ડોક્ટરોએ કોરોના પોઝિટિવ મહિલાની કરાવી પ્રસુતિ, નવજાત શિશુનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

 થોડા દિવસ પહેલા ૧૮ માસના કોરોનાગ્રસ્ત બાળકને કોરોના મુક્ત કરી ભાવનગરના તબીબોએ શ્રેષ્ઠ કામગીરીની સાબિતી આપી હતી. આવી જ એક ખુબ જ જોખમકારક અને કપરી સ્થિતિ પર તબીબોએ વિજય મેળવ્યો હતો.

ડોક્ટરોએ કોરોના પોઝિટિવ મહિલાની કરાવી પ્રસુતિ, નવજાત શિશુનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

ભાવનગર: ભાવનગરના તબીબોએ કોરોના પોઝીટીવ મહિલાની સફળ પ્રસુતિ કરાવી નવો કીર્તિમાન સર્જ્યો હતો. બોટાદની કોરોના પોઝિટિવ પ્રસુતા માટે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં જ યુદ્ધના ધોરણે ખાસ ઓપરેશન થિયેટર ઉભું કરાયું હતું અને ગાયનેકોલોજિસ્ટ ડોકટરો એ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવતા મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. માતા કોરોના પોઝિટિવ હોવાથી બાળકનો પણ કોરોના ટેસ્ટ કરાયો હતો જે રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો હતો.

ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના તબીબો કોરોના મહામારી સામે જે લડત આપી રહ્યા છે એ ખરેખર અભૂતપૂર્વ છે.  થોડા દિવસ પહેલા ૧૮ માસના કોરોનાગ્રસ્ત બાળકને કોરોના મુક્ત કરી ભાવનગરના તબીબોએ શ્રેષ્ઠ કામગીરીની સાબિતી આપી હતી. આવી જ એક ખુબ જ જોખમકારક અને કપરી સ્થિતિ પર તબીબોએ વિજય મેળવ્યો હતો. કોરોનાગ્રસ્ત પ્રસૂતાની સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી તબીબોએ પોતાની કામગીરીમાં એક નવું મોરપીંછ ઉમેર્યું છે.

બોટાદ ખાતે રહેતી નઝમાબેન સમીરભાઈ સલોત નામની સગર્ભા મહિલાને તારીખ 24 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર ખાતે ઉભી કરાયેલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી હતા. જેમનો તા.૨૫ એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેમની વધુ સઘન સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ આ મહિલાને નવ માસનો ગર્ભ હતો તેમજ ગમે તે ઘડીએ આ મહિલાની પ્રસુતિ કરાવવી પડે તેવી સ્થિતિ ઉભી થાય એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર બોટાદ તથા ભાવનગરના તબીબોએ સંકલન કરી મહિલાને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવાનો નિર્ણય કરી લીધો અને ત્યાર બાદ તાબડતોબ મહિલાને 108 દ્વારા ભાવનગર લાવવામાં આવી હતી.

નઝમાબહેનને બોટાદથી ૧૦૮ દ્વારા ભાવનગર લવાઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામા એમને પ્રસુતિની પીડા ઉપડી જેથી ૧૦૮ના ડોક્ટર એ સર.ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક ગાઠાણીનો સંપર્ક કરી પરિસ્થિતિથી વાકેફ કરતા તેઓ ગાયનેક ડોક્ટરોની ટિમને ભાવનગરથી બોટાદ તરફ રવાના કરવામાં આવી અને ફોન પર જ બાકીનું માર્ગદર્શન આપવાનું શરૂ રખાયું. બીજી તરફ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમની વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરૂ કરાઈ. પરંતુ જ્યારે ડોક્ટરને જાણ થઈ કે નઝમાબહેની અગાઉ પણ સિઝર્યન દ્વારા પ્રસુતિ થઇ છે. 

આથી આ વખતે પણ સિઝર્યન પ્રસુતિ થવાની શક્યતાઓ વધારે હોય એ બાબત ધ્યાને લઇ યુદ્ધના ધોરણે આઈસોલેશન વોર્ડમાં આખું ઓપરેશન થિયેટર જ ઉભું કરવામાં આવ્યું હતું. નઝમાબેનને ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક આ ઓપરેશન થીયેટરમાં પહોંચતા કરાયા અને જ્યાં ડોકટરો અને તેમની ટીમ દ્વારા નઝમાબેનની સિઝર્યન ઓપરેશન કરી સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. જેમાં નઝમાબહેને ૨ કિલો ૮૦૦ ગ્રામના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ સમગ્ર ટીમની સતર્કતા, કાર્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણયશક્તિના કારણે કપરી પરિસ્થિતિમાં પણ ભાવનગરના ડોક્ટરોએ વિજય મેળવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news