અ'વાદમાં લિફ્ટ દુર્ઘટનામાં કોઈએ ભાઈ તો કોઈએ પતિ, કોઈએ પિતા અને માતાઓએ ગુમાવ્યા જુવાનજોધ પુત્રો...
પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના યુવકો શહેરી વિસ્તારોમાં સેન્ટિંગ કામ, કડીયા કામ સહિતની કામગીરી કરતા હોય છે. વર્ષ દરમિયાન શ્રમિકો બહારગામ જ રહેતાં હોય છે જે માત્ર પ્રસંગોપાત અને તહેવાર ટાણે જ વતનમાં આવતા હોય છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: અમદાવાદના એસપાયર-2 બિલ્ડીંગની દુર્ઘટનામાં મોતને ભેટેલા શ્રમજીવીઓમાં ઘોઘંબા તાલુકાના વાવકુંડલી અને શામળકુવા ગામના ચાર શ્રમિકોનો સમાવેશ થાય છે. નાયક પરિવારના યુવાન શ્રમિકો અકાળે મોતને ભેટતા ગામ અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. કોઈએ ભાઈ તો કોઈએ પતિ કોઈએ પિતા અને માતાઓએ જુવાનજોધ પુત્રોને ગુમાવ્યા છે સાથે જ ચારેય પરિવારે કુટુંબના ભરણપોષણમાં મહત્વની ભૂમિકા ભજવતાં લાડકવાયા ગુમાવતા મૃતકના સ્વજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. જેને લઈ ગામની સ્થિતિ પથ્થર દિલને પીગળાવી દે એવી જોવા મળી રહી છે.
પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના યુવકો શહેરી વિસ્તારોમાં સેન્ટિંગ કામ, કડીયા કામ સહિતની કામગીરી કરતા હોય છે. વર્ષ દરમિયાન શ્રમિકો બહારગામ જ રહેતાં હોય છે જે માત્ર પ્રસંગોપાત અને તહેવાર ટાણે જ વતનમાં આવતા હોય છે. બુધવારે અમદાવાદમાં એસ્પયર બિલ્ડીંગમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકો મોતને ભેટ્યા છે. જેમાં ઘોઘંબા તાલુકાના ચાર યુવાવયના શ્રમિકોનો સમાવેશ થાય છે. પોતાના સ્વજન અકાળે ગુમાવ્યા હોવાની જાણ પરિવારજનો અને ગામમાં થતાં જ આખું ગામ જાણે હિબકે ચડ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
વાવકુંડલી ગામના મૃતકની વાત કરીએ તો મુકેશભાઇ ભરતભાઇ નાયકનો સમાવેશ થાય છે. જેઓના પરિવારમાં માતા પિતા, સાત ભાઈ બહેનનું પરિવારનો સમાવેશ થાય છે. મુકેશ પરણિત છે જેના લગ્ન ગીતા સાથે થયા હતા. ત્યારબાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન બે પુત્રો છે. મુકેશ 10 દિવસ અગાઉ જ સેન્ટિંગ કામે ગયો હતો. જે ઘણા વર્ષોથી આ કામ કરે છે અને તેના મોટા ભાઈ બળવંત પણ આજ લાઇનમાં છે.
જયારે મૃતક શ્રમિક સંજયભાઈ મંગભાઈ નાયકની વાત કરીએ તો તેના પરિવારમાં માતા-પિતા,અને 8 ભાઈ અને 1 બહેન મળી 9 સભ્યો છે. જેમાં સંજય ચોથા નંબરનો સંતાન છે. જેની ઉંમર હજી માંડ 19 વર્ષની છે. તેના એક વર્ષ અગાઉ જ મનીષા સાથે લગ્ન થયા હતા. જેને હાલ છ માસનો ગર્ભ છે. સંજય ત્રણથી ચાર વર્ષથી અમદાવાદ કામ કરે છે. તેનો ભાઈ રાકેશ અને સંજય સાથે જ કામગીરીમાં હતા. પરંતુ રાકેશ 4 દિવસ અગાઉ જ વતનમાં આવ્યો હતો. જોડે જ હતા ત્રણ ચાર દિવસ પહેલા ઘરે આવ્યો હતો.
જયારે મૃતક શૈલેષભાઇ રાયજીભાઈ નાયકના પરિવારની વાત કરીએ તો 3 ભાઈ છે અને પોતે પરણિત છે. તેનું લગ્ન પાંચ માસ અગાઉ જ થયું હતું. શૈલેષની માતા વિધવા છે. ત્રણ ભાઈઓ પૈકી સૌથી નાનો શૈલેષ કુટુંબનું ભરણપોષણ કરવા માટે સેન્ટિંગ કામમાં જતો હતો. શૈલેશનો એક ભાઈ માનસિક અસ્થિર છે. બીજો ઘરે માતા સાથે રહે છે. જેથી કુટુંબની આર્થિક જવાબદારી માત્ર શૈલશ જ નિભાવતો હતો. જે 10 દિવસ પહેલા કમાવવા અમદાવાદ ગયો હતો.
ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની ડેડ બોડી લેવા માટે તેમના પરિવારજનો અને સ્થાનિક અગ્રણીઓ ઘોઘમ્બાના વાવ કુંડલી ગામથી રવાના થયા તો થયા છે. પરંતુ અમદાવાદનું અંતર વધુ હોવાથી કાયદાકીય પ્રક્રિયાઓ પતાવી પરત ફરતા વાર લાગે એમ હોય આ ગામના તમામ મૃતકોની અંતિમ વિધિ આવતી કાલે કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારે પરિવારજનો અને અગ્રણીઓ ભારે આક્રોશ સાથે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે