ગુજરાત વિધાનસભા સત્ર: કોરોનાને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી- CM રૂપાણી
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે
Trending Photos
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી.
વિધાનસભા સત્ર શરૂ થયા તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં ઘણી સારી કામગીરી કરી છે. કોરોનાનાં સંક્રમણને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. વિધાનસભાના 5 દિવસીય સત્રમાં સરકારને કોઈ તકલીફ નહીં પડે. કેન્દ્ર સરકારના કૃષિ બિલ ઐતિહાસિક છે. ખેડૂતોને સીધો લાભ મળવાનો છે. ખેડૂતો પોતાનો માલ ઈચ્છે ત્યાં વેચી શકશે.
ગૃહ શરૂ થયા તે પહેલા દરિયાપુરના ધારાસભ્ય અને જમાલપુર ના ધારાસભ્ય બેનર સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ્યા હતા. કોરોનામાં નિષ્ફળ રહી રાજ્ય સરકાર, પ્રજા છે બે રોજગાર પોલીસ મારે દંડનો માર, કોરોનામાં નિષ્ફળ સરકાર પ્રજાને મારે દંડનો માર, જેવા બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સંકુલમાં પ્રવેશ કર્યો હતો. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળવાની છે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 24 જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરાશે.
સરકારના વહીવટી અધિકારીઓની ઘટ
ગુજરાત સરકારના વહીવટી અધિકારી વર્ગ 1 ના અધિકારીઓની ઘટ, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 (જુનિયર સ્કેલ)ના અધિકારીઓમાં 606ના મંજુર મહેકમ સામે 196 જગ્યાઓ ખાલી, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 (સિનિયર સ્કેલ)ના 190ના મહેકમ સામે 46 જગ્યાઓ ખાલી, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 (સિલેક્શન સ્કેલ)ના 69 ના મહેકમ સામે 43 જગ્યાઓ ખાલી, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 (એપેક્ષ સ્કેલ)ના 15 મહેકમ સામે તમામ 15 જગ્યાઓ ખાલી, આ તમામ ખાલી જગ્યાઓમાંથી 49 સીધી ભરતીથી થશે. જ્યારે બાકીની તમામ બઢતીથી ભરાશે. રાજ્ય સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો.
કૃષિ મહોત્સવ પાછળ ખર્ચમાં કાપ
કૃષિ મહોત્સવ પાછળ ખર્ચ મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતોની વાતો વચ્ચે કૃષિ મહોત્સવ પાછળ ખર્ચમાં કાપ મુકાયો છે. વર્ષ 2015માં સરકારે 3436 લાખની ફાળવણી કરી હતી. એ બાદ સતત ખર્ચમાં કાપ થયો છે. વર્ષ 2019માં માત્ર સરકારે 938 લાખનો જ ખર્ચ કર્યો હોવાનો રાજ્ય સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો હતો. કૃષિ મહોત્સવ પાછળ સરકારે કરેલા ખર્ચના આંકડા જાહેર કરાયા હતા.
છેલ્લા 5 વર્ષમાં સરકારે કૃષિ મહોત્સવ પાછળ રૂ. 8425.95 લાખનો ખર્ચ કર્યો
વર્ષ 2015માં રૂ. 3436.63 લાખનો ખર્ચ કર્યો
વર્ષ 2016માં રૂ. 1582.44 લાખનો ખર્ચ કર્યો
વર્ષ 2017માં રૂ 1839.87 લાખનો ખર્ચ કર્યો
વર્ષ 2018માં રૂ 628.40 લાખનો ખર્ચ કર્યો
વર્ષ 2019માં રૂ. 938.61 લાખનો ખર્ચ કર્યો
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 4539 બોન્ડેડ ઉમેદવારોએ MBBS થઈને ઈન્ટર્નશિપ પૂર્ણ કરી છે. 4539માંથી ફક્ત 2714 તબીબોને નિમણૂક આપવામાં આવી છે. 2714માંથી ફક્ત 646 તબીબો હાજર થયા હતા. બોન્ડ હોવા છતાં તબીબો ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં ન જોડાતા હોવાનો રાજ્ય સરકારનો વિધાનસભામાં સ્વીકાર કર્યો. આ ઉપરાંત અતારાંકિત પ્રશ્નોત્તરીમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યા.
હોસ્પિટલમાં બેદરકારી
રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં બેદરકારીથી લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્ય સરકારના દાવા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 5 લોકોના મોત થયા હતા. સમયસર સારવાર ન મળતા અને સ્ટાફની ઘટના કારણે 5 લોકોના મોત થયા હતા. વર્ષ 2014-15માં એક વ્યક્તિનું મોત થયું હતું. વર્ષ 2017-18માં 4 વ્યક્તિના મોત થયા હતા. જવાબદારો સામે બદલી, ઇજાફો અટકાવવો અને ઠપકો આપવા જેવા પગલાં લેવાયા છે. માત્ર એક કેસમાં સ્ટાફ બ્રધર સામે સસ્પેન્સનના પગલાં લેવાયા.
ઇજનેરી કોલેજમાં ખાલી જગ્યાઓ
રાજ્યની સરકારી ઈજનેરી કોલેજમાં અધધ જગ્યાઓ ખાલી, 16માંથી 13 કોલેજમાં પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને સહાયક પ્રાધ્યાપકની જગ્યા ખાલી, ઈજનેર કોલેજમાં પ્રાધ્યાપકની 52 જગ્યા ભરાયેલી જેની સામે 104 જગ્યા ખાલી, સહ પ્રાધ્યાપકની 192 બેઠક ભરેલી જ્યારે 194 બેઠક ખાલી, સહાયક પ્રાધ્યાપકની 1347 જગ્યા ભરાયેલી જેની સામે 298 બેઠક ખાલી હોવાનો સરકારે એકરાર કર્યો.
શાળાઓમાં આચાર્ય-શિક્ષકોની ખાલી જગ્યા
રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક શાળાઓમાં આચાર્ય-શિક્ષકોની જગ્યા ખાલી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની જગ્યા ખાલી, રાજ્યના 33 જિલ્લામાં આચાર્યોની 1869 જગ્યા ખાલી, અંગ્રેજી વિષયના 601 શિક્ષકોની, ગણિત-વિજ્ઞાનમાં 1049 શિક્ષકોની જગ્યાઓ ખાલી, અતારાંકિત પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો.
માર્ગ અકસ્માત
39072 વ્યક્તિઓએ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં જીવ ખોયા, જાન્યુઆરી 2015થી ડિસેમ્બર 2019 સુધીમાં 39072 લોકોના અકસ્માતમાં મોત, વર્ષ 2015માં 8038 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા, વર્ષ 2016માં 8011 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા, વર્ષ 2017માં 7574 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા, વર્ષ 2018માં 8040 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા, વર્ષ 2019માં 7409 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા.
ફી નિયમન કાયદો
ખાનગી શાળા ફી નિયમન કાયદાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો મામલો, રાજ્ય સરકારે આ કેસ લડવા સરકારી વકીલોને 37 લાખ 33 હજાર 900 રૂપિયા ફી પેટે ચૂકવ્યા. જ્યારે સુપ્રીમ કોર્ટના સરકારી વકીલોને 1 કરોડ 42 લાખ 50 હજાર રૂપિયા ફી પેટે ચૂકવ્યા છે. સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે