દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ
મહા વાવાઝોડાએ ગુજરાતનાં સાગર કિનારાના તમામ જિલ્લાઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે
Trending Photos
દ્વારકા : મહા વાવાઝોડાએ ગુજરાતનાં સાગર કિનારાના તમામ જિલ્લાઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તોફાની વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓની બજારોથી માંડીને નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. દ્વારકામાં તથા ઓખામાં મહા વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ઓખાના દરિયો તોફાની બનતા તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો નહી ખેડવા માટેની સુચના આપવામાં આવી છે. બે નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.
બીજી તરફ દ્વારકાથી બેટદ્વારકા દર્શન કરવા માટેની ફેરી સર્વિસ પણ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા યાત્રીઓ ફસાયા છે. ઓખાથી બેટદ્વારકા જતી તમામ ફેરીઓને પરત ફરવા માટેનો આદેશ આપવામાં આવતા યાત્રીઓ ઓખા જેટી પર પરત ફર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીથી જ ફેરી સર્વિસ અનિયમિત બની ગઇ છે. વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના ભાગ રૂપે આ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
જો કે દિવાળી વેકેશન હોવાનાં કારણે ફરવાલાયક સ્થળો પર પણ ખુબ જ ટ્રાફીક જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા, દિવ અને સોમનાથ વગેરે સહેલાણીઓ ફરવા માટેના સૌથી પ્રીયસ્થળો છે. તેવામાં દ્વારકામાં તો અગાઉ ક્યાર અને ત્યાર બાદ હવે મહા વાવાઝોડાના કારણે સમસ્યા પેદા થઇ છે. દ્વારકામાં દિવાળીના ટાણે જ ક્યાર વાવાઝોડાના કારણે બેટ દ્વારકા જવા માટેની બોટ સર્વિસ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે આ બોટ સર્વિસ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી હતી. જેના કારણે તહેવારો દરમિયાન જ નાગરિકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે