RAJKOT માં આફતનો વરસાદ, અડધા શહેરમાં જળબંબાકારની સ્થિતિ
Trending Photos
રાજકોટ : ગુજરાતમાં મેઘરાજાએ વિરામ બાદ ફરી એકવાર પધરામણી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના મોટા ભાગનાં વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. કેડસમા પાણી જતા વાહનવ્યવહાર ખોરવાયો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જો કે બપોરે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી હતી. શહેરના જંક્શન 150 ફૂટ રિંગરોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, મોરબી રોડ સહિતનાં વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં વરસાદનો એક છાંટો પણ નથી પડ્યોં.
અત્રે નોંધનીય છે કે, લાંબા સમયથી વરસાદની જરૂર હતી. ખેડૂતો પણ વરસાદ માટે તરસી રહ્યા હતા. વિસ્તાર અનુસાર વરસાદની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 2 ઇંચ વરસાદ, રાજકોટ સેન્ટ્રલ ઝોનમાં 1.92 ઇંચ, રાજકોટ વેસ્ટઝોનમાં 1.56 ઇંચ. રાજકોટ ઇસ્ટઝોનમાં 2.08 ઇંચ, ગોંડલ તાલુકામાં 5 ઇંચ, કોટડા સાંગાણી 2 ઇંચ, લોધિકા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત જસદણ, જેતપુર, પડધરી તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે