ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં 5 આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી, ચોકાવનારા ખુલાસા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નકલી વેચવાના કૌભાંડમાં ક્રાઇમબ્રાન્ચે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે તેવા નકલી ઇન્જેક્શન બજારમાં વેંચતા હોવાનો કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
જેમાં સુરતના સોહેલ તાઈ નામમાં યુવકની સંડોવણી સામે આવી હતી. આ મામલે અગાઉ વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી..જે બાદ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને અપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સુરતના સોહેલ તાઈ ,અમદાવાદના અક્ષય શાહ અને આશિષ શાહ ની ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરી છે.
સુરતનો સોહેલ તાઈ અમદાવાદના નિલેશ લાલીવાલાને ગેરકાયદે રીતે બોડી બિલ્ડીંગ માટે વપરાતા સ્ટીરોઈડ ઇન્જેક્શન આપતો હતો. જે ઇન્જેક્શન પર નામ બદલીને ટોસિલિઝુમેબ કરીને વેચવામાં આવતા હતા. સોલા સિવિલમાં કોરોનાની સારવાર લેતા દર્દીને આ આરોપીઓએ 1.35 લાખમાં ઇન્જેક્શન આપ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ ગુનામાં મુખ્ય આરોપી હર્ષ ઠાકોરની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને ભાઈ એસવીપી હોસ્પિટલમાં આસપાસ જ નોકરી કરતા હતા. જેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન એસવીપીમાંથી અપાવી દેવાનું કહીને આરટીઓ સર્કલ પાસેમાં મેડિકલ સ્ટોર ધરાવતા આશિષ શાહ અને અક્ષય શાહને 12 હજારનું સ્ટેરોઇડ્સનું ઇન્જેક્શન નામ 80 હજારમાં વેચ્યું. જેમાં 55 હજાર રૂપિયા વધારીને આ ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી.
ક્રાઇમ બ્રાન્ચે સુરતના સોહેલ તાઈની અટકાયત કરીને તેની પાસેથી જુદી જુદી કંપનીના નામવાળા સ્ટીરોઈડ ઇન્જેક્શન તેમજ દવા અને નામ વગરનાં સ્ટીરોઇડનો 7.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી. તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ અત્યારે સુધીમાં અનેક ઇન્જેક્શન વેચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે પકડાયેલા આરોપીઓએ અમદાવાદ સીવાય અન્ય કોઈ જગ્યાએ નકલી ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે કે કેમ તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે