હોળીનો વરતારો કાઢતા 16 આની વર્ષ નીકળ્યું, હોળીમા શેકાયેલ કુંભને બહાર કાઢીને વડીલોએ આગાહી કરી કે...

દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 16 આની રહેશે. એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે

હોળીનો વરતારો કાઢતા 16 આની વર્ષ નીકળ્યું, હોળીમા શેકાયેલ કુંભને બહાર કાઢીને વડીલોએ આગાહી કરી કે...
  • કોડિનારના દેવળી ગામમાં અંગારા પર ચાલીને ઉજવાય છે હોળી
  • હોળીની જ્વાલાની દિશા તરફથી થાય છે આગામી ચોમાસાની આગાહી
  • હોળીમાં ધાન્યનો કુંભ મૂકીને વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો 

ઝી મીડિયા/બ્યૂરો :ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણી વચ્ચે વર્ષો જૂની પરંપરાઓ પણ હજી જીવંત છે. આ વર્ષે પણ કોડિનારનાં દેદાની દેવળી ગામે હોળિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હતી. હોળીની જાળ જે દિશા તરફ જાય તેના પરથી અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો હતો. આ વરતારા બાદ લોકો ખુશ થઈ ગયા હતા.
 
ગીર સોમનાથમાં 10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગામમાં ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે. અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દિવસ સુધી કોઈ ને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા અને હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 16 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે. 

કેવી રીતે કરાય છે વરતારો 
ગામના અગ્રણી દીપુભાઈ બારડ કહે છે કે, હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા (અંગારા) ને કાઢી 7 ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે. અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે. 

આ વર્ષનો વરતારો શું કહે છે 
આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 16 આની રહેશે. એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે, સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news