ખાલી થેલી નો ભાર....

આજે સમગ્ર માનવજાત વિશ્વની સૌથી મોટી ત્રાસદીનો સામનો કરી રહી છે. કોરોના શબ્દ ભય નો પર્યાય બની ચુક્યો છે. વિશ્વની તુલનામાં ભારત માં આ મહામારી ની તીવ્રતા આજે ભલે ઓછી જણાઈ રહી હોય પરંતુ, સહેજ પણ ગફલત આપણને એવી મુશ્કેલીમાં મૂકી શકે છે જેનો કદાચ કોઈને અંદાજ પણ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ મહામારીને રોકવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. પરંતુ, દુઃખની વાત એ છે કે મહાસંકટની આ ઘડીમાં પણ લોકો માનવતાના નેવે મૂકીને ગરીબ લોકોને કાયદાનાં નામે છેતરી રહ્યાં છે. 
ખાલી થેલી નો ભાર....

દિક્ષિત સોની/અમદાવાદ : આજે સમગ્ર માનવજાત વિશ્વની સૌથી મોટી ત્રાસદીનો સામનો કરી રહી છે. કોરોના શબ્દ ભય નો પર્યાય બની ચુક્યો છે. વિશ્વની તુલનામાં ભારત માં આ મહામારી ની તીવ્રતા આજે ભલે ઓછી જણાઈ રહી હોય પરંતુ, સહેજ પણ ગફલત આપણને એવી મુશ્કેલીમાં મૂકી શકે છે જેનો કદાચ કોઈને અંદાજ પણ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ મહામારીને રોકવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. પરંતુ, દુઃખની વાત એ છે કે મહાસંકટની આ ઘડીમાં પણ લોકો માનવતાના નેવે મૂકીને ગરીબ લોકોને કાયદાનાં નામે છેતરી રહ્યાં છે. 

આજે મારા ધ્યાન માં એક એવી ઘટના આવી જેનાથી મન દુઃખી થઈ ગયું. પત્રકાર તરીકે કંડલા વાવાઝોડું, ભૂકંપ, તોફાનો જેવી અનેક ઘટનોઓનો સાક્ષી રહ્યો છું, પણ આ પ્રકારની આટલી વ્યાપક મહામારી પહેલીવાર જોઈ રહ્યો છું. લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યાં છે. મારા અને તમારા ઘરમાં બાર મહિના માટે ભરી રાખેલા અનાજને કારણે આપણને એ લોકોની મુશ્કેલીનો અંદાજ નથી, જે લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિમાં ગરીબોને અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજનું વિતરણ કરી રહી છે. ખાલી થેલીમાં અનાજ લેવા માટે આવેલા અને લાઈનમાં ઊભેલા દરેકના ચેહરા પર આવતી કાલે શું થશે? તેનો પ્રશ્નાર્થ સ્પષ્ટ દેખાતો હોય છે. આવી જ એક મહિલાની વાત તમારી સમક્ષ કરી રહી રહ્યો છું. 

આજે વાસણા, સ્વામિનારાયણ મંદિર પાસે એક સસ્તા અનાજની દુકાનમાં એક પચાસ થી પંચાવન વર્ષનાં બહેન સવારે સાત વાગ્યાથી અનાજ લેવા ઊભા રહ્યાં હતાં. આ બહેન અહીંના વિસ્તારના ઘરોમાં કચરા,વાસણ,પોતા કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનને કારણે બહેનનું આ કામ પણ અત્યારે બંધ છે. આજે સવારે સાત વાગ્યાથી ફાટેલું રાશન કાર્ડ લઈને મફત અનાજ લેવા ઉભેલા બહેનનો નંબર છેક 11 વાગ્યે આવ્યો. 4 કલાક પછી નંબર તો આવ્યો પણ રાશનની દુકાનવાળાએ કહ્યું કે ‘રાશન કાર્ડ માં એક સરકારી સિક્કો લગાવવાનો બાકી છે એ લગાવીને આવો પછી જ અનાજ આપીશ.’ બહેને રાશનવાળાભાઈને અનેક આજીજી કરી અને કહ્યું કે ‘અત્યારે તમે અનાજ આપો, બધું બંધ છે હું અત્યારે ક્યાં સિક્કો કરાવવા જવું? બધું ખુલશે પછી સિક્કો મરાવી લઈશ.’ પરંતુ, કાળમીંઢ પથ્થર જેવા રાશનવાળાભાઈ પર આ લાચાર બહેનની આજીજીની કોઈ જ અસર ન થઈ. 

અંતે બહેન વાસણાથી પાલડી તરફ ચોરામાં સિક્કો મરાવવા ચાલવા લાગ્યાં, જ્યાં રસ્તામાં પોલીસ કર્મચારીએ રોક્યા. બહેનની આખી વાત પોલીસે સાંભળી તો ખરી પણ આગળ ના જવા દીધાં. આખરે આંખમાં ઝળઝળીયા સાથે બહેન વાસણા પરત આવા પાછા નીકળ્યા. અનાજ વિનાની ખાલી થેલીનો ભાર એમનાથી સહન નહોતો થઈ રહ્યો. મનમાં એક જ વિમાસણ હતી કે ઘરે જઈને શું રાંધશે? કોઈએ સાચું કહ્યું છે કે આર્તનાદ ઉપરવાળો સીધો સાંભળાતો હોય છે. અને એટલે જ તેમને રસ્તામાં કોઈ પરિચિત વ્યક્તિ મળી ગઈ. તેમની આખી આપવીતી તેમણે સાંભળી. આ પરિચિતને ત્યાં પહેલાં આ બહેન ઘરકામ કરતાં હતાં. આ ગરીબ મહિલાને તમામ અનાજની વ્યવસ્થા પરિચિત બહેને પોતાના ઘરમાંથી કરી આપી અને હસતે ચહેરે અને ‘ભરેલી થેલી’ સાથે મહિલાએ વિદાય લીધી. શક્ય છે, આજની પરિસ્થિતિમાં સિક્કાના અભાવે કેટલાય ગરીબો ખાલી થેલીના ભાર સાથે પોતાને ઘરે પાછા ફરતા હશે. દરેકને કદાચ આવી રીતે રસ્તામાં કોઈ પરિચિત નહીં મળતું હોય!

સરકાર ગરીબોની મદદ માટે યોજનાઓ લાવે છે, પરંતુ માનવીય અભિગમની ઉણપને કારણે તેનો લાભ જરૂરિયાતમંદોને નથી મળતો. શું આજની સ્થિતિમાં પક્ષાપક્ષીની રાજનીતિ, ધર્મ સમુદાયની વાડાબંધીને કોરાણે મૂકી તમામ કોર્પોરેટરો, ધારાસભ્યો, સામાજિક કાર્યકર્તાઓ આવા લોકોની મદદ માટે રાશનની દુકાને હાજર ન રહેવું જોઈએ? ક્યારેક રાશન કાર્ડમાં કોઈ સિક્કો બાકી હોય તો પણ ગરીબની ખાલી થેલીમાં શું થોડા દાણા ના નાંખી દેવા જોઈએ?

(લેખક Zee 24 Kalak ના એડિટર પણ છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news