ગુજરાતમાં હવે કેમનું ખાવુ? કરજણમાંથી મોટા પ્રમાણમાં પકડાયો નકલી ઘીનો જથ્થો, પોલીસ પણ ચોંકી ઉઠી
કરજણ પોલસે ફૂડ ઇન્સ્પેકટરને સાથે રાખીને જલારામનગર સ્થિત એક મકાનમાં રેડ પાડી હતી. પોલીસની આ રેડ દરમિયાન મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી, જેને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Trending Photos
મિતેશ માલી/વડોદરા: જિલ્લાના કરજણમાં આવેલ નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કરજણ પોલીસ સ્ટેશન ઝડપી પાડી છે અને બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કરજણ પોલીસને બાતમી મળી હતી કે, જલારામ નગરમાં ડુપ્લિકેટ બનાવવામાં આવે છે, જેને પગલે કરજણ પોલસે ફૂડ ઇન્સ્પેકટરને સાથે રાખીને જલારામનગર સ્થિત એક મકાનમાં રેડ પાડી હતી. પોલીસની આ રેડ દરમિયાન મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી, જેને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કરજણ પોલીસે આરોપી રાકેશ પરબતભાઈ વઘાસિયા (મૂળ રહે. જાસાપર તા. જસદણ જિ.રાજકોટ) અને કલ્પેશ વસાવા (રહે. કરજણ, તા. વડોદરા)ની ધરપકડ કરી હતી.
પોલીસે ફેક્ટરીમાંથી 255 કિલો ડુપ્લિકેટ ઘી, 15-15 લિટરના પામોલિન તેલના 40 ડબ્બા, 15-15 લિટરના વનસ્પતિ ઘીના 48 ડબ્બા સહિત કુલ 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વનસ્પતિ ઘી અને પામોલિન તેલને મિક્સ કરીને તેને ગરમ કરતા હતા અને તેમાં એસેન્સ ઉમેરીને તેમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતા હતા અને આ ડુપ્લિકેટ ઘી કરજણ બહાર 1-1 કિલોના પેકિંગ કરીને વેચાણ કરવામાં આવ્યું હતું.
બંને આરોપીઓ ડુપ્લિકેટ ઘી બનાવીને ઘીને ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરતા હતા અને લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. જોકે કરજણ પોલીસે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે તમામ ડુપ્લિકેટ ઘી જપ્ત કર્યું છે. કરજણ ફુડ વિભાગે ડુપ્લિકેટ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.
કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.કે. ભરવાડે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ છેલ્લા 15 દિવસથી ડુપ્લિકેટ બનાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને આરોપીના રિમાન્ડ મેળવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે