AMBAJI માં મેળા પર પ્રતિબંધ છતા લાખો લોકો એકત્ર થઇ રહ્યા છે, દિવસે દિવસે વધી રહી છે ભીડ
Trending Photos
પરખ અગ્રવાલ/ અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવીપૂનમનો મેળો રદ્દ કરાયા હોવા છતાં શ્રદ્ધાળુઓના મેળાવડાની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજીમાં ભાદરવીપૂનમને ગણતરીના ત્રણ દિવસ બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજી પંથકમાં છુટો છવાયા વરસાદના ઝાપટા વર્ષી રહ્યા છે પણ અંબાજી બહાર માર્ગો ઉપર ગરમીનો ભારે ઉકળાટ જોવા મળે છે. જેને લઈ અમદાવાદ રાણીપના કેટલાક ભક્તો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા.
જો કે દેશની આઝાદી પહેલાથી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષથી પગપાળા ચાલી પોતાની ટેક પુરી કરવા અંબાજી પહોંચે છે, તે પણ આ વખતે ઓછી સંખ્યામાં પદયાત્રીઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચતા ભક્તોને માતાજીના નામના કુમકુમના થપ્પા લગાવ્યા હતા. જો કે આ સંઘ વર્ષો પહેલા અમદાવાદ શહેરમાં પ્લેગની બીમારી ફાટી નીકળી હતી અને તેને શાંત કરવા અંબાજીની પદયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું. પદયાત્રા બાદ રોગ થમી ગયો હતો અને તે પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી દેશ ભરમાં માથું ઉચક્યું છે, ત્યારે પ્લેગની બીમારી નાશ થઈ હતી તેજ રીતે કોરોના પણ દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરવામાં આવી હતી. જોકે હાલમાં જે રીતે અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તે જોતા દાંતા પછી અંબાજી તરફનો વાહનવ્યવહાર સ્થગિત કરી વાયા હડાદ થઇને ડાયવર્ડ કરવામાં આવ્યો છે. દાંતાથી અંબાજી જવા વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે