રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ

રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે

રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ પૈકી એક સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે ત્યારે પોલીસે ઇન્જેકશનના કાળા કારોબારના આ તાર કેટલે સુઘી પહોંચેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે..

આ શખ્સો છે માનવતાના દુશ્મન. કોરોનાની મહામારીમાં લોકોને જીવન રક્ષક એવા રેમડેસિવિર નામના ઇન્જેકશનનો કાળો કારોબાર ચલાવતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને બે ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ અને દેવયાનીનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે આખી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસના કહેવા પ્રમાણે 4200 રૂપિયામાં આવતા આ ઇન્જેકશન આ ટોળકી 10 હજાર રૂપિયામાં વહેંચતા હોવાનું સામે આવ્યુ છે જો કે અત્યાર સુઘીમાં કેટલા લોકોને આ ઇન્જેકશન આપ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.

કઇ રીતે થયો પર્દાફાશ..
રાજકોટમાં જીવન રક્ષક ઇન્જેકશનની અછત અને તેના કાળા બજારની ફરિયાદો ઉઠી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભા કર્યા જેના આધારે દેવયાનીનો સંપર્ક કર્યો. દેવયાનીએ આ ઇન્જેકશન 10 હજારનું એક એમ બે ઇન્જેકશનના 20 હજારની માંગ કરી જેને સહમત થતા પોલીસે છટકું ગોઠવ્યુ અને દેવયાની પાસે ઇન્જેકશન મંગાવવામાં આવ્યા જે બાદ વિશાલ ગોહેલ નામનો શખ્સ આ ઇન્જેકશન લઇને આવ્યો હતો. વિશાલની પુછપરછ કરતા તેને આ ઇન્જેકશન જલારામ હોસ્પિટલ રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ અને જગદિશ શેઠ પાસેથી 15 હજારમાં લીઘા હોવાની કબૂલાત આપી હતી. જગદિશ શેઠે આ ઇન્જેકશન હિંમત ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી લીધા હોવાનું સામે આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે હિંમત ચૌહાણ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં રોજમદાર તરીકે નર્સિગ વિભાગમાં છેલ્લા 10 મહિનાથી નોકરી કરે છે આ શખ્સ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન કે વિગત લીઘા વગર જ ઇન્જેકશનનો આ જથ્થો આપતો હોવાનું પણ સામે આવ્યુ છે જેની પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.

હાલ તો પોલીસે માનવતાના આ દુશ્મનોની પુછપરછ શરૂ કરી છે અને આ  શખ્સોએ અત્યાર સુઘીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે જો કે કેટલાક સવાલો પણ અહીં ઉભા થઇ રહ્યા છે જેના જવાબ પોલીસ મેળવી રહી છે.

સવાલ નંબર 1
આ ટોળકી કેટલા સમયથી આ ગોરખઘંઘો ચલાવતા હતા..

સવાલ નંબર 2
અત્યાર સુઘીમાં કેટલા ઇન્જેકશનનું આ ટોળકીએ વહેંચાણ કર્યું..

સવાલ નંબર 3
ઇન્જેકશનનો જથ્થો આ શખ્સો ક્યાંથી લાવતા હતા 

સવાલ નંબર 4
હિંમત ચૌહાણ સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે ત્યારે હોસ્પિટલની કોઇ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ 

સવાલ નંબર 5
સામાન્ય રીતે આ ઇન્જેકશન આપતા પહેલા દર્દીની સંપૂર્ણ વિગત રાખવી ફરજીયાત છે ત્યારે આ રીતે કોઇપણ પ્રિક્રિપ્શન વગર ઇન્જેકશનનો જથ્થો કોણ આપતું હતુ..

આવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ કામે લાગી છે ત્યારે આ રેકેટના તાર કેટલે સુઘી પહોંચે છે તે જોવાનું રહ્યું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news