પાકિસ્તાનની જેલમાંથી નાનુભાઈનો મૃતદેહ પહોંચ્યો માદરે વતન, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
કાજરડી ગામે રહેતા નાનુભાઈ સોલંકી નામના માછીમારનું 2 વર્ષ પહેલા જખૌના દરિયામાંથી પાકની નાપાક મરીને અપહરણ કરી જેલમાં ધકેલયા હતા.
Trending Photos
રજની કોટેચા, ઉના: પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામનાર માછીમાર નાનુભાઈનો મૃતદેહ માદરે વતર પહોંચ્યો છે. ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામે તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો છે. તેમનો મૃતદેહ આવતા જ પરિવારજનો તથા ગામલોકો હીબકે ચડ્યા હતા. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કાજરડી ગામે રહેતા નાનુભાઈ સોલંકી નામના માછીમારનું 2 વર્ષ પહેલા જખૌના દરિયામાંથી પાકની નાપાક મરીને અપહરણ કરી જેલમાં ધકેલયા હતા. નાનુભાઈનું પાકિસ્તાનમાં બીમારીના કારણે અઢી મહિના પહેલા એટલે કે 15 સપ્ટેમ્બરે મોત થયું હતું. જેની જાણ પણ પાકિસ્તાન સરકારે ભારત સરકારને નહોતી કરી. આખરે પાકિસ્તાન જેલમાં અન્ય સાથી કેદીયોએ ટપાલ દ્વારા તેમના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ મૃતક નાનુભાઈના પરિવાર અને સામાજિક કાર્યકરોએ મૃતદેહ લાવવવા ભારત સરકાર પર દબાણ બનાવ્યું હતું.
ભારત સરકારને જાણ કરાતા સરકારે પાકિસ્તાન સરકાર સાથે વાત કરીને માછીમારનો મૃતદેહ પરત લાવવા કવાયત શરૂ કરી હતી. આખરે મોતના અઢી મહિના બાદ નાનુંભાઈનો મૃતદેહ પાકિસ્તાન સરકારે ભારત સરકારને સોંપ્યો અને આજે તેને માદરે વતન કાજરડી લાવવામાં આવ્યો છે. નાનુભાઈનો મૃતદેહ પોતાને ગામ કાજરડી આવતા પરિવારજનો અને ગામ જનોની આંખો ભીની થઇ હતી. મૃતક નાનુભાઈની પત્ની અને ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
હજુ પણ અનેક ભારતીય માછીમારો પાક જેલમાં બીમાર છે. તો બીજી તરફ ઉના તાલુકાના અગણિત માછીમારો પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. કુબેર બોટ જેવા આતંકવાદી હુમલામાં પણ દીવ અને ઉનાના માછીમારો ભોગ બન્યા હતા. ત્યારે પાક જેલમાં કેદ માછીમારોને જલ્દીથી પાકિસ્તાન છોડે તેવી માંગ પણ ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે