મોટા સમાચાર: ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો ચેતી જજો, 20 જગ્યાએ ઇ-ટ્રાફિક કોર્ટની શરૂઆત

અમદાવાદ જ નહીં હવે નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ અને અમરેલીમાં ઈ-કોર્ટ કાર્યરત થશે. જેથી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે.

 મોટા સમાચાર: ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો ચેતી જજો, 20 જગ્યાએ ઇ-ટ્રાફિક કોર્ટની શરૂઆત

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના નિયમન માટે ગુજરાત હાઈકોર્ટ ગંભીર છે. ત્યારે ગુજરાતમાં વધુ 20 ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એકલું અમદાવાદ જ નહીં હવે નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ અને અમરેલીમાં ઈ-કોર્ટ કાર્યરત થશે. જેથી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. જો ટ્રાફિકના નિયમનો ભંગ કરશો તે દંડાત્મક કાર્યવાહી માટે તૈયારી રહેવું પડશે.

કેવી રીતે કરશો પેમેન્ટ
આ ઇ-ચલણનું પેમેન્ટ એસબીઆઈ ઇ પેમેન્ટ ગેટવે સાથે સંલગ્ન છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. એટલે કે ટ્રાફિકનો દંડ ભરવા હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવુ પડશે નહીં. વળી તેથી કેસનું પેન્ડિંગ પણ ઘટશે. આ માટે હાઇકોર્ટના IT સેલ દ્વારા જે-તે કોર્ટના સર્વરમાં મેમોની વિગતો મોકલી અપાશે.

20 સ્થળોએ ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાઇ
હવે અમદાવાદ ઉપરાંત રાજ્યમાં અન્ય 20 સ્થળોએ ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાઇ છે. જે માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 20 ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નોટિફાઈ કરાયા છે. જેમાં નવસારીમાં સુબિર, ખેરગામ અને વઘઇ, પંચમહાલના જામ્બુઘોડા, ભાવનગરમાં જેસર, દાહોદમાં સંજેલી અને ધાનપુર, પોરબંદરમાં કુતિયાણા, તાપીમાં ઉચ્છલ, અમરેલીમાં લીલીયા અને કુંકાવાવ અને ખાંભા, ગીર સોમનાથમાં ગીર ગઢડા, સુરેન્દ્રનગરમાં લખતર, સાબરકાંઠામાં પોશીના, બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા, પાટણમાં શંખેશ્વર, અમદાવાદમાં ધોલેરા તેમજ જૂનાગઢમાં ભેસાણનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરવામાં આવ્યા છે. આ ટ્રાફિક ઇ-કોર્ટમાં 03 મેથી લઈને 31 મેં સુધીમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કુલ 64,340 કેસ ટ્રાફિક કોર્ટમાં આવ્યા હતા. જેમાંથી 37,922 પ્રોસીડિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1244 લોકોએ ઓનલાઈન દંડનું પેમેન્ટ કર્યું હતું. આ દંડ પેટે 7,73, 200 રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news