સુરતમાં પકડાઈ ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી, બેની ધરપકડ
કેમિકલ મિશ્ર કરી ડુપ્લીકેટ દારુ બનાવવાના કારખાના પર પાંડેસરા પોલીસે મોડી રાત્રે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂ.86 હજારની કિંમતનો ડુપ્લીકેટ દારુ કબ્જે કર્યો હતો. અહી કેમિકલ મિશ્રિત દારુને બ્રાન્ડેડ કંપનીની દારુની બોટલમાં ભરી તેનું વેચાણ કરવામાં આવતું હતું
Trending Photos
ચેતન પટેલ/ સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાટીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે અહીંથી રૂ.86 હજારની કિંમતનો ડુપ્લીકેટ દારૂ અને બે વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે આ ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની વધુ તપાસ શરૂ કરી છે. અહીં, બ્રાન્ડેડ કંપનીની બોટલમાં કેમિકલ મિશ્રીત દારૂ ભરીને તેને બજારમાં વેચવામાં આવતો હતો.
સુરતના પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, કર્મયોગી સોસાયટીના ગણેશ એપોર્ટમેન્ટમાં ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનુ ચલાવવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોડી રાતે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસને કેમિકલ, દારુની ખાલી બોટલો મળી આવી હતી.
પોલીસે કારખાનામાંથી તેજમલ ખટીક અને સંપત મેવાડા નામની બે વ્યક્તિને પણ પકડી હતી. બંનેની પુછપરછ કરતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલ દારુના મોટા ભાગના અડ્ડાઓ બંધ છે. જે તકનો લાભ ઉઠાવીને રુપિયા કમાવવાની લાલચમાં આ શખ્સો દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવવામાં આવતો હતો. કેમિકલ સાથે ડુપ્લીકેટ પ્રવાહી મિશ્રિત કરી હલકી કક્ષાનો દારુ બનાવવામાં આવતો હતો.
ત્યારબાદ આ દારુને બ્રાન્ડેડ બોટલોમાં ભરી, તેના પર સીલ મારી વેચાણ કરતા હતા. હાલ પોલીસે રૂ. 86 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ડુપ્લીકેટ દારુ બનાવનાર મોટું માથું કોણ છે અને કેટલા સમયથી આ ગેરકાયદે કામ કરવામાં આવતું હતું તેના અંગે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે