પાકવીમાના સળગતા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે 58 અબજ 63 કરોડ 13 લાખ 52 હજાર 148 રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવાઈ છે. જેની સામે ખેડૂતોને બે વર્ષમાં માત્ર 28 અબજ 92 લાખ 80 લાખ 54 હજાર 631 જ ચૂકવાયા છે. આ અંગે કૃષિમંત્રીએ ટૂંકમાં જવાબ આપ્યા બાદ વિધાનસભા અધ્યક્ષે આગળની કાર્યવાહી શરૂ કરી દેતા કોંગ્રેસે સરકાર પર ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલતાનો આક્ષેપ મૂકી વોકઆઉટ કર્યું હતું.
બીજી તરફ કૃષિમંત્રી આર.સી.ફળદુએ વળતી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હોબાળાના કારણે પાકવીમાનો પ્રશ્ન જતો રહ્યો હતો. રાજ્ય સરકાર કોઈ વીમા કંપનીને છાવરવા નથી માગતી. પ્રશ્નોના જવાબ વચ્ચે લલીત વસોયા વચ્ચે બોલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના પ્રશ્ન વચ્ચે અવરોધ કર્યો હોવાનો ફળદુએ આક્ષેપ મૂક્યો હતો.
જવાબ આપવા માટે મંત્રી બનવું પડે
વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને ભાજપના પંકજ દેસાઈ વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. ગૃહમાં સવાલ પૂછવા ઉભા થયેલા બળદેવજી ઠાકોર સામે પંકજ દેસાઈએ ટિપ્પણી કરી હતી. દંડક પંકજ દેસાઈની ટિપ્પણી પર બળદેવજીએ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે જવાબ આપવા માટે મંત્રી બનવું પડે દંડક તરીકે તમારી જવાબદારી નથી. કેટલાય સમયથી ભાજપમાં મંત્રી બનવા રાહ જોઈ રહેલા નેતાઓ પર બળદેવજીએ ટિપ્પણી કરી. દંડક પંકજ દેસાઈ વચ્ચે બોલતા બળદેવજીએ દેસાઈ પર કટાક્ષ કર્યો કે, પહેલા મંત્રી બનો પછી બોલો. દંડક રહીને બોલવા કરતા મંત્રી બનો એવું પણ કહ્યું. જેમાં અધ્યક્ષે સૂર પુરાવતા કહ્યું તમારુ સુચન સારું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે