રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

હિતલ પારેખ/ ગાંધીનગર: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે.

તાજેતરમાં તૌકતે વાવાઝોડા સંદર્ભે માછીમારોને થયેલા આર્થિક નુકસાન સંદર્ભે સહાયરૂપ થવા ભૂતકાળમાં કયારેય ન આપ્યું હોય એવું રૂ. 105 કરોડનું ઐતિહાસિક પેકેજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયું છે અને અત્યાર સુધીમાં રૂ. 10 કરોડ 41 લાખની સહાય માછીમારોને તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવી છે.

મંત્રી ચાવડાએ ઉમેર્યું કે, તૌકતે વાવાઝોડાથી રાજ્યના મત્સ્યોદ્યોગના માછીમારોની બોટ તથા બંદરોને થયેલા નુકશાનને ધ્યાને લઇ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરી તથા રાજ્યના વિવિધ માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો, મંતવ્યો ધ્યાને લઇ રાજ્ય સરકારે રૂ. 105 કરોડનું ઐતિહાસિક પેકેજ રાજ્યના માછીમારોના બહોળા હિતમાં જાહેર કર્યુ છે.

તેમણે ઉમેર્યું કે આ પેકેજમાં  સંપૂર્ણ નાશ પામેલ બોટ માટે રૂ. 5 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. 10 લાખ સુધીની લોન પર 10 % ના દરે વ્યાજ સહાય, અંશત: નાશ પામેલ બોટ માટે રૂ. 2 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. 5 લાખ સુધીની લોન પર 10 % ના દરે વ્યાજ સહાય, બોટ જાળ તથા અન્ય સાધન સામગ્રીની નુકશાની પેટે રૂ. 35 હજાર સુધીની સહાય, માછીમારી ખલાસીઓને ફિશિંગ બાન સમય દરમિયાન તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે રૂ. 2000 ની ઉચ્ચક સહાય પણ આપવાનો રાહત પેકેજમાં સમાવેશ કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પેકેજ જાહેર થયા બાદ મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને માત્ર એક અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને 10 દિવસમાં સર્વે થયેલ તમામ બોટના લાભાર્થીઓને તેમના ખાતામાં સીધીજ ચૂકવણી કરી દેવામાં આવી છે. જેમાં પૂર્ણ નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 113 માછીમારોને રૂ. 307.27 લાખની સહાય, અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 787 માછીમારોને રૂ. 500.38 લાખની સહાય, માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ 821 માછીમાર લાભાર્થીને કુલ રૂ. 230.08 લાખની સહાય તેઓના ખાતામાં સીધી જ ચૂકવી દેવાઈ છે. આ ઉપરાંત 77 ખલાસીઓને રૂ. 1.54 લાખ નિર્વાહ ભથ્થું મળી કુલ રૂ. 1041.05 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.

એટલું જ નહિ, તૌકતે વાવાઝોડા સંદર્ભે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર મળી કુલ પાંચ જિલ્લાઓમાં દરિયાકાંઠા વિસ્તારમાં મત્સ્યોદ્યોગ વિભાગની રૂપિયા 10.41 કરોડની સહાય ઉપરાંત અન્ય સહાય એટલે કે મકાન-ઝૂંપડાને નૂકશાન સહાય, કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાય પેટે કુલ રૂ 7 કરોડ 8 લાખ મળી સમગ્રતયા કુલ રૂ. 17 કરોડ 49 લાખની સહાય રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને ચૂકવવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા, શીયાળબેટ ખાતેના મત્સ્યબંદરોને થયેલા માળખાકીય નુકશાનને મરામત તથા નવીનીકરણ માટે રૂ. 80 કરોડનું ઐતિહાસિક પેકેજ પણ જાહેર કરેલ છે. જે અંતર્ગત હાલ કામોના નકશા અંદાજ બનાવવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. જે કામો તાત્કાલિક પૂર્ણ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.

જેમાં જાફરાબાદ ખાતે રૂ. 5780 લાખના ખર્ચે હયાત જેટીનું વિસ્તરણ કરી 500 મી. લંબાઈની નવી જેટી બનાવવી, બ્રેક વોટરની દુરસ્તી, લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી, ટી જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી, હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને (હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે. 
આ પણ વાંચો:- Ahmedabad: બુટલેગરોની ઘરમાં દારૂ રાખવાની નવી મોડેસ ઓપરેન્ડી, જોઇને મગજ ચકરાવે ચડી જશે

આ ઉપરાંત શિયાળબેટ ખાતે રૂ. 1030 લાખના ખર્ચે નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત તથા સૈયદ રાજપરા ખાતે રૂ. 560 લાખ ખર્ચે વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે. તેમજ નવાબંદર ખાતે રૂ. 575 લાખના ખર્ચે જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડા સંદર્ભે પ્રાથમિક સર્વે મુજબ 994 બોટને નુકશાન થયુ હતુ. તે પૈકી 964 અરજીઓ મળી હતી. આ પૈકી 900 અરજીઓ મંજૂર કરીને સહાય ચૂકવી દેવામાં આવી છે. જયારે 33 અરજીઓ રદ કરાઈ છે. આ 33 અરજીઓ બોટ માલિક દ્વારા બોટનું લાયસન્સ કઢાવેલ ન હોય, છેલ્લા બે વર્ષ દરમિયાન માછીમારી માટે ટોકન લીધેલ નથી, તથા બોટ જે માલિકના નામે બોટ રજીસ્ટ્રેશન ન હોય તેમજ બોટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અન્ય વ્યક્તિના નામે હોય આવા કારણોસર  અરજદારોની અરજી રદ કરવામાં આવેલ છે.

અમરેલી જીલ્લાના જાફરાબાદ ખાતે 39 બોટ વાવાઝોડા દરમિયાન ટગ સાથે અથડાવાના કારણે નુકશાન પામેલ જે પૈકી 31 બોટની સહાય અરજી મળેલ છે. જેની સહાય ચૂકવણી દિન-2 માં કરી દેવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે, આ રાહત પેકેજનો લાભ ન મળ્યો હોય તેવી કોઈ રજૂઆત રાજ્ય સરકારને આજદિન સુધી મળી નથી. તેમ છતાં પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમાર વંચિત રહી ગયા હશે તો, તેઓને પણ પેકેજની સહાય રાજ્ય સરકાર પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ આ રાહત પેકેજને તમામ માછીમાર સમાજ આગેવાન દ્વારા બિરદાવીને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news