ડોક્ટરની અપીલ : 2 ટકા લોકોને જ ICU ની જરૂર, 98 ટકા ઘરે રહીને સાજા થઈ શકે છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં સતત કોરોના દર્દીઓ માટે બેડમાં વધારો કરવા છતાં પણ અનેક મેડિકલ સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. આ મામલે ઝી 24 કલાકે ડોક્ટર મિતાલી વસાવડા સાથે વાત કરી. તેમણે રેમડેસિવિર જરૂરિયાત પર કેટલીક ખાસ માહિતી આપી. દર્દીને રેમડેસિવિર કયા કિસ્સામાં આપવાની જરૂર છે તે તેમણે જણાવ્યું.
લક્ષણો દેખાતા તરત ટેસ્ટ કરાવો
ડોક્ટર મિતાલી વસાવડાએ કહ્યું કે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવે એટલે દોડીને હોસ્પિટલ કે રેમડેસીવીર ઈન્જેકશન શોધવાની જરૂર નથી. કોરોનાના કોઇપણ લક્ષણ હોય, લોકોએ તુરંત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવો જ જોઈએ. રેપિડ ટેસ્ટ નેગેટીવ આવે અને તો પણ કોરોનાના લક્ષણ દેખાતા હોય તો RTPCR ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. RTPCR ટેસ્ટ ઘણીવાર નેગેટિવ આવે છે, છતાય લક્ષણ હોય તો સિટી સ્કેન કરીએ ત્યારે કોરોના થયાની જાણ થતી હોય છે. ચોથા કે પાંચમાં દિવસે સિટી સ્કેનના રિપોર્ટથી કોરોના થવા અંગે ચોક્કસ ખ્યાલ આવે છે.
આ પણ વાંચો : સાવધાન! અમદાવાદના નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે
કોરોનાનાં આ વેવમાં 2 ટકા લોકોને જ ICU ની જરૂર પડી રહી છે
તેમણે જણાવ્યું કે, હાલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે લોકો બેડ શોધવા લાગે છે. કોરોનાનાં આ વેવમાં 2 ટકા લોકોને જ ICU ની જરૂર પડી રહી છે. 98 ટકા લોકો ઘરે રહીને જ સાજા થઈ શકે છે, જો સમયસર ચેતીને ડોક્ટરનો સંપર્ક કરીને ઈલાજ શરુ કરે. રેમડેસિવિરની જરૂર કેટલાક કિસ્સામાં લોકોને પડી શકે છે. જોકે હોમ કેરમાં રહેલા દર્દીઓને હાલ રેમડેસિવિર નથી મળી રહ્યા. સરકારને મારી વિનંતી કે જે દર્દીઓને છેલ્લા 3 દિવસથી તાવ આવતો હોય, અન્ય બીમારી હોય, સિટી સ્કેન મુજબ એલિજીબલ હોય, CRP લેવલ 25થી વધુ હોય તો એવા દર્દીઓને રેમડેસિવિર પૂરા પાડવા જોઈએ. સરકાર આ પ્રકારે મદદરૂપ થશે તો હોસ્પિટલ અને તેના સ્ટાફ પર લોડ ઘટશે, બેડ જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી મળી રહેશે.
તાત્કાલિક દાખલ થઈને સારવાર લઈએ એવી કોઈ જરૂર નથી
કયા કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવુ તે વિશે તેમણે કહ્યં કે, કોરોના થયો છે, એટલે તાત્કાલિક દાખલ થઈને સારવાર લઈએ એવી કોઈ જરૂર નથી. મારો વ્યક્તિગત અનુભવ કહું તો મેં રેમડેસિવિર કે કોઈ અન્ય કોઈ સ્ટીરોઈડ પણ નથી લીધું. કોવિડની ગાઈડલાઈન મુજબ મેં સારવાર લીધી છે અને ક્વોરન્ટીનનો સમય પૂર્ણ કર્યો છે. જો તમને સતત તાવ નથી આવતો તો ગભરાવવાની જરૂર નથી. RTPCR માં સીટી વેલ્યુથી સ્પષ્ટ નથી કહી શકાતું કે દર્દીમાં સંક્રમણ કઈ રીતે આગળ વધશે. જો વાયરસનું લોડ 12 કે 14 પણ હોય તો એવું પણ જોવા મળે છે કે દર્દીને સામાન્ય રીતે રાહત મળી રહે છે. સીટી વેલ્યુ એ કહે છે કે વાયરલ લોડ કેટલો છે, પણ સીટી સ્કેન કરાવવો જરૂરી નથી. કેટલાક બ્લડ રીપોર્ટ પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. RTPCR પોઝિટિવ હોય અને લંગ્સમાં કેટલું નુકસાન છે, એ જણાવું હોય તો સીટી સ્કેન જરૂરી સાબિત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે