અમદાવાદમાં કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી, 4 દર્દીઓથી તબીબોમાં પણ ફફડાટ

અમદાવાદમાં કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી, 4 દર્દીઓથી તબીબોમાં પણ ફફડાટ
  • 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી
  • અમદાવાદના તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
  • બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે 4 દર્દીઓ સાથે અમદાવાદમાં કોરોના UK સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. UKથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. પૂણે ખાતે બ્રિટનથી આવેલા મુસાફરના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. UK થી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઈટમાં આવેલા 4 મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 

યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જોવા મળી છે. યૂકે અને યૂરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી 11નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પૂણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે. 

15 સેમ્પલ હજુ પેન્ડિંગ છે 
આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, યુકેમાંથી જે નવી સ્ટ્રેન છે, તેની ચકાસણી માટે જે અમદાવાદમાં આવ્યા હતા તમામનું સ્ક્રીનિંગ કરાયું હતું. NIV પૂણેમાં આ સેમ્પલ મોકલ્યા હતા. 4 મુસાફરો, જે યુકેથી આવ્યા હતા તેમનામાં UK સ્ટ્રેન મળ્યા છે. તમામને SVP કોવિડ હોસ્પિટલમાં તમામ તકેદારી સાથે રાખ્યા છે. 15 સેમ્પલ હજુ પેન્ડિંગ છે, જે NIV પુણેથી આવવાના બાકી છે. 5 થી 6 દિવસ ટેસ્ટિંગમાં લાગતા હોય છે. આ મુસાફરોની સાથે જે લોકો આવ્યા હતા, આ મુસાફરોની 3 રો આગળ અને પાછળના તમામ લોકો આઇસોલેશનમાં છે, આપણી ટીમ તપાસ કરી રહી છે.

તો બીજી તરફ, બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. અમીનમાર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય હિત ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 15 ડિસેમ્બરના રોજ હિત ઇંગ્લેન્ડથી પરત રાજકોટ આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ લઇ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. ત્યારે હિત ઠક્કરમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળે છે કે નહિ તે ચકાસાશે. સાથે જ તેના પરિવારના સભ્યોના પણ સેમ્પલ મેળવી ટેસ્ટ કરવામાં આવશે. નવા સ્ટ્રેનની શંકા આધારે સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. 

22 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યા હતા મુસાફરો 
બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news