Corona Vaccine: રસી ક્યારે આવશે? પહેલાં કોને અપાશે? બાળકોને ક્યારે અપાશે? શું સાવચેતી રાખવી? જાણો


હાલ ગુજરાતમાં કોરોનાની રસીનું ડ્રાયરન ચાલી રહ્યું છે. ખુબ જલદી તમામ ટ્રાયલ પસાર કરીને કોરોનાની રસી આવી જશે. કોરોનાની રસીના રસીકરણ અભિયાન માટે ગુજરાત સરકાર દ્વારા પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કોવિડ વર્કશોપમાં અપાઈ તમામ જરૂરી માહિતી.

Corona Vaccine: રસી ક્યારે આવશે? પહેલાં કોને અપાશે? બાળકોને ક્યારે અપાશે? શું સાવચેતી રાખવી? જાણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે દુનિયાભરમાં અત્યારે અંદાજે 200થી વધારે રિસર્ચ ચાલી રહ્યાં છે. ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં હાલ કોરોનાની રસી તેના જુદાં-જુદાં ટ્રાયલ બેઝ પર ચાલી રહી છે. યુનિસેફના મેડિકલ ઓફિસર ડો.સરવણે જણાવ્યુંકે, ડ્ગ કંટ્રોલર જનરલ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની મંજૂરી બાદ જ ભારતમાં વેક્સીન આપવામાં આવશે. તમામ ટ્રાયલમાં પાસ થયા બાદ જ મંજૂરી આપવામાં આવશે. 

ભારતમાં પણ જલદી જ કોરોનાની રસી આવી જશે. અલગ અલગ દવા બનાવતી કંપનીઓ વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. તમામ ટ્રાયલમાં સફળતા બાદ જ વેક્સીનને મંજૂરી અપાશે. એક સાથે અલગ અલગ કંપનીઓને પણ સફળ પરિક્ષણ બાદ મંજૂરી અપાઈ શકે છે. ગુજરાત સરકારે પણ કોરોનાના વેક્સીનેશન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દરેકના મનમાં કેટલાંક સવાલ છેકે, વેક્સીન ક્યારે આવશે? પહેલાં વેક્સીન કોને અપાશે? વેક્સીન લીધાં પછી પણ શું સાવચેતી રાખવી પડશે? આ દરેક સવાલોનો જવાબ તમને આ આર્ટીકલમાં મળી જશે. UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કોવિડ વર્કશોપમાં અપાઈ તમામ જરૂરી માહિતી.

WHOના ગુજરાતના મેડીકલ ઓફિસર ડો.ચિરાગ વાલિયાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યુંકે, ખુબ જલદી તમામ ટ્રાયલ પસાર કરીને કોરોનાની રસી આવી જશે. કોરોનાની રસીના રસીકરણ અભિયાન માટે પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. જેનું રજીસ્ટ્રેશન થયું હશ તેને જ રસી આપવામાં આવશે. રસી લીધાં પછી પણ જો કોઈને કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એવું પણ ધ્યાન રાખવામાં આવશે. ભારત અગાઉ પણ પોલિયોથી માંડીને વિવિધ પ્રકારના અભિયાન કરી ચૂક્યું છે. તેથી કોરોનાનું રસીકરણ અભિયાન પણ સરળતાથી થઈ જશે. સરકાર અને વિવિધ સંગઠનો, સંસ્થાઓ સાથે મળીને આ ભગીરથ કાર્ય કરી રહ્યાં છે.

કોરોનાની રસીનું ડ્રાયરન શું છે?
કોરોનાની રસી હજુ આવી નથી. જ્યારે રસી આવશે ત્યારે વાસ્તવિક રૂપમાં કઈ રીતે રસીનું અભિયાન ચલાવવામાં આવશે. કેવી રીતે સમગ્ર રસીકરણની પ્રક્રિયા ચાલશે. એ પ્રક્રિયાનું અત્યારે ગુજરાતમાં એક પ્રકારે રિહર્સલ કે મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જેને મેડીકલ ભાષામાં ડ્રાયરન કહેવાય છે.

સૌથી પહેલાં કોને અપાશે કોરોનાની રસી?
ભારત સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ જ દરેકને તબક્કાવાર કોરોનાની રસી આપવામાં આવશે. પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્ક્સને કોરોનાની રસી આપવામાં આવશે. બીજા ફેઝમાં ફ્રન્ટલાઈન વર્ક્સને કોરોનાની રસી અપાશે. જેમાં સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ, ફાયરકર્મીઓ, વોટર સપ્લાયર, વીજ પુરવઠાના વિતરક સહિત તમામ આવશ્યક સેવાને આવરી લેવાઈ છે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા લોકોને પહેલાં વેક્સીન આપવામાં આવશે. જ્યારે ત્યાર પછીના ચોથા ફેઝમાં અન્ય લોકોનો સમાવેશ કરવામાં આવશે.

બાળકોને કોરોનાની રસી આપવી કે નહીં?
ઘણાં લોકો ભારે અવઢવમાં છેકે, બાળકોને કોરોનાની રસી અપાશે કે નહીં. ત્યારે આ પ્રશ્નના જવાબમાં ગુજરાતના વેક્સીન પ્રોગ્રામના સ્ટેટ કોર્ડિનેટર ડો.નયન જાનીએ જણાવ્યુંકે, કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ પહેલાં અલગ અલગ 4 ફેઝમાં કોરોનાની રસી અપાશે. આ 4 ફેઝ પુરા થયા બાદ 5માં ફેઝમાં બાળકોની કેટેગરીનો સમાવેશ થઈ શકે છે. એ પહેલાં બાળકોને હાલ આ રસી નહીં આપવામાં આવી.

કોરોના વેક્સીનના કેટલાં ડોઝ હશે?
કોરોના વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. લાભાર્થીને તબક્કાવાર બે વાર વેક્સીન આપવામાં આવશે. એક વાર વેક્સીન લીધાં બાદ 28 દિવસના અંતર બાદ કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.

કોરોનાની વેક્સીન લીધાં પછી શું ધ્યાન રાખવું?
કોરોનાની રસી પણ તમારે અમુક સમય સુધી ફરજિયાત કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવું, સતત હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઈઝેશન કરતા રહેવું.

તમારા શરીરમાં ક્યારે જનરેટ થશે એન્ટી બોડી
બે તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવશે. નિષ્ણાંતોના મતે કોરોનાની રસીના બે ડોઝ લીધાંના બે સપ્તાહ બાદ તમારા શરીરમાં એન્ટી બોડી જનરેટ થશે.

કોરોના પોઝિટિવ થયા હોય તેણે વેક્સીન લેવાની કે નહીં?
નિષ્ણાંતોના મતે જે વ્યક્તિ એક વાર કોરોના પોઝિટિવ થઈને ઠીક થઈ ગઈ હોય તે એવું માની લે છેકે, તેનામાં હવે એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે. પરંતુ આ વસ્તુ સાચી નથી. કોરોના થયા બાદ સાજાં થયેલાં લોકોએ પણ વેક્સીન લેવી પડશે.

શું બધા માટે કોરોનાની રસી લેવી ફરજિયાત છે?
લોકોમાં એ વાતને લઈને પણ ભારે અસમંજસ છેકે, દરેક વ્યક્તિએ કોરોનાની રસી ફરજિયાત લેવી પડશે કે નહીં. તો એ અંગે પણ નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી છેકે, કોરોનાની રસી ફરજિયાત નથી. સરકારે એવો કોઈ કાયદો બહાર પાડ્યો નથી. પણ દરેક લોકો આ રસી લે તેવી સલાહ અપાઈ રહી છે. જેથી હાલ કોરોનાની રસીને મરજિયાત રાખવામાં આવી છે. લોકોમાં રસી અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news