ગેનીબેનનું કદ વધ્યું અને ભાજપનું નાક કપાયું, વાવની હારજીત માટે આ રાજકીય અને સામાજિક સમીકરણો છે મોટા પરિબળ
Vav Vidhansabha Election : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના 50 ઉમેદવારોએ ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા,,, ઉમેદવારોનો રાફડો ફાટતાં સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો પણ મુંઝાયા
Trending Photos
Gujarat Politics અલકેશ રાવ/બનાસકાંઠા : વાવ વિધાનસભાની ચૂંટણી ત્રિપાંખી રહેવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જો કે હજુ સુધી ત્રણેયમાંથી એક પણ પાર્ટીના ઉમેદવાર જાહેર થયા નથી. પરંતુ ટિકિટ લેવા માટે દાવેદારોએ પોતાનાથી થાય તે બધુ જ કરવાનું શરૂ કરી દીધું છે.
- વાવથી કોણ પહોંચશે ગાંધીનગર?
- ગઢ સાચવી શકશે કોંગ્રેસ?
- ગઢમાં ગાબડું પાડશે ભાજપ?
- શું છે આ વખતે પ્રજાનો મૂડ?
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે જોકે વાવ વિધાનસભાની સીટ ગુજરાતની હોટ સીટ માનવામાં આવે છે અને આ વખતે પેટા ચૂંટણીમાં આ સીટ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે તો આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે જેને લઈને આ સીટ ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે. તો વાવ વિધાનસભાના મતદારોએ પણ આ વખતે ભાજપ -કોંગ્રેસ નહિ પણ ઉમેદવારને જોઈને મત આપવાનું મન બનાવી લીધું છે એટલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારને જ મેદાને ઉતારીને આ સીટ કબજે કરવા મરણિયો પ્રયાસ કરાશે ત્યારે વાવ વિધાનસભાની તાસીર શું છે. કયા રાજકીય અને સામાજિક સમીકરણો આ વિધાનસભાને અસર કરશે, તેમજ મતદાતાઓનો શુ મિજાજ છે તે જોઈએ.
કેમ થઈ રહી છે વાવમાં ચૂંટણી, આ છે કારણ
બનાસકાંઠાની વાવ વિધાનસભા ઉપર 2022માં ચૂંટાઈને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 2024ની લોકસભાની ચૂંટણી લડી બનાસકાંઠાના સંસદ બનતાં વાવ વિધાનસભાની સીટ ખાલી થતાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર મતદાન થશે અને 23 નવેમ્બરે તેનું પરિણામ આવશે. બનાસકાંઠા જિલ્લાની હાઈ પ્રોફાઈલ બેઠક એટલે વાવ વિધાનસભા વાવ વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2017 માં વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરે હાલના વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાતના ભાજપના મોટા નેતા શંકર ચૌધરીને હાર આપી હતી, તે પછી ગેનીબેન ઠાકોરે 2022ની વિધાનસભામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી હતી. તે બાદ 2024 ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન સાંસદ બનતા આ બેઠક ખાલી પડેલી હતી.
વાવમાં મતદારોનું ગણિત
- વાવ વિધાનસભામાં અંદાજિત 3 લાખ મતદારો
- 30 ટકા મતદારો ઠાકોર સમાજના
- 17% ચૌધરી પટેલ સમાજના
- 12% દલિત સમાજના
- 9 ટકા બ્રાહ્મણ સમાજના
- 9 ટકા રબારી સમાજના
કોણ કોણ ક્યારે જીત્યું
1998 થી 2022 સુધીમાં મોટેભાગે આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે 1998 માં પ્રથમવાર કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. ત્યારબાદ 2002માં પણ હેમાજી રાજપુત જીત્યા હતા. જોકે 2007માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. જેમાં પરબત પટેલનો વિજય થયો હતો. તેના બાદ 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો અને 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ભાજપના શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા તે બાદ 2022માં ગેનીબેન ઠાકોર ફરીથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવીને ધારાસભ્ય બન્યા. જેથી વાવ વિધાનસભા ઉપર સતત 10 વર્ષથી કોંગ્રેસનો કબજો યથાવત છે.
ચૂંટણી જીતવી એ ભાજપ માટે સ્વમાન માછું મેળવવા જેવું
હવે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવવાની છે ત્યારે આ સીટ કબજે કરવા કોંગ્રેસ અને ભાજપ એડીચોટીનું જોર લગાવશે. કારણકે વાવ વિધાનસભા ઉપર કોંગ્રેસના ગેનીબેને ઠાકોરનું દબદબો છે. તો બીજી તરફ ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતીને ગુજરાતમાંથી દિલ્હી જનાર કોંગ્રેસના એકમાત્ર સંસદ બનતા ગેનીબેન ઠાકોરનું કદ વધી ગયું છે. તો લોકસભાની સીટ ભાજપે ગુમાવી દેતા ભાજપનું બનાસકાંઠા જિલ્લામાં નાક કપાયું છે. તો શંકર ચૉધરી સહિતના મોટા ગજાના નેતાઓનું સ્વમાન ઘવાયું છે. જેથી આ વખતે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસને જીતાડીને ગેનીબેન પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરશે. તો ભાજપ માટે આ ચૂંટણી જીતવીએ સ્વમાન પાછું મેળવવા માટેની તક સમાન ગણવામાં આવી રહી છે.
ભાજપમાં કોનું નામ ચર્ચામાં
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે કારણકે ત્રણેય પક્ષો પોતાના મજબૂત ઉમેદવારો મેદાને ઉતારશે. વાવ વિધાનસભા માટે ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવાર ટિકિટ મેળવવા માટે લોબિંગ કરીને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે હાલ ભાજપમાં ત્રણ નામો સૌથી વધુ ચર્ચામાં છે.
- સ્વરૂપજી ઠાકોર
- મુકેશજી ઠાકોર
- શૈલેષ પટેલ
આ ઉમેદવારોમાં સ્વરૂપજી ઠાકોર અગાઉ 2022માં ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડીને હારી ચૂક્યા છે. જોકે તે બાદ તેવો પ્રજા વચ્ચે ન રહીને તેમના કામો ન કરાવી શક્યા હોવાનું પણ ચર્ચાય જોર પકડ્યું છે. જોકે 2022માં હાર બાદ કદાચ ભાજપ તેમને લાગણીવશ થઈને ટિકિટ આપે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે બીજી મહત્વનું નામ મુકેશજી ઠાકોરનું, જેઓ એક યુવા નેતા છે. તે ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશ મંત્રીનો હોદો ધરાવે છે. તો એક સામાજિક કાર્યકર અને નિર્વિવાદિત ચહેરો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીના નજીકના છે. તો બીજી તરફ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર સાથે રહીને મુકેશજી ઠાકોરે સમગ્ર ચૂંટણીમાં બુથ લેવલથી લઈને મતદાન સુધીનું કેમ્પઈન કર્યું હતું જેથી કદાચ ભાજપ તેમને ટીકીટ આપી શકે. તો ત્રીજા સંભવિત ઉમેદવાર શૈલેષ પટેલ છે. જેવો બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલના પુત્ર અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન છે. શૈલેષ પટેલ નિર્વિવાદીત અને યુવા ચહેરો હોવાથી ભાજપ તેમને ટીકીટ આપે તેવી શક્યતાઓ છે.
કોંગ્રેસમાંથી કોનું નામ ચર્ચામાં
બીજી તરફ કોંગ્રેસ માંથી ગુલાબસિંહ રાજપૂત, કે.પી ગઢવી અને ઠાકરસિંહ રબારીનું નામ ચર્ચામાં છે. જેમાં ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે, જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક ઉપર શંકર ચૉધરી સામે હાર્યા હતા. તેમને આ વખતે કોંગ્રેસ વાવ બેઠક ઉપરથી ટિકિટ આપી શકે છે. તો બીજું નામ કે.પી ગઢવીનું છે. કેસરદાન ગઢવી કોંગ્રેસના જુના નેતા છે. જેમને વાવ વિધાનસભાની દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસને જીતડવાની રણનીતિ ઘડી છે. તેમજ તેમની ભારે લોકચાહના છે. જેથી કોંગ્રેસ તેમને ટિકિટ આપી શકે. તો ત્રીજી નામ ઠાકરસિંહ રબારીનું છે. જે કોંગ્રેસ આક્રમક નેતા છે અને ગેનીબેન ઠાકોરના અંગત છે. તેઓ ગેનીબેનની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં તેમના સારથી બનીને રહ્યા છે. જેથી કોંગ્રેસ તેમને ટીકીટ આપે તેવી શક્યતાઓ છે.
આપ પાર્ટી માટે સંભવિત નામ
તો આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. જેમાં આમ આદમી પાર્ટીમાં પણ ત્રણ નામ ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં વશરામભાઈ પ્રજાપતિ,છગનજી ઠાકોર અને ભૂરાજી રાજપૂતનું નામ મોખરે છે. જેથી આ વખતે વાવમાં ત્રિપાખીયો જંગ ખેલાશે.
ભાજપ અને કોંગ્રેસ જીત માટે પોતાના સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતારશે. પરંતુ આખરી નિર્ણાયક ભૂમિકા તો વાવના મતદાતાઓ જ ભજવશે. વાવ વિધાનસભામાં મતદારોનું રાજકીય ગણિત જોઈએ તો વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે. જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ 47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ, 25,995 રબારી મતદાતાઓ, 39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ 19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાતાઓનો આ વખતે અલગ જ મિજાજ છે. મતદારોનું કહેવું છે કે અહીં ભાજપ અને કોંગ્રેસ અમારા કામ કરે તેવા ઉમેદવારને ઉતારશે તો જ અહીં જીતી શકશે. અમે આ વખતે સક્ષમ ઉમેદવારને જ મત આપીશું. જોકે કેટલાક મતદાતાઓએ ગેનીબેનના કામને કારણે કોંગ્રેસને મત આપવાનું કહ્યું હતું તો કેટલાક મતદાતાઓ ભાજપના ઉમેદવારને જીતડવાનું કહી રહ્યા છે.
વાવ વિધાનસભાની સીટ આ વખતે જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ અને ભાજપ ક્યાં ઉમેદવારને મેદાનમાં ઉતારેશે અને મતદાતાઓ ક્યાં ઉમેદવારને જીત અપાવશે તો વાવ વિધાનસભાની સીટ કયો પક્ષ કબજે કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે