IOC ની પાઇપમાં ડાયરેક્ટ ગાબડુ પાડી ઓઇલની ચોરી, પ્યાદા પકડાયા રાજા હજી પણ ફરાર
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની (IOC) લાઈનમાં પ્રેશર ઓછું થતાં ઓઇલ ચોરી થવાની આશંકાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ. જોકે ગ્રામ્ય LCBએ ગણતરીનાં દિવસોમાં જ તપાસ કરી સાત આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 60 લાખથી વધુની ક્રૂડ ઓઇલની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે લાઈનમાં પંચર કરનાર મુખ્ય આરોપી હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના બારેજા ખાતેથી પસાર થતી IOCની લાઈનમાં પ્રેસર અચાનક ઓછું થવાની ફરિયાદ ઉઠી હતી. જેના આધારે તપાસ કરતા IOCની સલાયા- મથુરાની લાઈનમાં પંચર કરી ઓઇલ ચોરી થતી હોવાની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ કરતા ગ્રામ્ય LCBએ દિનેશ ઠાકોર, પ્રવિણ ઠાકોર, પ્રકાશ ઠાકોર, મનુભાઈ ચૌહાણ, કુલદીપ વાઘેલા, ભીખાભાઇ બારૈયા અને મહેશભાઈ રાવળની ધરપકડ કરી છે. જોકે લાઈનમા પંચર કરનાર મુખ્ય આરોપી ઈલીયાસ મોદન ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, ચોરી માટે આ ગેંગે કાવતરુ રચી પહેલા જમીન ભાડે લીધી. બાદમાં IOCની લાઈનમાં પંચર કરી ૬૦ મીટર દૂરથી ક્રુડ ઓઇલની ચોરી કરતા. એટલુજ નહી પણ ચોરી કરેલા ઓઈલના સપ્લાય માટે માટે ટ્રકમાં ઓઇલની ટાંકી ઉપર ઈંટો ગોઠવી કોઈને શંકા નાં જાય તે માટે મુકવામા આવતી. આ મોડેસ ઓપરેન્ડી પોલીસનું ધ્યાન હટાવી ઓઇલની હેરાફેરી માટે કરવામાં આવતી. હાલ તો અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે સાત આરોપીની ધરપકડ અને તેમની પૂછપરછમાં માત્ર એક જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પરંતુ ફરાર આરોપી ઇલિયાસ અને તેની ગેંગની ધરપકડ બાદ રાજ્યભરના ઓઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે. ત્યારે જોવુંએ રહ્યુ કે આ ગેંગમા ઈલીયાસ સિવાય અન્ય કેટલા આરોપીની સંડોવણી સામે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે