ભાવનગરના ડમીકાંડ બાદ હવે ખુલ્યું GISFSની ભરતીમાં કૌભાંડ; 1000થી વધુ લોકોએ નોકરી મેળવી

GISFSના કર્મચારી એસોસિએશનને પત્ર લખીને તંત્રને જાણ કરી છે કે એક જ ગામના 10થી વધુ લોકોએ જ્ઞાતિવાદ આચરીને નોકરીઓ મેળવી છે અને લાગવગના જોરે આ ખેલ ચાલી રહ્યો છે. 

ભાવનગરના ડમીકાંડ બાદ હવે ખુલ્યું GISFSની ભરતીમાં કૌભાંડ; 1000થી વધુ લોકોએ નોકરી મેળવી

નવનીત દલવાડી/ભાવનગર: ડમીકાંડ બાદ ગુજરાતમાં વધુ એક ભરતીમાં નોકરીઓ વેચાઈ હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. હવે GISFSની ભરતીમાં કૌભાંડ થયાનો દાવો થયો છે. GISFSના કર્મચારી એસોસિએશનને પત્ર લખીને તંત્રને જાણ કરી છે કે એક જ ગામના 10થી વધુ લોકોએ જ્ઞાતિવાદ આચરીને નોકરીઓ મેળવી છે અને લાગવગના જોરે આ ખેલ ચાલી રહ્યો છે. 

ભાવનગરના ડમી ભરતીકાંડ કરતાં પણ વધુ મોટું GISFS નું કૌભાંડ હોવાનો આક્ષેપ કરી GISFS ના ભાવનગરના પ્રવક્તા માવજી સરવૈયાએ મીડિયા સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા તેમજ આ અંગેની લેખિત જાણ ગૃહ વિભાગ અને ભાવનગર આઈજી-એસપી ને પણ કરવામાં આવી હોય તેમ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં 50 થી વધુ મળી રાજ્યમાં 1000 કરતા વધુ લોકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હોય ત્યારે આ રાજ્યના કથિત સૌથી મોટા કૌભાંડમાં યોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવે અને લોકોને ન્યાય મળે તેવી માંગ કરી હતી

ખરકડી ગામના હરપાલસિંહ સહિત 3 શખ્સોને મુખ્ય સુત્રધાર ગણાવાયા છે. 2011થી GISFSમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનો દાવો થયો છે. 2011થી અત્યાર સુધી 850 લોકોએ નોકરી મેળવી હોવાનો પણ દાવો થયો છે. તો ગુજરાતમાં હવે પ્રામાણિકતા અને ઈમાનદારીથી કોઈ પણ જાતની નોકરી મેળવવી કેટલી કઠીન બની ગઈ છે તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેપર લીક કૌભાંડ, નોકરી કૌભાંડ અને ડમી કૌભાંડથી વારંવાર સાબિત થઈ રહ્યું છે. કેટલી હદે ભ્રષ્ટાચારીઓ સરકારના નાક નીચે આ ખેલ ચલાવી રહ્યા છે તે પણ આખું ગુજરાત જોઈ રહ્યું છે. તપાસ એજન્સીઓ માત્ર શોભાના ગાંઢિયા બનીને રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. આરોપ લાગે છે અને પછી તપાસ થાય છે. 

ભાવનગર જિલ્લાના ગામડાઓ માથી લાયકાત વિના અનેક લોકોને GISFS માં ભરતી કરાવ્યા હોવાની ફરિયાદ પુરાવાઓ સાથે જિલ્લા પોલીસ વડાને ભાવનગર GISFS ના પ્રવક્તાએ કરતાં ચકચાર મચી છે. સમગ્ર રાજ્યમાં હાલ ભાવનગરમાં ઉજાગર થયેલ ડમી વિદ્યાર્થી પેપરકાંડને લઈને ભારે ચકચાર મચી છે જેમાં દરરોજ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેને લઈ ગૃહ વિભાગ દ્વારા પણ યોગ્ય તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષાદળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તાએ GISFS માં જવાનોની ભરતી મામલે સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. 

રાજ્ય સરકાર પ્રસ્થાપિત ગુજરાત ઈસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીની સ્થાપના વર્ષ 1997 માં કરવામાં આવી હતી આ સંસ્થાના ગવરનિંગ બોડીના સભ્યો તરીકે આઈએએસ, આઈપીએસ અધિકારીઓ કાર્યરત છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં GISFS ના જવાનો સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે ભાવનગરમાં પણ આરટીઓ, જીએમબી, પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, બીપીટીઆઈ, જીઈબી, સરકારી પ્રેસ, આદર્શ નિવાસી શાળા, સરકારી સમરસ હોસ્ટેલ, પાણી પુરવઠા બોર્ડ, જીઆઈડીસી, પીજી હોસ્ટેલ સહિત સરકારી એકમોમાં સુરક્ષા-વ્યવસ્થાનો મોરચો GISFS ના જવાનો જ સંભાળે છે. 

ગત વર્ષ 2002 માં સંસ્થા દ્વારા પોલીસ ની ભરતી પ્રક્રિયા મુજબ આ સંસ્થામાં જવાનોની ભરતી કરવામાં આવી હતી અને આ ભરતીમાં પ્રથમ પસંદગી SRP-SSB આર્મી પોલીસ, હોમગાર્ડ જવાન નિવૃત્ત થયા હોય કે રાજીનામું આપ્યું હોય એવાં જવાનની પસંદગી પ્રથમ કરવી એવો ઓર્ડર છે અને હાલમાં સેંકડો જવાનો વેઈટીંગમા છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામના એક જવાને રૂપિયાના જોરે આ સંસ્થામાં પ્રવેશી ગેરકાયદે લાખો રૂપિયા વસુલી અનેક લોકોની ભરતી કરાવી છે અને આ કૌભાંડ ખુબ મોટું છે જે સમગ્ર રાજ્યમાં વિસ્તરેલું છે.

આ અંગે ન્યાયીક તપાસની માંગ સાથે માવજીભાઈ સરવૈયા એ ભાવનગર ના એસપી રવિન્દ્ર પટેલને પુરાવાઓ સાથે રજૂઆત ફરિયાદ કરી તત્કાળ હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. જ્યારે ભાવનગર હોમગાર્ડ કમાન્ડર સામે પણ GISFS અને કમાન્ડર બંને માં નોકરી કરી પગાર મેળવતા હોવાના આક્ષેપો કરતા આ અંગે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news