લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ લેશે સોશિયલ મીડિયાનો સહારો

2019ની ચૂંટણીમાં સંગઠન અને સામાજીક જવાબદારી નિભાવવા માટે કોંગ્રેસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે.
 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ લેશે સોશિયલ મીડિયાનો સહારો

ગૌરવ પટેલ/અમદાવાદઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તેને લઈને ભાજપ-કોંગ્રેસે ત્યારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પણ હવે ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવા ઈચ્છે છે. આ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીની ઈમેજ બનાવવા માટેનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. આ માટે તમામ કાર્યકર્તાઓને તાલિમ આપવામાં આવશે. આ તાલિમને લઈને આજે કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગની મહત્વની બેઠળ મળી હતી. 

આજે યોજાયેલી આ બેઠકમાં 182 વિધાનસભાના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અને કોઓર્ડિનેટરને બોલાવવામાં આવ્યા હતા. 2019ની ચૂંટણીમાં સંગઠન અને સામાજીક જવાબદારી નિભાવવા માટે કોંગ્રેસ સોશિયલ  મીડિયાનો ઉપયોગ કરશે. કોંગ્રેસ પોતાની સાયબર આર્મીની ટીમનું બુથ સુધી નેટવર્ક ઉભુ કરશે. આ અંગે કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ કન્વીનર રૂચિકા ચતુર્વેદીએ કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી કોંગ્રેસ પહોંચશે. આ માટે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સાથે એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે. 

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે સોશિયલ મીડિયા દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ બન્યું છે. કોંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચશે અને કોંગ્રેસની નીતિ પણ પહોંચાડવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના જુઠ્ઠાણા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બહાર પાડવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસ સોશિયલ મીડિયાનો સહારો લેશે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેના કારણે યુવાનોના મત પણ ભાજપને મળ્યા અને પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી હતી. તો આ વખતે કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકસભાની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરવા માટે મહેનત કરશે. સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા રાહુલ ગાંધીની કેવી ઈમેજ કોંગ્રેસ બનાવશે તે તો આવનારો સમય જ જણાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news