એક ગુજરાતી નેતાએ ઈન્દિરા ગાંધીને ચોખ્ખે ચોખ્ખું કહી દીધુ હતું કે, ‘તમારી ઈમરજન્સી ખોટી છે’

E Samay Ni Vat Che : સરદાર પટેલની ઈચ્છાથી જાહેર જીવનમાં આવ્યા બાબુભાઈ પટેલ... સાદગીભર્યુ જીવન કેવી રીતે જીવાય તે આ નેતા પાસેથી શીખવુ જોઈએ... તેમણે મુંબઈ અને ગુજરાતના ધારાસભ્ય તરીકે પેન્શન નહોતું લીધું. જમીનનો પ્લોટ પણ સ્વીકાર્યો નહોતો

એક ગુજરાતી નેતાએ ઈન્દિરા ગાંધીને ચોખ્ખે ચોખ્ખું કહી દીધુ હતું કે, ‘તમારી ઈમરજન્સી ખોટી છે’

E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : આજકાલના નેતાઓને જોઈને આપણને લાગે કે જનતાના સેવકોના કેવા ઠાઠ-માઠ હોય છે. આ વૈભવી જીવન જોઈને લોકોને નેતાઓ પરથી ભરોસો ઓછો થવા લાગે. પરંતુ હંમેશાથી આવું નહોતું, એક સમય હતો જ્યારે ગુજરાતના રાજનેતાઓ સામાન્ય માણસ જેવું જ સાદગીભર્યું જીવન જીવતા હતા. એવા જ એક રાજનેતાની આજે કરીશું વાત.

આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1976... તારીખ હતી 12 માર્ચ...બાબુભાઈ જશભાઈ પટેલ હતા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હજી ઉતર્યા જ હતા. બીજા જ દિવસે અમદાવાદ ગાંધીનગર વચ્ચે બસમાં મુસાફરી કરતા થયેલાં. પહેલા દિવસે તો તેમને બસમાં ચઢેલા જોઈને કંડક્ટર પણ હેબતાઈ ગયેલા. આજના નેતાઓના ઠાઠ-માઠ જોઈ ગુજરાતમાં આટલી સાદગી ધરાવતા કોઈ નેતા થઈ ગયા હોય એ માનવુ અશક્ય લાગે. પણ બાબુભાઈ હકીકતે એકદમ સરળ હતાં.

આજે મંત્રી પદ ગયાને એક મહિનો થવા આવ્યો પરંતુ તેમ છતાં કેટલાક મંત્રીઓ પોતાનો સરકારી બંગલો ખાલી નથી કરી રહ્યા ત્યારે બાબુભાઈનો એક પ્રસંગ અહીં જોઈએ. 10મી માર્ચ 1976ના બાબુભાઈનું પ્રધાનમંડળ તૂટ્યું. બીજા જ દિવસે તેમણે ઘરમાં પુત્રવધુ ગિરાબહેનને શું કહ્યું સાંભળો...

બાબુભાઈઃ આજ સાંજ સુધીમાં બંગલો ખાલી કરી દેવાનો છે.
ગિરાબહેનઃ મેં અથાણું સુકવવા મુક્યું છે. બે દિવસ રહીએ તો અથાણું સુકાઈ જાય.
બાબુભાઈઃ ના એવું શક્ય નથી. તમે એક કામ કરો અથાણું કપડામાં વિંટાળી દો, પણ બંગલો તો આજે જ ખાલી કરી દેવો છે. 

બાબુભાઈ મૂળ નડિયાદના હતા. તેઓ ક્યારેય રાજકારણી નહોતા. મુખ્યમંત્રી હોવા છતા પણ હંમેશા તેઓ સમાજ સેવક બનીને જ કાર્યરત રહ્યા હતા. સરદાર પટેલની ઈચ્છાને માન આપને જ તેઓ જાહેર જીવનમાં આવ્યા હતા. અને બધાના વિરોધ વચ્ચે સરદારે બાબુભાઈને ધારાસભાની ટિકિટ આપેલી. 

બાબુભાઈ સ્પષ્ટ વિચારો ધરાવતા. કટોકટી સમયે તેમણે ઈન્દિરા ગાંધીને કહી દીધેલું કે 'તમારી ઈમરજન્સી ખોટી છે.' આઝાદીની લડત સમયે બાબુભાઈ અનેક વખત જેલમાં પણ ગયા હતા.

એક પ્રસંગ છે વર્ષ 1923નો. એ વખતે બાબુભાઈ ઘણા નાના હતા. પણ ગાંધીજીના સ્વાગતમાં તેઓ છડી પોકારવા જતાં. મુખ્યમંત્રીની ખુરશી છોડ્યા પછી પણ જીવનની પાછલી અવસ્થામાં તેમને એ છડી શબ્દશઃ યાદ રહેતી. 

‘સત્યની છડી, અહિંસાની મશાલ,
ખાદી કે વાઘા, સૂત કે તોરા,
ગુજરાત કે તપસ્વી,
ભારતકે મુગટમણી,
મહાત્મા ગાંધીને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા..’

મોરબીની મચ્છુ હોનારત એમના કાર્યકાળ સમયે જ થઈ હતી. એ સમયે બાબુભાઈએ એકાદ મહિના સુધી આખા મંત્રાલયને મોરબીમાં જ હાજર કરી સ્થિતિ થાળે પાડી હતી. આજે જ્યારે ધારાસભ્યો એક પણ સહુલિયત જતી નથી કરી શકતા ત્યારે બાબુભાઈ યાદ આવે કારણ કે તેમણે મુંબઈ અને ગુજરાતના ધારાસભ્ય તરીકે પેન્શન નહોતું લીધું. જમીનનો પ્લોટ પણ સ્વીકાર્યો નહોતો..

જૂના નેતાઓ વિશે જાણીએ ત્યારે એમ થાય કે ગુજરાતે કેવા તારલાઓ આપ્યા છે જે ખરા અર્થમાં જનસેવક હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news