માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ
Trending Photos
- માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા.
- કબ્રસ્તાનની બહાર નમાઝ પઢવામાં આવી હતી.
- રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી
ઝી મીડિયા/બ્યૂરો :વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. અહમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનો પાર્થિવ દેહ આવતા જ પીરામણ ગામમાં ગમગીન માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા. અહમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનીટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. પીપીઈ કીટ પહેરીને તેમનો પાર્થિવ દેહ ઘરમાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ તરત તેમની અંતિમયાત્રા નીકળી હતી અને તેઓને કબ્રસ્તાન તરફ લઈ જવાયા હતા. જ્યાં સૌથી પહેલા નમાઝ પઢવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી હતી, તો સોનિયા ગાંધીએ તેમના માટે પુષ્પ મોકલ્યા હતા. રાહુલ ગાંધી પણ પગપાળા કબ્રસ્તાન સુધી જઈને દિગ્ગજ નેતાની અંતિમ સફરમાં જોડાયા હતા. રાજીવ સાતવ, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાની સહિતના અનેક નેતાઓ પગપાળા તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીની હૃદયે પિતાને વિદાય આપી હતી. તો સાથે જ અશ્રુભીની આંખે કોંગ્રેસના નેતાઓએ તેમને વિદાય આપી હતી.
અંતિમ વિદાય બાદ તમામ દિગ્ગજ નેતાઓ કબ્રસ્તાનમાંથી બહાર નીકળ્યા હતા. રાહુલ ગાંધી અહમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપીને પરત જવા રવાના થયા હતા. દફનવિધિ બાદ પણ કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભરૂચના વેપારીઓએ આજે અહમદ પટેલી યાદમાં એક દિવસનો બંધ પાળ્યો છે.
ભીડને કાબૂમાં લાવીને પાર્થિવ દેહને કબ્રસ્તાનમાં લવાયો
15 થી 20 હજાર લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમને કાબૂમાં રાખવા ત્રણ જિલ્લાની પોલીસ અહી બંદોબસ્ત મૂકાઈ હતી. પોતાના મસીહાની અંતિમ વિદાયમાં લોકોએ નમાઝ અદા કરી હતી. જોકે, ગણતરીના લોકો સિવાય કોઈને કબ્રસ્તાનમાં જવા દેવાયા ન હતા. કોરોના ગાઈડલાઈન મુજબ જૂજ લોકોને કબ્રસ્તાનમાં જવા દેવાયા હતા. તેથી પોલીસે તમામને શાંતિ જાળવવા અપીલ કરી હતી. લોકોને દોરડાથી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. શબવાહિનીને પણ અંદર જવા રસ્તો મળ્યો ન હતો તેવી ભીડ કબ્રસ્તાન બહાર જોવા મળી હતી. લોકોના ટોળાને હટાવીને પાર્થિવ દેહ કબ્રસ્તાનમાં લવાયો હતો. ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો પીરામણ ગામમાં એક દિવસ માટે બંધ પાળવામાં આવ્યો છે.
ગાંધી પરિવારે સંકટમોચક ગુમાવ્યા
રાહુલ ગાંધીએ પીરામણ પહોંચીને અહમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપી હતી. ગાંધી પરિવારના અહમદ પટેલ સાથે પારિવારિક સંબંધ હતા. જ્યારે જ્યારે ગાંધી પરિવારને જરૂર પડી ત્યારે અહમદ પટેલ સંકટમોચક તરીકે તેમની પડખે ઉભા રહ્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. અંતિમ વિદાયમાં હાજર તમામ દિગ્ગજ નેતાઓએ આ વાત સ્વીકારી હતી.
પિરામણ ગામ ખાતે કોંગ્રેસના દિગગજ નેતાઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી પણ પીરામણ પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મરહુમ અહમદ પટેલ માટે શ્રદ્ધાંજલિ પુષ્પ મોકલ્યા છે. શંકરસિંહ વાઘેલા પણ પિરામણ પહોંચ્યા છે. તો અર્જુન મોઢવાડીયા, કર્ણાટકના ડી.કે.શિવકુમાર, જયંત બોસકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
(કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મરહુમ અહમદ પટેલ માટે શ્રદ્ધાંજલિ પુષ્પ મોકલ્યા)
યાદ કરીને રડી પડ્યા અહમદ પટેલના મિત્ર
અહમદ પટેલના મિત્ર અબ્બાસભાઈ બરફવાલા અને ડૉ કાનૂગા ઝી 24 કલાકની સાથેની વાતચીતમાં જૂની યાદોને તાજા કરતા ધ્રુસકે ધ્રૂસકે રડી પડ્યાં હતા. બંને મિત્રોએ કહ્યું કે, અહમદ પટેલ રાજનીતિના જેન્ટલમેન વ્યકતિ હતા. તેઓ મિલનસાર અને ઉમદા સ્વભાવના નેતા હતા. ત્યારે તેમના પુત્ર ફેઝલને રાજનીતિમાં આગળ લાવવા તેઓએ અપીલ કરી.
અંતિમ વિધિમાં કોણ કોણ હાજર રહ્યું
આજે અહમદ પટેલની દફનવિધિમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી રહી હતી. રાહુલ ગાંધી પણ દિલ્હીથી ખાસ વિમાનમાં પીરામણ પહોંચ્યા હતા. તો અધીર રંજન ચૌધરી, પૂર્વ સીએમ કમલનાખ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ આગેવાન આનંદ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપવા પહોંચ્યા હતા. ઉપરાંત ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો તથા રાજીવ સાતવ સહિતના મોવડી મંડળના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અહમદ પટેલના પાર્થિવ દેહને ગઈકાલે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જેના બાદ એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટથી અંકલેશ્વર લઈ જવામાં આવ્યો હતો. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં અહમદ પટેલના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે