દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામાં ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત

ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાય ગામો એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં ઔરંગા નદીનું પાણી ફરી વળવાના કારણે 40 ગામોને વલસાડ સાથે જોડતો બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામાં ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત

Gujarat Heavy Rains: દક્ષિણ ગુજરાતમાં વરસાદ જાણે લોકો માટે જીવની આફત બની ગયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં તો રીતસરના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ વલસાડ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં તબાહી મચાવી રહ્યું છે. અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ગાંડીતૂર થઈને વહેતી નદીઓના કારણે વલસાડ જિલ્લાના લોકો પર મોટી આફત આવી છે. વલસાડમાં કેવો છે વરસાદી માહોલ. 

ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાય ગામો એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં ઔરંગા નદીનું પાણી ફરી વળવાના કારણે 40 ગામોને વલસાડ સાથે જોડતો બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે. આ સિવાય સતત વરસતા વરસાદના કારણે અંડરપાસમાં વાહનો ફસાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વલસાડની સૌથી મોટી ઔરંગા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. ઉપરવાસમાં અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદીના ઘોડાપૂરમાં જાણે આખો વલસાડ જિલ્લો બાનમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર પાણી જ પાણી દેખાય રહ્યું છે. 

ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસ્યા છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના બંદરો પર પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. કાશ્મીર નગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસી જવાની દહેશતને પગલે તંત્ર દ્વારા અગાઉ જ 80થી વધારે ઘરના લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. વહેલી સવારથી કાશ્મીર નગર વિસ્તારમાં ઔરંગા નદીનું પાણી ઘૂસી આવ્યું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ હતી કે આ વિસ્તારમાં કમર સુધી નદીના પાણી ઘૂસી ગયા છે. તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છેકે, કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ પણ થઈ ગયું છે. વલસાડ શહેરનો ઔરંગા નદીના કિનારે આવેલો આ વિસ્તાર કૈલાશ રોડ કહેવાય છે. પારડી સાંઢપોર ગામેથી ઔરંગા નદીના પાણી ઉતરતા લોકોને થોડી રાહત તો થઈ છે પરંતુ, આ પાણી નવી સમસ્યા લાવ્યા છે. જ્યાં જુઓ ત્યાં કિચડના થર જામી ગયા છે અને લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વલસાડ જિલ્લાના ભાગડા ખુર્દ ગામેથી પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા અગાઉ જ તમામ લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. જોકે, આ છતાં પણ અનેક લોકો ગામમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. ઔરંગા નદીનું પાણી ભાગડા ખુર્દ ગામે જતા કોઝ-વે પર ફરી વળ્યું હતું. આ ઉપરાંત નદીનું પાણી ગામમાં પણ ફરી વળવાના કારણે કમર સુધીના પાણી ભરાયા હતા. જોકે, પાણી ઓસર્યા બાદ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા.

ઔરંગા નદીનું જળસ્તર ઓછું થયા બાદ તંત્ર પણ કમે લાગ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. નદીના પાણી જ્યાં પણ ફરી વળ્યા હતા ત્યાં નુકસાનને લઈને સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેનો રિપોર્ટ બે દિવસમાં સોંપીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે. વલસાડમાં ઔરંગા નદીના પાણી ઓસરતા હાલ તો રાહત મળી છે પરંતુ, આ ખતરો વલસાડ અને આસપાસના ગામડાઓને લોકો પર હજુ પણ છે. આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news