કોરોનાના મૃત્યુના ખોટા આંકડા જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે: જીતુ વાઘાણી

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા છે

કોરોનાના મૃત્યુના ખોટા આંકડા જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે: જીતુ વાઘાણી

ઝી મીડિયા બ્યુરો: પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા છે. આ આક્ષેપોને કડક શબ્દોમાં આલોચના કરતાં તેમણે કહ્યું કે આવા બેજવાબદારીભર્યા નિવેદનો કરી ગુજરાતને બદનામ કરવાનું તેમણે બંધ કરવું જોઈએ રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.

પ્રવકતા મંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં થયેલા એક-એક મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને રહેશે જ. રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુ દર ઓછો રહ્યો છે. રાજ્યમાં ૧૦,૦૮૮ જેટલા નાગરિકોનું કોરોનાકાળમાં મૃત્યુ થયું છે. આ સંદર્ભે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું છે જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો મળશે એ મુજબ રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

પ્રવકતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં ૧૪,૦૨૮, પંજાબમાં ૧૬,૫૫૩, રાજસ્થાનમાં ૮,૯૫૪, છત્તીસગઢમાં ૧૩,૫૫૨ તથા આપ શાસિત દિલ્હીમાં ૨૫,૦૯૧ નાગરિકોના મોત કોરોનાકાળમાં થયા છે જેની સામે ગુજરાતમાં ૧૦,૦૮૮ મોત થયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે મોતના આંકડા જાહેર કર્યા છે એ પણ હવે ખોટા છે એવું તેમણે મીડિયા સમક્ષ જાહેર કરવુ જોઇએ.

તેમણે ઉમેર્યુ કે, ખોટું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસનો હવે સ્વભાવ થઇ ગયો છે. ત્યારે આવા અભ્યાસ વિહોણા અને પાયા વગરના નિવેદનો કરીને ગુજરાતની જનતાની લાગણી મેળવવા માટે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે એને પ્રજા હવે આોળખી ગઇ છે. રાજ્ય સરકારની કામગીરીથી પ્રજાને સંતોષ છે અને રહેશે જ એટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવાના સપના જોવાનું કોંગ્રેસે બંધ કરવું જોઇએ.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાકાળ દરમિયાન જે મોત થયા છે તેને WHO અને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસાર જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સમયમાં અન્ય બિમારીથી જે લોકો મૃત્યું પામ્યા છે એને કોરોનાના મૃત્યુમાં ખપાવીને આંકડો મોટો બનાવવાનો કોંગ્રેસે હીન પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news