નકલી IPS, નકલી PSI અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેકટર ઝડપાઈ, આ રીતે ભાંડો ફૂટ્યો અને...

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારીને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો ઇસમ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યા હતા. વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા ૧૨ લાખનું સોનું ખરીદ્યું હતું.

નકલી IPS, નકલી PSI અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેકટર ઝડપાઈ, આ રીતે ભાંડો ફૂટ્યો અને...

ચેતન પટેલ/સુરત: નકલી ips, નકલી પીએસઆઇ અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેકટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા 12 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી કરવામાં આવી છે. સમગ્ર બામનો સલાબતપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને નકલી મહિલા ડેપ્યુટી કલેકટર સહિત બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારીને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો ઇસમ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યા હતા. વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા ૧૨ લાખનું સોનું ખરીદ્યું હતું. જે બદલામાં આપેલ ચેક રિટર્ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. 

નકલી સરકારી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે.જેમાં આવી જ એક ઘટના સુરતમાં સામેથી આવી છે.સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફાભાઈ રબારી માન દરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. ૩૧ માર્ચના રોજ વ્યારા ની હેતલ ચૌધરી તેમની દુકાને સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે આવી હતી. 

હેતલ ચૌધરી સાથે અન્ય એક ઇસમ પણ જોડે હતો. જ્યાં હેતલ ચૌધરીએ 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં ની ખરીદી કરી તેના બદલામાં અલગ અલગ તારીખના બે ચેક આપ્યા હતા. વેપારીને વિશ્વાસ અને ભરોસામાં લેવા પોતાની ઓળખ ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર તરીકેની આપી હતી. એટલું જ નહીં પરંતુ ૨૯મી માર્ચના રોજ પોતે સુરત- કડોદરા તરફ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન મોપેડ પર આવેલ બે શખ્સોએ તેણીનો મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઇ ગયા હતા. 

જે અંગેની ફરિયાદ તેણીએ સારોલી પોલીસ મથકમાં નોંધાવી હતી અને તેમાં પણ તેની ઓળખ ડેપ્યુટી કલેકટર તરીકે આપી હતી.જે એફઆઈઆરની કોપી વેપારીને બતાવતા તેણે વિશ્વાસ આવી ગયો હતો અને રૂપિયા 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં આપી ચેક લઈ લીધા હતા. પરંતુ આ ચેક રિટર્ન થતાં વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વેપારીએ જણાવેલી હકીકતના આધારે મહિલા ડેપ્યુટી તરીકેની ઓળખ આપનાર હેતલ પટેલની ખરાઈ કરવામાં આવી હતી. જ્યાં સારોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની પણ જાતે સલાબતપુરા પોલીસે ખરાઈ કરી હતી. જ્યાં સલાબતપુરા પોલીસની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલ સહિત બે લોકોની મોટી અંબાજી ખાતેથી વોચ ગોઠવી ધરપકડ કરી હતી..

સલાબતપુરા પોલીસની તપાસમાં હેતલ પટેલ દ્વારા માત્ર સુરત નહીં પરંતુ નવસારી અને વ્યારા ખાતે પણ અન્ય લોકો જોડે ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અઢી વર્ષ અગાઉ ઉધના દરવાજા ખાતે આવેલ અમિત જ્વેલર્સમાં પણ તેણીએ પોતાની ઓળખ ટીડીઓ તરીકેની આપી રૂપિયા અઢી લાખની છતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હેતલ પટેલ દ્વારા જ્વેલર્સ પાસેથી ખરીદેલી 12.38 લાખની સોનાની જ્વેલરી ગીરવે મૂકી ફોર વ્હીલ કાર ખરીદી કરવામાં આવી હતી. જે કાર લઇ હેતલ પટેલ દર્શન કરવા માટે મોટી અંબાજી પહોંચી હતી. જોકે દર્શન કરે તે પહેલા જ પોલીસે દર્શન આપી હેતલ પટેલની ધરપકડ કરી લીધી હતી. 

સલાબતપુરા પોલીસ દ્વારા હેતલ પટેલ સહિત બે લોકોની ધરપકડ કરી ફોર વ્હીલ કાર પણ જપ્ત કરી છે. હેતલ પટેલ પાછળ અન્ય કોઈ માસ્ટર માઈન્ડ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે...જે તપાસમાં અન્ય ખુલાસા બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news