100 વર્ષથી નવસારીમાં કેમ થાય છે 'ઢીંગલાબાપા'ની પૂજા, જાણો શું છે આ પરંપરા? કેમ શરૂ કરાઈ...

નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી દિવાસાના પાવન પર્વ પર માનવ કદનો ઢીંગલો બનાવી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત શહેરીજનો ઉમટી પડે છે. 

100 વર્ષથી નવસારીમાં કેમ થાય છે 'ઢીંગલાબાપા'ની પૂજા, જાણો શું છે આ પરંપરા? કેમ શરૂ કરાઈ...

ઝી બ્યુરો/નવસારી: ભારતીય સંકૃતિમાં તહેવારોનું ઘણું મહત્વ છે અને આ તહેવારો અનેક પરંપરાઓ પ્રમાણે ઉજવવામાં આવે છે. નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી દિવાસાના પાવન પર્વ પર માનવ કદનો ઢીંગલો બનાવી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત શહેરીજનો ઉમટી પડે છે. 

પૂર્ણા નદીને કિનારે વસેલા નવસારી શહેરમાં અંદાજે 100 વર્ષ અગાઉ કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો. જેમાં એક પછી એક લોકો મૃત્યુ પામી રહ્યા હતા. ત્યારે શહેરના એક પારસી સદગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી રોગથી મુક્તિ માટે એક માનવ કદનો ઢીંગલો બનાવી એનું પૂજન કરી નદીમાં વિસર્જિત કરવા જણાવ્યુ હતું. જેને આદિવાસીઓએ માન્યું અને શહેરના દાંડીવાડ ખાતે માનવ કદનો ઢીંગલો બનાવવામાં આવ્યો હતો. 

ઘાસમાંથી બનેલા ઢીંગલાને પારસીઓ પહેરે એવા સફેદ રંગના જ પેન્ટ શર્ટ પહેરાવવામાં આવે છે. સાથે જ માથે સાફો પહેરાવી, ટાઈ, બુટ, ચશ્માં વગેરે પહેરાવી એકદમ વરરાજાની જેમ તૈયાર કરીને પાંચ દિવસો સુધી રાખવામાં આવે છે. ઢીંગલાને પ્રસાદમાં સિગારેટ પીવડાવવામાં આવે છે અને સિગારેટ અવિરત સળગાવી પીવડાવવામાં આવે છે. ત્યારે ઢીંગલા પ્રત્યે આદિવાસી સમાજમાં એટલી શ્રદ્ધા છે કે બાળકો ન થતા હોય, લગ્ન ન થતા હોય, તો એના માટે માનતા પણ લેવામાં આવે છે અને લોકોની માનતા પૂર્ણ થતા ઢીંગલાને પગે લગાવવા પણ લાવે છે. 

આજે દિવાસાના દિવસે ઢીંગલાને સજાવી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ઢીંગલાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નવસારીના દાંડીવાડમાં દિવાસાએ નીકળતા ઢીંગલાની મહિમા અને આસ્થા લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલને દિલ્હીથી નવસારી ખેંચી લાવી હતી. બાળપણમાં ધવલ પટેલ નવસારી શહેરના ખત્રીવાડમાં રહેતા હતા. 

ત્યારે દિવાસાના દિવસે તેમના પિતા સાથે ઢીંગલા બાપાના દર્શન કરવા અચૂક આવતા હતા. જે યાદ કરી લોકસભામાં દંડક બન્યા પછી પ્રથમ વાર આદિવાસીઓના મોટા તહેવાર દીવાસાએ ધવલ પટેલ ખાસ ઢીંગલા બાપાના દર્શન કરવા આવ્યા હતા. સાથે જ તેમણે નવસારી ડાંગ અને વલસાડના વિકાસ માટે સહિયારા પ્રયાસ સાથે આદિવાસીઓના ઉત્થાન માટે પણ અગ્રેસર રહેવાનલનો ઉત્સાહ બતાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news