વલસાડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ નુકસાની સર્જી, ઠેર-ઠેર પાણી ભરાયા, વીજળી પણ ગુલ
First Rain In Valsad : વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા પહેલા વરસાદે નુકસાની સર્જી છે
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા પહેલા વરસાદે નુકસાની સર્જી છે. વરસાદને લઈ રસ્તાઓ પાણી-પાણી થઈ જ ગયા, પરંતુ અનેક વિસ્તારોમા પાણી ભરાવાની સ્થિતિ થઈ હતી. તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે, વરસાદના આગમનથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. પ્રથમ વરસાદ બાદ શહેરના બંને અંડર પાસમાં પાણી ભરાયા છે. છીપવાડ અંડર પાસ અને મોગરવાડી અંડર પાસમાં પાણી ભરાતા સવારે નોકરીએ જવા નીકળેલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : જ્યાં સદીઓથી ધજા નથી ચઢી, એ પાવાગઢ મંદિરમાં PM મોદી ધજારોહણ કરનાર પહેલા શખ્સ બનશે
કેરી ખરી પડી, હવે ખેડૂતો માર્કેટમાં શુ વેચશે
વલસાડ જિલ્લામાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે કેરીના પાકને નુકસાની પહોંચી છે. વહેલી સવારે પવન સાથે પડેલા વરસાદના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક જમીન દોષ થતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે માંડ 10 થી 20 ટકા જેટલી કેરીનો પાક આવ્યો હતો, પરંતુ તે પણ હવે પહેલા વરસાદમાં નષ્ટ થઈ જશે તેવુ લાગી રહ્યુ છે. આજે વહેલી સવારે વરસાદ પડતાં ખેડૂતોનો તૈયાર થયેલો કેરીનો પાક પડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હવે માર્કેટમાં શુ વેચશુ તેવો સવાલ તેમને થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂતો હવે સરકાર સહાય આપે એવી માંગ કરી રહ્યાં છે.
નવસારીમાં વરસાદ પડતા લોકોમાં ખુશી છવાઈ
વલસાડ ઉપરાંત નવસારી-વિજલપોર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે અમી છાંટણા વરસતા ઠંડક પ્રસરી છે. ઉનાળાની આકરી ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદી માહોલ સાથે ધીમી ધારે વરસેલા વરસાદે રાહત આપી હતી. જૂન 10 બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યારે ચાતક નજરે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે ડાંગર માટે ધરૂ વાડિયુ તૈયાર કરી ખેડૂતો રોપણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એમના ચેહરાઓ પર પણ ખુશીની લહેરખી દોડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે