્દિકનો વિરોધ કરી રહેલાં નેતાઓ અને તેના જ જૂના સાથીઓ શું તેને સાથ આપશે ખરાં? પક્ષપલટુ હાર્દિક માટે કપરાં ચઢાણ. હાલ તો ઢોલ-નગારા અને જાનૈયાઓ સાથે હાર્દિક પટેલે કેસરિયા કરી ચૂંટણીની ચોસર પર પોતાને ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરી દીધો છે. મોટો સવાલ એ પણ છેકે, હાર્દિક પટેલ આ બધું કોના માટે કરી રહ્યો છે, સમાજ માટે કે પછી પોતાનો સ્વાર્થ સાધવા? શું વર્ષોથી ભાજપમાં રહીને પક્ષ માટે કામગીરી કરતા કાર્યકરો આ પક્ષપલટો કરીને આવનારા હાર્દિકને નેતા તરીકે સ્વીકારશે? આવા અનેક સવાલોનો સામનો આગામી સમયમાં હાર્દિક પટેલનો કરવો પડશે...કોંગ્રેસને મત આપતા લોકો હાર્દિકના બદલાયેલાં ચહેરાને વિરમગામમાં સ્વીકારશે ખરાં એ પણ એક મોટો સવાલ છે.

હું ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને રહીશઃ હાર્દિક
ભાજપમાં પ્રવેશ પહેલાં ઠેર-ઠેર હાર્દિક પટેલના પોસ્ટર લાગ્યા હતા, ટ્વિટમાં કહ્યું: 'PM મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ' રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે નવા અધ્યાયનો પ્રારંભ કરું છું. ઉલ્લેખનીય છેકે, હાર્દિક પટેલ 2 જી જૂને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો. ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિક પટેલે ઘર પરિવાર સાથે પુજા અર્ચના કરી. પછી મંદિરમાં થઈને દર્શન કર્યા અને સંતો-મહંતોના આર્શીવાદ લીધાં. એટલું નહીં ભાજપનો ભગવો ધારણ કરતા પહેલાં હાર્દિક પટેલે ગૌ શાળાની મુલાકાત લઈને ગાય માતાની પુજા કરી.

પહેલાં પાટીદારોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો હાર્દિક!
બદલાતા સમયની સાથે હાર્દિક પટેલનો અંદાજ અને રંગ પણ બદલાયા છે. એક સમયે પાટીદાર સમાજના હક્કની લડાઈનું નામ લઈને સરકાર સામે પડેલો હાર્દિક પટેલ પછી કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. જોકે, કોંગ્રેસે તેને નાની ઉંમરમાં ગુજરાત પ્રદેશનો કાર્યકારી પ્રમુખ પણ બનાવી દીધો. જોકે, થોડા સમયમાં જ હાર્દિકનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો. હવે ભાજપના પ્રેમમાં પડેલો હાર્દિક કેસરિયા કરી રહ્યો છે. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રહિત, પ્રદેશહિત અને જનહિતની વાર્તા કરીને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાની વાત કરી રહ્યો છે. ભાજપમાં પ્રવેશની સાથે જ આજે સાંજે હાર્દિક પટેલ દિલ્લીના દરબારમાં હાજરી આપશે.

રાજનીતિની પિચ પર હાર્દિકની બેટિંગઃ
ગુજરાતની રાજનીતિની પિચ પર બેટિંગ કરવા માટે હાર્દિક પટેલે તરુણાવસ્થાથી જ ફિલ્ડિંગ શરૂ કરી દીધી હતી એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નહીં હોય. અવારનવાર મીડિયા સાથેની વાતચીત અને નિવેદનોમાં હાર્દિક પટેલ કહેતો આવ્યો છેકે, પોતાની બહેનની ફી ભરવાના પૈસા ન હોવાની વાતથી લાગી આવતા તેણે શિક્ષણ મુદ્દે પાટીદારોને અનામત અપાવવા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. મુદ્દો સારો હતો અને જોત-જોતામાં લાખો પાટીદારો હાર્દિક સાથે જોડાયા અને ગુજરાતની ધરતી પર ખુબ સુખી અને સંપન્ન ગણાતા વર્ગ દ્વારા પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આ જ હાર્દિક વારંવાર પોતાના ભાષણોમાં કહેતો હતોકે, હું ક્યારેય રાજનીતિમાં આવીશ નહીં. સમય બદલાયો, હવા બદલાઈ અને મોકો મળ્યો એટલે હાર્દિકભાઈ પાટીદારો અને સમાજના હિતનું ગાણું ગાઈને કોંગ્રેસના ખોળામાં બેસી ગયાં.

 

પહેલાં બેરોજગાર બન્યો, પછી 'ભાજપની નોકરી' મળી!
એક સમયે ટ્વીટર પર હું બેરોજગાર એવા હેશ  ટેગ સાથે હાર્દિકે ભાજપ સરકાર સામે રોજગારી મુદ્દે પણ અભિયાન છેડ્યું. જોકે, હાર્દિકને હાથનો સાથ બહુ ફાવ્યો નહીં. કોંગ્રેસે કાર્યકારી પ્રદેશ પ્રમુખનું પદ આપ્યું પણ હાર્દિકને જામ્યું નહીં. થોડા સમયમાં જ કોંગ્રેસ સાથે હાર્દિકનો મોહભંગ થઈ ગયો અને હવે આ યુવા હદય સમ્રાટ ગણાતા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનું નક્કી કરી લીધું. જોકે, આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે તે સૌથી મોટી ચર્ચાનો વિષય છે. શું હાર્દિક પર થયેલાં વિવિધ કેસોથી બચવા આ નિર્ણય લીધો છેકે, પછી હાર્દિકને રાજકારણમાં કારર્કિદી બનાવવાની લાલસા ભાજપમાં પુરી થતી હોય તેવું દેખાય છે એ પ્રશ્ન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. તેથી જ હાર્દિક પટેલે પહેલાં બેરોજગાર હોવાનો રાગ આલાપ્યો અને હવે ભાજપની નોકરી કરે છે એવું લોકમુખે ચર્ચાય છે.

ભાજપમાં હાર્દિકનું ભવિષ્ય:
ભાજપે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે શક્ય છેકે, હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામથી જીતીને ધારાસભ્ય બની જાય. પાર્ટીએ પાટીદાર ફેક્ટર અંગે હાર્દિકને સોંપવામાં આવેલું કામ પણ તે પાર પાડી આપે. આવા સંજોગોમાં જૂના પાપ ધોવાઈ જાય અને હાર્દિકને ભાજપમાં કોઈ વિભાગનું મંત્રી પદ પણ મળી શકે છે. પણ આના માટે હાર્દિકે ભાજપ પ્રત્યે પોતાની વફાદારી અને પોતાનો દબદબો પાટીદારોમાં વર્ચસ્વ સાબિત કરવું પડશે. હાર્દિકે સ્ટાર પ્રચારક તરીકે હવે પાટીદારોને ભાજપ તરફી મત માટે વાળવાનું કામ કરવું પડશે. એટલું જ નહીં આજે પણ હાર્દિક એક યંગ લીડર છે અને તેની સાથે પાટીદારોનું સમર્થન છે તે વસ્તુ ચૂંટણીમાં પુરવાર કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news