જાતે જ કરવું પડશે, તંત્રના ભરોસે ન રહો: પૂર્વ વિદ્યાર્થીઓએ જ શાળાનું સમારકામ શરૂ કર્યું
Trending Photos
અજય શિલુ/પોરબંદર : ગાંધી યુગના મુખ્ય ત્રણ કવિઓમાં જેઓની ગણના થાય છે તેવા ‘શિરીષ’ ઉપનામથી જાણીતા કવિ દેવજી રામજી મોઢા દ્વારા 1948માં સ્થાપિત નવયુગ વિદ્યાલય શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે. 100 વર્ષથી વધુ જુની આ શાળાની બિલ્ડીંગને સમારકામની જરુરીયાત ઉભી થતા આ શાળામાંથી ભણીને આજે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આગળ આવીને વિદ્યાર્થીઓ તેમજ સમાજ લઈ શકે તે પ્રકારનું એક ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. જે આપણા સૌ કોઈ માટે એક પ્રેરણારુપ છે.
શહેરની નવયુગ વિદ્યાલય શાળા કે જે શાળાની સ્થાપના આજથી 75 વર્ષ પૂર્વે જાણીતા કવિ દેવજી રામજી મોઢા કે જેઓને વર્ષ 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેઓ 1977 સુધી આ નવયુગ શાળાના આચાર્ય રહ્યા હતા. 75 વર્ષ પૂર્વે શરુ થયેલી આ ગ્રાન્ટેડ શાળામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે. ધોરણ 9 થી 12માંઆર્ટસ, કોમર્સ અને સાયન્સ ત્રણેય માધ્યમોમાં આજે પણ 1200થી વધુ ગરીબ અને મધ્યવર્ગના બાળકો જ્યા નજીવી દરે ભણી રહ્યા છે. શાળાનું સ્ટ્રક્ચર જુનું થતાં તેના સમારકામની જરુરીયાત ઉભી થતા આ શાળામાં અભ્યાસ કરતા હાલના વિદ્યાર્થીઓ અને આગામી સમયમાં અહીં અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીઓને સુંદર લાયબ્રેરીથી લઇ સારા બિલ્ડીંગની સુવિધા મળે તે માટે વર્ષો પૂર્વે અહીં અભ્યાસ કરીને આજે દેશ-વિદેશમા કોઈ એન્જીનીયર,ડોક્ટર,બિઝનેસમેન તેમજ સારી નોકરી કરી રહ્યા છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની શાળાનુ રીનોવેશન કરીને સુંદર બનાવવા કમર કસી છે. આ માટે તેઓએ નવયુગ એલુમની એસોસિએશન પણ બનાવ્યું છે. જેના દ્વારા તેઓ અહીં અભ્યાસ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓના સહકારથી પોતાની શાળા માટે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. હાલ પ્રાથમિક તબક્કામાં શાળાના સમારકામ માટે 45 લાખ જેટલા ખર્ચનો જે અંદાજ છે. તેની સાથે 17 લાખ જેટલુ ફંડ આ એસોસિએશન દ્વારા એકઠુ કરવામાં આવ્યું છે. આજથી જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે શાળાના સમારકામનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. આ સમયે ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમો જે પણ જરુરી હશે તે શાળા માટે કરીશું તેના સમારકામની કામગીરી અટકવા દેશું નહીં. આ ભગીરથ કાર્યમાં હાલમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને તેઓએ પણ આ કાર્યમાં સહકાર આપવા કટિબદ્ધતા દર્શાવતા જોવા મળ્યા હતાં.
પોરબંદરની આ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે રીતે પોતાની શાળાના વિકાસ માટે સમર્પિત છે, તેવી જ રીતે આ શાળાના આચાર્ય તુષાર પુરોહીત સહિતનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પણ હરહંમેશ આ શાળા અને તેમના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ તેમજ સારી સુવિધા મળી રહે તે માટે તન-મન-ધનથી પોતાનું યોગદાન આપતો રહ્યો છે. હાલમાં જે રીતે નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા માટે જે કામગીરી હાથ ધરી છે. તે અંગે શાળાના આચાર્યએ એવુ જણાવ્યુ હતુ કે,જ્યારે-જ્યારે શાળાના વિકાસ માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે આર્થિક સહાયની જ્યારે પણ જરુર પડી છે. ત્યારે નવયુગ વિદ્યાલયના તમામ શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફે યથા યોગ્ય સહયોગ હંમેશા આપ્યો છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો આજે વિદ્યાર્થી જે પણ જગ્યાએ છે, ત્યાથી શાળાના વિકામ માટે તન-મન-ધનથી કામગીરી કરી રહ્યા છે. જે રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના વિદ્યાર્થીઓએ પણ જે રીતે દાન એકત્રીત કરવા માટે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને જોતા લાગી રહ્યુ છે કે,આખી નવયુગ રીનોવેટ થશે તો આગામી 40-50 વર્ષ માટે ગરીબ અને મધ્યમવર્ગ પરિવારના બાળકો નજીવી ફીમાં અભ્યાસ કરી શકશે. બીજી શાળાઓને પણ એક ઉદાહરણ પુરુ પડશે. પોરબંદરની નવયુગ વિદ્યાલય કે જેણે અહી અભ્યાસ કરી ચુકેલા હજારો વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ઉપયોગી શિક્ષણ પિરસ્યુ તેમના જીવનનું સાચુ ઘડતર કરી એક આગળ વધાર્યા તે શાળાને આજે જ્યારે સમારકામની જરુર પડી છે. ત્યારે જે રીતે સામે ચાલીને પોતાની શાળા ફરીથી ભવ્ય બને અહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઘુનિક બિલ્ડીંગ સહિતની સુવિધાઓ મળી શકે તે માટે જે રીતે વર્ષો પૂર્વે અહી અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓએ પોતાની ફરજ સમજી જે રીતે ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે તે ખરેખર બિરદાવવા પાત્ર છે અને અનેક વિદ્યાર્થીઓને આમાથી જરુર પ્રેરણા મળશે તે ચોક્કસ વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે