Control Room: ફરી Zee24 kalak બન્યું પ્રજાનો અવાજ, સરકારી અનાજમાં કટકી કરનારને પાઠ ભણાવી લોકોને અપાવ્યો હક્ક
આપણે સમજી શકીએ છીએ કે એક ગરીબ વ્યક્તિ માટે અનાજનું મહત્વ શું હોય છે?. અનાજ ન મળે તો તે ગરીબને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. અને ભૂખની વ્યથા શું હોય છે તે ગરીબ સિવાય કોઈ જાણી શકે? ઝી 24 કલાકે કંટ્રોલ રૂમની શરૂઆત લોકોની સમસ્યાને ઉકેલવા માટે કરી છે. અમારો ઉદ્દેશ છે જનતાની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેને હલ કરવી.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક હંમેશા લોકોના પ્રશ્નને વાચા આપવામાં સતત આગળ રહી છે. હવે ઝી 24 કલાકે ગુજરાતના લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે કંટ્રોલ રૂમ નામથી ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ઝી 24 કલાક સામાન્ય લોકોને પડી રહેલી વિવિધ મુશ્કેલી જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ અંતર્ગત સુરતમાં સ્થાનિકોએ સરકારી અનાજના જથ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઝી 24 કલાકના ટીમ સક્રિય થઈ અને આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું હતું.
ડાયમંડ નગરી સુરતમાં ઉમરવાડા વિસ્તાર આવેલો છે. સામાન્ય દેખાતા આ વિસ્તારમાં મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો વસવાટ કરે છે. અહીં વસતા લોકો રોજનું કમાઈને રોજ ખાય છે. આ વિસ્તારના એક-બે નહીં પણ અનેક લોકોએ અમારો સંપર્ક સાધ્યો. ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી. ફરિયાદ સરકારી અનાજના જથ્થાની હતી. સ્થાનિકોએ કહ્યું કે, અમને સરકારી અનાજનો જથ્થો જે અમારા હકનો છે તે પૂરતો મળતો નથી. તો ઘણા એવા લોકો હતા જેમને પોતાના હકનું અનાજ જ નહોતું મળતું. આ ફરિયાદ મળતાંની સાથે જ કંટ્રોલ રૂમની ટીમ સુરતના આ ઉમરવાડા વિસ્તારમાં પહોંચી.
ઉમરવાડાના માનદરવાજા વિસ્તારમાં અમે પહોંચ્યા... અહીં અનેક સ્થાનિકો અમારી રાહ જોતા નજરે પડ્યા... અમે સૌથી પહેલાં તો તેમની સાથે વાતચીત કરી તેમની સમસ્યાને બરાબર રીતે સમજ્યા. હવે સ્થાનિકોની જે સમસ્યા છે તે તમે પણ જાણી લો.
એક બાદ એક જેમ જેમ સ્થાનિકો પાસેથી પ્રશ્નો સાંભળી રહ્યા હતા. તે હચમચાવી નાંખે તેવા હતા. કારણ કે અહીં અનાજનો જથ્થો સગેવગે થતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું... સરકાર પ્રતિ વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને દાળ આપે છે. પરંતુ અહીં રાશનની દુકાન ચલાવતો સંચાલક પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર બે કિલો ઘઉં જ આપતો હતો. એટલે કે એક કિલો ઘઉં બારોબાર વેચી દેતો હોય તેવી આશંકા હતી. અન્ય કેટલાક સ્થાનિકો અમને મળ્યા. તેમને તો અનાજ જ આપવામાં નહોતું આવતું.
શું છે સમસ્યા?
સરકાર પ્રતિ વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને દાળ આપે છે
રાશનની દુકાનનો સંચાલક પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર 2 કિલો ઘઉં આપતો હતો
1 કિલો ઘઉં બારોબાર ચાઉં કરી દેતો હોય તેવું જણાઈ આવ્યું
માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યા અપાર હતી. સામાન્ય અને ગરીબ લોકોને જાડી ચામડીના અધિકારીઓ રોજ ધક્કા ખવડાવી રહ્યા હતા. જે ગરીબ વ્યક્તિ રોજનું કમાઈને રોજનું ખાતો હોય. તેવા લોકોને તંત્રના અધિકારીઓ આવી રીતે ધક્કા ખવડાવે તે કેવી રીતે પોષાય?...સ્થાનિકોની સમસ્યા જાણી તો અમને પણ લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. નઘરોળ તંત્ર કેમ જનતાની સમસ્યા સાંભળતું નથી તે સવાલ પણ ઉઠ્યો. જો કે સ્થાનિકોએ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હોવાથી અમારી ફરજ હતી તેમને ન્યાય અપાવવો. ઝી 24 કલાકે કંટ્રોલ રૂમની સ્થાપના જ એટલા માટે કરી છે કે આમ જનતાને ન્યાય મળે. એટલે જ અમે આ કેસમાં આગળની કામગીરી શરૂ કરી....
સુરત રાશન ઓછો જથ્થો
સરકારી અનાજનો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો સુરતના ઉમરવાડાના માનદરવાજા વિસ્તારમાં ઉઠી હતી. અવાર નવાર અનાજ મેળવવા માટે તંત્રમાં ફરિયાદો અને રજૂઆત કરીને થાકી ગયેલા સ્થાનિકોએ જ્યારે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી તો તેમને એક આશા બંધાઈ. હવે તેમની આ આશા પર ખરા ઉતરવાની જવાબદારી અમારી હતી.
સ્થાનિકોના પ્રશ્નો જાણ્યા બાદ અમે આગળ શું કરી શકાય તેની મથામણમાં લાગ્યા હતા. અમારા કોન્ટેકમાં રહેલા અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમની પાસેથી સમાધાનના રસ્તા શોધ્યા અને આગળની કામગીરી શરૂ કરી ત્યાં જ અમારી નજર સરકારી અનાજ પર પડી. જેમને અનાજ મળ્યું હતું તે અનાજ કેવું છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. જેવું અનાજ અમારી નજર સમક્ષ આવ્યું તે સાથે જ અમારી આંખો પહોળી થઈ. કારણ કે ઘઉંની અંદર પથ્થર અને કાંકરા હતા. સાવ બગડી ગયા હોય અને ક્યારેય આપણા ઘરમાં પણ ન રાખીએ તે ઘઉં અહીં લોકોને ખાવા માટે અપાતા હતા. આ ઘઉં જોઈને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમની ટીમને વધુ એક મુદ્દો મળ્યો કે માત્ર રાશન વિતરણમાં જ નહીં, અનાજની ગુણવત્તામાં લાલિયાવાડી આચરવામાં આવી રહી છે. અને આ મુદ્દાના ઉકેલ માટે અમે આગળ વધ્યા.
અમે સ્થાનિકોને સાથે રાખીને સુરતના બહુમાળી ભવનમાં પહોંચ્યા. આ એ જ બહુમાળી ભવન છે જ્યાં આ જ સ્થાનિકોએ પગળનાં તળિયાં ઘસી નાખ્યાં હતાં. પરંતુ તેમને કોઈ સાંભળતું નહોતું અને કોઈ જવાબ આપતું નહોતું. જ્યારે અમે અધિકારીને મળવા માટે સૌને સાથે લઈને જવાનું નક્કી કર્યું તો કેટલાક સ્થાનિકોએ કચવાટ પણ કર્યો. તેમનું કહેવું હતું કે અમારાં ચપ્પલ ઘસાઈ ગયાં તે ઓફિસના ધક્કા ખાઈને. જો કે સમજાવટ બાદ તમામ લોકો તૈયાર થયા અને સીધા અમે સુરત શહેરના નોડલ ઓફિસર અને પુરવઠા વિભાગનો ચાર્જ સંભાળતા રાજેશ પટેલ પાસે પહોંચ્યા.
નોડલ ઓફિસર રાજેશ પટેલે પહેલાં તો અમારી વાત સાંભળવાનો જ ઈન્કાર કરી દીધો. રોજ લોકોને ધક્કા ખવરાવતા આ અધિકારી સમસ્યા સાંભળવા તૈયાર જ નહોતા. પરંતુ થોડા સમય બાદ ઝી 24 કલાકનો કેમેરો અને અમારી ઓળખાણ આપી તો રાજેશ પટેલ આ ગરીબોની સમસ્યા સાંભળવા માટે તૈયાર થઈ ગયા. અમે સ્થાનિકોને સાથે રાખીને તેમની સમસ્યાની મુદ્દાસર અને પુરાવા સાથે રજૂઆત કરી.
નોડલ ઓફિસર સામે ઝી 24 કલાકનો કેમરો હતો. તેથી અમારી વાત શાંતિથી સાંભળી. પરંતુ થોડીવાર બાદ સાહેબ થોડા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ કેમેરો બંધ કરી દો. અને અમને નિયમો ભણાવવા લાગ્યા. અમારે લોકોની સમસ્યાનું સમાધાન જોઈતું હતું તેથી કેમેરામેનને કહ્યું કે, કેમેરો બંધ કરી દે. ત્યારબાદ આગળની કામગીરી શરૂ કરી. અધિકારી રાજેશ પટેલ પાસેથી પુરવઠાના વેચાણની જાણકારી મેળવી. અધિકારી પણ સાવ અજાણ હોય તેમ અમને સાંભળી રહ્યા હતા.
(દાળ બંધ કરી છે આપવાની?, જો દાળ આવે તો દાળ અને ચણા આવે તો ચણા, જ્યારે દાળ આવે ત્યારે દાળ આપે અને ચણા આવે ત્યારે ચણા. છેલ્લા ત્રણ મહિનાથી દાળ આપતા જ નથી. કઈ જગ્યાએ?, માન દરવાજા. ત્યાં દુકાનવાળાને ફરિયાદ કરે છે તો કહે છે આટલું જ મળશે. પેલા ઘઉં બતાવને કેટલા ખરાબ હાલતમાં આપે છે. 2 કિલો આપે છે, અઢી કિલો આપે છે. કાર્ડમાં કેટલા વ્યક્તિ છે?, આધાર કાર્ડ અપડેટ બાકી છે?. 4 વ્યક્તિ છે?.હવે આ ચાર છેને તો તે 8 કિલો જ આપે છે. ઘઉં ખાલી 4 કિલો અને ચોખા 8 કિલો. કેટલું ખરાબ અનાજ છે. કાંકરા અને વાળ અંદર છે. એ તો ગોડાઉનમાં જે પ્રકારે આપે છે. તેમને સુચના આપેલી છે કે આવું આવે તો તમારે ત્યાંથી બદલાવી લેવાનું. ગોડાઉનમાં હું નથી બેસતો.જે રાશનવાળો છે તેને તમે કહી તો શકોને?.
અમે અધિકારીને અનાજના ખરાબ જથ્થા વિશે પણ વાત કરી. ગરીબોને સરકારી અનાજ કેવું મળે છે તે પણ અમે બતાવ્યું. પરંતુ અધિકારીનો જવાબ હાસ્યાસ્પદ હતો. પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેતાં રાજેશ પટેલે કહ્યું કે અનાજનો જથ્થો ગોડાઉનમાંથી આવે છે. હું ગોડાઉનમાં નથી બેસતો. અમારી ચર્ચા ચાલી જ રહી હતી. ત્યાં ફરીથી અધિકારી કેમેરો જોઈને ભડક્યા.
અમારી ચર્ચા પરથી અમને એટલું તો સમજાયું કે નોડલ ઓફિસર રાજેશ પટેલને કામ કરવું નહોતું. પરંતુ ઝી 24 કલાકની ટીમ લોકો સાથે હાજર હતી તેથી કામ કરવું પડી રહ્યું હતું. અને તેથી જ અવાર નવાર તેઓ ગુસ્સે થઈને કેમેરો બહાર મોકલી દો તેવું કહી રહ્યા હતા. એક સમયે તો અમારે કલેક્ટરનો પણ સંપર્ક કરવો પડ્યો. કલેક્ટરનો સંપર્ક કર્યા બાદ અધિકારી રાજેશ પટેલ ઢીલા પડ્યા અને પછી કામગીરી શરૂ કરી. પરંતુ અહીં ઉડીને આંખે વળતે તેવી વાત તો એ હતી કે રાશનનું વિતરણ કરતા સંચાલક સામે આટલા પુરાવા સાથેની ફરિયાદો બાદ પણ અધિકારીએ કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર કાર્ડ પર પુરતો જથ્થો આપવામાં આવે તેવું લખાણ લખી આપ્યું. તો જેમને રાશન મળતું નહોતું તેમને રાશન કાર્ડ અપડેટ કરવાનાં ફોર્મ આપ્યાં. અમારો જે ધ્યેય અને ઉદ્દેશ છે તે અહીં સાર્થક થતો જોવા મળ્યો. લોકોની જે સમસ્યા હતી તેનું સમાધાન આવતું જોવા મળ્યું. જો કે હજુ સંપૂર્ણ સફળતા બાકી હતી.
સુરતના ઉમરવાડા વિસ્તારના સ્થાનિકોની સમસ્યાનો ઝી 24 કલાકના કંટ્રોલ રૂમને કારણે હલ થતો જોવા મળ્યો. જે ઉદ્દેશ સાથે સ્થાનિકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો તે ઉદ્દેશ સાર્થક થતો જોવા મળ્યો. જો કે અમારી કામગીરી હજુ પૂર્ણ થઈ નહોતી. અમે આગળની કામગીરી શરૂ કરી.
સુરતના ઈન્ચાર્જ પુરવઠા અધિકારી સાથે સામાન્ય માથકુટ અને થોડી બોલાચાલી બાદ આખરે અમે જે ઉદ્દેશ સાથે ત્યાં ગયા હતા તે સાર્થક થતો જોવા મળ્યો. ગરીબોનું અનાજ ચાંઉ કરી જતા સંચાલકને પણ સૂચના મળી ગઈ કે હવે બેઈમાનીનો ધંધો નહીં ચાલે. સ્થાનિકોની આંખ પણ હરખ સમાતો નહોતો. હરખ હોય પણ કેમ નહીં? કારણ કે જે કામ માટે તે રોજ ધરમધકકા ખાઈને થાકી ગયા હતા. તે કામ તેમની આંખો સામે થઈ રહ્યું હતું એટલે સ્વાભાવિક છે કે આનંદ તો હોય જ. અમે પણ સંતુષ્ટ હતા કે જે ઉદ્દેશ સાથે ઝી 24 કલાકે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે તેમાં વધુ એક સફળતા મળતી દેખાઈ રહી છે.
ઉમરવાડાના સ્થાનિકોનો ઝી 24 કલાકનો આભાર માની રહ્યા હતા. કારણ કે જે અનાજના જથ્થા પર તેમનો અધિકાર છે તેના પર કેટલાક કૌભાંડીઓ તરાપ મારી રહ્યા હતા. પરંતુ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમને કારણે તેમને હવે પુરતો જથ્થો મળવાનો છે. જેમના કાર્ડ નહોતાં તેમને રાશન કાર્ડ પણ નવાં મળવાનાં છે.
આપણે સમજી શકીએ છીએ કે એક ગરીબ વ્યક્તિ માટે અનાજનું મહત્વ શું હોય છે?. અનાજ ન મળે તો તે ગરીબને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. અને ભૂખની વ્યથા શું હોય છે તે ગરીબ સિવાય કોઈ જાણી શકે? ઝી 24 કલાકે કંટ્રોલ રૂમની શરૂઆત લોકોની સમસ્યાને ઉકેલવા માટે કરી છે. અમારો ઉદ્દેશ છે જનતાની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેને હલ કરવી. તમે પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાં કે પછી ભલે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોવ, જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તંત્ર તમારી વાત સાંભળતું નથી તો ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. તમારા પ્રશ્નનું અમે સમાધાન લાવીશું. તમે ઝી 24 કલાકના વોટ્સએપ નંબર 75740 11001 તમારી સમસ્યા આધાર પુરાવા સાથે અમને મોકલી શકો છો. અમે તમારી સમસ્યાનું સમાધન લાવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે