સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે નોંધાયો ગુનો, ચંદ્રયાન-3ની ડિઝાઇન અંગે કર્યો હતો મોટો દાવો

સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે. મિતુલ ત્રિવેદી પોતાને નાસાનો વૈજ્ઞાનિક ગણાવતો હતો અને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો પણ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 468,471,419,420 મુજબ ગુનો નોંધ્યો છે. મિતુલ ત્રિવેદીની પોલીસે અટકાયત પણ કરી છે.

સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે નોંધાયો ગુનો, ચંદ્રયાન-3ની ડિઝાઇન અંગે કર્યો હતો મોટો દાવો

Surat News: ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલીમાં વધારો થયો છે. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે, તે પોતાની જાતને ISROનો વૈજ્ઞાનિક ગણાવતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. મિતુલ ત્રિવેદીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ કમિશનરને પણ મિતુલ ત્રિવેદીએ કોઈ પુરાવા નહીં આપતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે નહીં હોવાનો ખુલાસો કરી આ વ્યક્તિ બનાવટી વૈજ્ઞાનિક હોવાની પુષ્ટિ કરી હતી. આ હકીકતના આધારે તેની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાંચે ફરિયાદમાં શું નોંધ્યું?
તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ભારતની પ્રતિષ્ઠીત અવકાશ સંસ્થા Indian space research and Organlatlon (ISRO) ના દ્રારા ચંદ્રયાન-૩ નુ સફળતા પુર્વક લેન્ડીંગથી વિશ્વમાં ભારતીય વૈજ્ઞાનિકોની ખુબ જ વાહ વાહી થઈ હતી, તે વાહ વાહીમાં સુરત શહેરમાં રહેતો મિતુલ ઉપમન્યુ નામના ઈસમે મીડીયામાં આ ચંદ્રયાન-૩ અભિયાનમાં પોતાના યોગદાન અંગે ખોટી બાઈટ (ઈન્ટરવ્યુ) આપી હતી. તા.૨૬/૦૨/૨૦૨૦ ની તારીખ વાળો "Indlan space research and Organisation (ISRO)" Ancient Science Application Department ના Assistant Chairman તરીકે અપોઈન્ટ કર્યા હોવા અંગેનો લેટર પણ પોતાની પાસે હોવાનું મીડીયામાં જણાવી ખોટી પ્રસિધ્ધી મેળવી હતી.

જે બાબતે શંકા જતા ભારતીય ગૌરક્ષા મંચના કાર્યકર ધર્મેન્દ્ર ગામીએ મેહરબાન પોલીસ કમિશ્નર સુરત શહેરનાઓને તપાસ કરવા અરજી આપેલ હતી. બનાવ બાબતની તપાસ થવા માટે અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમને આ બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી અહેવાલ પાઠવવા સુચના કરેલ હતી. જે તપાસના અંતે આ મિતુલ ત્રીવેદી નામના ઈસમે ચંદ્રપાન-૩ ના મીશનમાં કોઇ પણ રીતે જોડાયેલ ન હોવા છતા ખોટી વાહ વાહી માટે પોતે ISRO ના ન સભ્ય નહી હોવાનુ જાણવા છતા ISRO માં પોતાને અપોઇન્ટ કર્યા હોવા અંગેનો ખોટી બનાવટવાળો લેટર તેમજ આગામી પ્રોજેક્ટ "MERCURY FORCE IN SPACE" ના "SPACE REASEARCH MEMBER” ની નિમણૂંક અંગેનો ખોટી બનાવટવાળો પત્ર બનાવી અને તે પત્રો ખોટા હોવાનું જાણવા છતાં પોલીસ સમાં તપાસના કામે રજુ કરી ISRO ના આ મહત્વકાંક્ષી અભિયાનમાં પોતાનો કોઇ જ યોગદાન ન હોવા છતાં, ખોટી રીતે ગેરરજૂઆત દ્વારા જાહેર જનતામાં ખોટો મેસેજ મીડીયાના માધ્યમથી પ્રસારિત કરી, ભારત સરકારની અવકાશી સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલ હોવાથી આરોપી વિરુધ્ધમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચ ખાતે ઇપીકો કલમ-૪૧૯,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સદર ગુનાની તપાસ સુરત શહેર એસ.ઓ.જી. શાખામાં સોંપવામાં આવેલ છે.

મિતુલ ત્રિવેદી મહાઠગ કે ISROનો કર્મચારી?
હવે તો કયા નામે જપવી કંકોતરી, ક્યારેક ઈતિહાસકાર, ક્યારેક વૈદિકશાસ્ત્રી તો ક્યારેક ઈસરો અને નાસાના કર્મચારી હોવાના ગુણગાન કરતા મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશ્નરનું તેડું મળ્યું હતું. આખા ગુજરાતને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કરી હોવાનું જણાવી ગુજરાત ભરમાં છવાઈ જનાર મિતુલ ત્રિવેદી મામલે હવે સવાલો ઉભા થયા હતા. ઈસરો તો આ નામનો કોઈ કર્મચારી હોવાનો સાફ ઈનકાર કરી રહ્યું હતું, ત્યારે મિતુલ ત્રિવેદીએ પુરાવા સાથે હાજર રહેવાના દાવાઓ કર્યા હતા. ક્યારેક વૈદિક ગણિતના જાણકાર અને નાસાના 3 વિભાગના હેડ હોવાના દાવાઓ કરનાર મિતુલ ત્રિવેદી મામલે આજે ગુજરાતભરમાં ચર્ચા છે. 

સુરતમાં અઠવાલાઈન્સની એક્સપરિમેન્ટલ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરનાર અને નવયુગ કોમર્સ કોલેજમાંથી બીકોમની ડિગ્રી બાદ સીએ બનનાર મિતુલ ત્રિવેદી મામલે આજે દરેક વ્યક્તિ જાણવા માગે છે. મિતુલ ત્રિવેદીએ આ પહેલાં પણ દાવો કર્યો હતો કે તેમની પાસે સાયન્સ ફેકલ્ટીની કોઈપણ ઉચ્ચ ડીગ્રી ન હોવા છતામ માત્ર વૈદિક ગણિતના ઊંડા અભ્યાસ અને પારંગતાને કારણે અમેરિકાની સંશોધન સંસ્થા નાસાએ તેમને સંશોધન માટે આમંત્રિત કર્યા હતા અને તેમને વૈદિક ગણિતને લગતા સંશોધનના ત્રણ વિભાગના હેડ બનાવ્યા હતા. આ બાબતના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે.  

એક સમયે ઈતિહાસકાર હોવાના નાતે મિતુલ ત્રિવેદીએ સુરતના ભોયરાઓ પર પણ રિસર્ચ કર્યું હતું. એમને દાવો કર્યો હતો કે સુરતમાં અંડરગ્રાઉન્ડ કનેક્ટેડ રસ્તાઓ હતા. મિતુલ ત્રિવેદી છેલ્લા 10 વર્ષથી આ ભૂતકાળ પર રિસર્ચ કરી રહ્યાં હતા. આ મામલાઓ હવે વિવાદમાં આવી રહ્યાં છે. સુરતમાં એલપી સવાણી રોડ સ્થિતિ સ્વાતિ સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન 3ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કર્યો હતો. એ એવો પણ દાવો કરે છે કે વર્ષ 2011થી ઈસરો અને 2013થી નાસા સાથે કામ કરે છે. આ મામલે પોલીસ પણ સક્રિય થઈ છે અને પોલીસે તેડું મોકલીને આ અંગેના પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું છે.  

અગાઉ આ મામલે પ્રસિદ્ધ થયેલા અહેવાલો જણાવે છે કે મિતુલ ત્રિવેદી તો 45 જેટલી લુપ્ત થયેલી પ્રાચીન ભાષાઓ અને 9 લિપીના જાણકાર છે. તેમજ ઈસરો, નાસા , મંગળયાન ઓક્સફોર્ડ યુનિ અને જર્મનીની યુરેસિયા યુનિમાં વિવિધ ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે. અમે મિતુલ ત્રિવેદી મામલે પ્રસિદ્ધ થયેલા અહેવાલો પર આ વિગતો જણાવી રહ્યાં છે. તેઓ કરી રહયા છે એ દાવાઓ ખોટા છે એવું અમે કહી રહ્યાં નથી પણ સાચા છે એવું સાબિત કરવા માટે મિતુલ ત્રિવેદી પાસે પુરાવાઓ પણ નથી. 

હવે આગામી સમય જ બતાવશે કે મિતુલ ત્રિવેદી પોતાના દાવાઓ અંગે કેટલા પૂરાવાઓ રજૂ કરી શકે છે પણ હાલમાં એમના નામે માછલા ધોવાઈ રહ્યાં છે કારણ કે તેમની પાસે આ બાબતે હાલમાં કોઈ જવાબ નથી. તેઓ પોતાનો બચાવ કરી રહ્યાં છે પણ ગુજરાત ભરમાં ફેમસ થવા માટે મિતુલ ત્રિવેદીએ અપનાવેલા આ આઈડિયાની સતત ચર્ચા છે. આમ એક જ વ્યક્તિ ક્યારેક વૈદિક શાસ્ત્રોનો જાણકાર તો ક્યારેક ઈસરો કે નાસાનો કર્મચારી કે ક્યારેક ઈતિહાસકાર બનીને ફેમસ થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news