ગુજરાતના ખેડૂતો ચિંતા ના કરો! કૃષિમંત્રીના આ નિવેદનથી ઉછળી પડશો, સરકાર કરી રહી છે આ કામ
ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ; આગામી 45 દિવસ સુધી રાજ્યભરમાં થશે ક્રોપ સર્વે. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં પાણીપત્રક નમૂના નં. ૧૨માં પાકની ૧૦૦ ટકા નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા થશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલશે. ગુજરાતના 33 જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે-પૂરી થતી નહોતી. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં હવે 100 ટકા પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. પરિણામે નમૂના નં. 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. ગુજરાતના 33 જિલ્લાઓના મળી કુલ 18464 ગામના અંદાજિત એક કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. રાજ્યના તમામ ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વેમાં સહયોગ આપવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
અગાઉ વર્ષ ૨૦૨૩-૨૪માં ડિજિટલ ક્રોપ સર્વે માટે ગુજરાતના અરવલ્લી, મહેસાણા, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદરને મળી કુલ ૬ જિલ્લાની પાયલોટ પ્રોજેકટમાં પસંદગી કરવામાં આવી હતી. ખરીફ-૨૦૨૩ અને રવિ ૨૦૨૩-૨૪ દરમિયાન આ ૬ જિલ્લામાં સફળતાપૂર્વક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ખરીફ-૨૦૨૩ દરમિયાન ૧૨.૯૦ લાખથી વધુ સર્વે પ્લોટનું તેમજ રવિ ૨૦૨૩-૨૪ દરમિયાન ૯.૫૦ લાખથી વધુ સર્વે પ્લોટનો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં પાક વાવેતરના રિયલ ટાઇમ ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી જ ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશે, તેનું એપ્રુવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે. વાવેતરનો ડિજિટલ સર્વે થતા વાવેતરનો રિયલ ટાઇમ ડેટા સીધો ભારત સરકારને મળશે. જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિ, પાકનું નામ, સિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી જાણી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે