દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું

Geniben Thakor : વડોદરા અને સુરતમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં જે બનેલી ઘટનાઓની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી

દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતમાં છેલ્લા એક માસમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથે લીધી છે. ગેનીબેન ઠાકોરે આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને નૈતિકતાને ધોરણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું આપી દેવાની વાત કરી હતી. વડોદરા, સુરેન્દ્રનગર, સુરત, દાહોદ, બોટાદની ઘટનાઓને લઈને સાંસદે સરકાર પર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે, ગૃહરાજ્ય મંત્રી નૈતિકતાને ધોરણે રાજીનામું આપે તેવી માંગ કરી છે. ગેનીબેને કહ્યું કે, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ ગુજરાત માટે શરમજનક અને આ તમામ પરિસ્થિતિ માટે જવાબદાર સરકાર છે. તમામ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક છે.

ગેનીબેને ઠાકોરે કહ્યું કે નવરાત્રિમાં વડોદરા સુરત અને સુરેન્દ્રનગરમાં યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી છે. તો દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી ગેંગરેપ બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ તમામ માટે જવાબદાર ભાજપ સરકાર છે અને ગૃહરાજ્ય મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી વાત કરી છે. જે પ્રકારમાં અહીંયા ગુજરાતમાં ઘટનાઓ બને છે ત્યારે અન્ય કોઈ રાજ્યમાં ઘટનાઓ બને તો ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતના જે હોદ્દેદારો છે તેઓ ધારણા પર બેસી જતા હોય છે. પરંતુ ગુજરાતમાં જે બનેલી ઘટનાઓની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.

ગેનીબેને કહ્યું કે, એક માસમાં ગુજરાતમાં ગુનાઓનો ગ્રાફ વધ્યો છે અને જેને કારણે જે મા બાપ છે તે તેમની દીકરીઓને પણ બહાર મુકતા પહેલા અનેકવાર વિચારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગેનીબેન ઠાકોરે ગૃહ વિભાગ પર સીધો આક્ષેપ કર્યો છે કે નવરાત્રિમાં ગરબા રમવાના સમયમાં વધારો એટલા માટે કર્યો છે કે દારૂ અને ડ્રગ્સનું દુષણ વધે યુવાનો બરબાદ થાય.

ગૃહમંત્રી નવરાત્રીમાં રમવા માટે એવા સ્ટેટમેન્ટ આપે છે કે રમવા માટે પાકિસ્તાન જાય. જો તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય કે બેન દીકરીઓ સાથે બળાત્કાર કરનારાઓને પાકિસ્તાન મોકલીશું તો અમે તમને સપોર્ટ કરતા. 5 વાગ્યા સુધીની છૂટમાં દારૂ, ડ્રગ્સનો વેપાર વધે અને તમારી આવક વધે હપ્તા આવે તે માટેની તમે છૂટ આપી છે. 

ગેનીબેને આક્ષેપ મૂકતા કહ્યું કે, તમે 56 છાતીની વાત કરીને ચમરબંધીઓને નહિ છોડીએ તેવી વાતો કરો તે પોકળ સાબિત થઈ છે,રાજ્યના ગૃહમંત્રીએ અડધો ટકા પણ શરમ હોય તો રાજીનામું આપીને જે પણ કાયદો અને સુરક્ષા મજબૂત કરે તેવાને ગૃહમંત્રી બનાવવા જોઈએ,શિક્ષણ જગતમાં આવી ઘટનાઓ ન બને તે માટે NGO તેમજ પોલીસ અને અન્ય વ્યક્તિને હોય તેવી ટીમો બનાવવી જોઈએ.

ગુજરાત પોલીસ ફક્ત રિમોટ કન્ટ્રોલથી કામ કરી રહી છે. પોલીસ જોડે કોઈ સ્વતંત્ર અધિકાર નથી, ગમે તે કરીને પોલીસ અધિકારીઓ ગુનેગારોને પકડે છે ત્યારે ઉપરથી ફોન આવે કે આતો આપણા લાગતા વળગતા છે.

આપણી પાર્ટીના વિચારધારા વાળા છે એટલે એમને છોડી દેવા પડે છે. રાજ્યના ગૃહ મંત્રી કહે છે, ચમરબંધી... તો એની વ્યાખ્યા એમને ખબર પડતી હશે. હું માનું છું ત્યાં સુધી ચમરબંધી એટલે ક્રાઇમ સાથે સંકળાયેલા લોકો અથવા તો સરકારની નજીક તેના મંત્રીઓની આજુબાજુના એ ચમરબંધી ગણાય. કારણકે તે ભાજપના હોદેદારો હોય અને ભાજપનો ખેસ પહેરે એટલે એમને બધું કરવાની છૂટ મળે. જ્યાં પણ ઘટનાઓ બની ત્યાં કોંગ્રેસના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું છે અમે બેન દીકરીઓ સુરક્ષિત રહે તે માટે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજુઆત કરશે અને પરિવારોની સાથે કોંગ્રેસ પક્ષ બધે જ સાથે રહશે અને જરૂર પડશે તો અમે ધરણા અને આંદોલન પણ કરીશું.

રાજ્યમાં બહેન, દીકરીઓ ઉપર બળાત્કાર હત્યા જેવા ગુનાઓ વધી રહ્યા છે. તેથી ગૃહરાજ્ય મંત્રી રાજીનામુ આપે તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news