ગુજરાતમાં દશેરાની અસલી રંગત જામી, વહેલી સવારે ફાફડા-જલેબી લેવા પહોંચ્યા લોકો

ગુજરાતમાં દશેરાની અસલી રંગત જામી, વહેલી સવારે ફાફડા-જલેબી લેવા પહોંચ્યા લોકો
  • આ વર્ષે ફાફડાનો ભાવ 500 રૂપિયા કિલો અને જલેબી 600 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે.
  • દર વર્ષે લોકો છેલ્લી નવરાત્રિની રાત્રે સોસાયટીઓમાં ફાફડા અને જલેબીની મજા માણતા હતા, એ આ વર્ષે બિલકુલ શક્ય થયું નથી

અતુલ તિવારી/અમદાવાદ :આજે નવરાત્રિનો નવમો દિવસ છે અને બપોર પછી દશેરા (Dussehra) શરૂ થશે. દશેરા હોવાથી વહેલી સવારથી જ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ફાફડા-જલેબીની દુકાનો ખૂલી જતી હોય છે. ત્યારે આજે કોરોનાકાળ વચ્ચે પણ આ માહોલ યથાવત રહ્યો છે. નવરાત્રિની રાત્રે જે રીતે લોકો ફાફડા-જલેબીની રંગત માણતા હતા તે હવે આ વર્ષે શક્ય બન્યું નથી, પરંતુ વહેલી સવારે લોકો ફાફડા-જલેબી લેવા માટે નીકળી પડ્યા હતા. આ વર્ષે ફાફડાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. સવારથી જ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યાં. 

આ વર્ષે ફાફડાનો ભાવ 500 રૂપિયા કિલો અને જલેબી 600 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે. અમદાવાદીઓ વહેલી સવારથી જ ફાફડા જલેબીનો સ્વાદ માણતા અને ખરીદતા નજરે પડ્યા છે. કોરોના મહામારીને કારણે દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. તો બીજી તરફ દુકાનદારો તરફથી તમામને કોરોના ગાઈડલાઈનના પાલનની સતત વિનંતી કરાઈ રહી છે. 

અમદાવાદના દુકાનદારો કહે છે કે, નવરાત્રિમાં ગરબાની પરવાનગી ના મળતા ફાફડા અને જલેબીના વેપારમાં નુકસાન થયું જ છે. ગત વર્ષનાં મુકાબલે આ વર્ષે 60 ટકા ધંધો ઓછો થવાનો અંદાજ છે. દર વર્ષે લોકો છેલ્લી નવરાત્રિની રાત્રે સોસાયટીઓમાં ફાફડા અને જલેબીની મજા માણતા હતા, એ આ વર્ષે બિલકુલ શક્ય થયું નથી, એટલે 60 ટકા જેટલો ધંધો આ વર્ષે ઘટશે. 

fafda_jalebji_zee.jpg

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો અનેરો મહિમા છે. વડોદરામાં પણ ફાફડા જલેબીની દુકાન બહાર ગ્રાહકોની ભીડ ઉમટી છે. ફાફડા જલેબી ખરીદવા નાગરિકોએ લાંબી કતાર લગાવી છે. તો વડોદરામાં પણ દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયેલું જોવા મળી રહ્યું છે. 

અમદાવાદમાં દશેરાને લઈ amc હેલ્થ ટીમ શનિવારથી સક્રિય બની હતી. શનિવારથી અમદાવાદના ફાફડા જલેબીના વેપારીઓના ત્યાં શરૂ તપાસ શરૂ કરાઈ હતી. પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી શરૂ કરી હતી. ગઈકાલે વાસણામાં આવેલ લક્ષ્મી ગાંઠીયા રથની દુકાનમાંથી પણ amc ની હેલ્થ વિભાગે નમૂના લીધા હતા. તો અન્ય દુકાનમાંથી પણ નમૂના લેવાયા હતા. હેલ્થ ફલાઇંગ સ્ક્વોડ દ્વારા ખાદ્ય પદાર્થોના નુમના લેવાની કામગીરી કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news