વિરોધી પર પ્રેમ આવ્યો, વિક્રમ માડમે જાહેરમાં કર્યાં ઈસુદાનના વખાણ
Gujarat Elections 2022 : રાજકારણમાં વિરોધીઓ હોય એનો મતલબ એ ન હોય કે નેતાઓ જાહેર જીવનમાં પણ એકબીજાના વિરોધી હોય. વખત આવ્યે વિરોધી પણ ખભેખભા મિલાવીને સાથે ફરતા જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની સૌથી હોટ સીટ જામખંભાળિયામાં પણ આવુ જ કંઈક જોવા મળ્યું
Trending Photos
Gujarat Elections 2022 દ્વારકા : જામખંભાળિયા વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનો એક વીડિયો વાયરલ થયો છે. એક સભામાં કોંગ્રેસના વિક્રમ માડમે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા અને પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના વખાણ કર્યાં છે. તો બીજી તરફ ભાજપ વિક્રમ માડમને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી હોય તેવું તેમણે કહ્યુ હતું. તો સાથે જ કોંગ્રેસની સભામાં વિક્રમ માડમનું દર્દ છલકાયું હતું. તેમણે વિક્રમ, હકુભા અને કાંધલ જાડેજાની ત્રિપુટી તૂટ્યાનો સ્વીકાર કર્યો હતો.
સભામા ઈસુદાનના વખાણ કર્યાં
રાજકારણમાં વિરોધીઓ હોય એનો મતલબ એ ન હોય કે નેતાઓ જાહેર જીવનમાં પણ એકબીજાના વિરોધી હોય. વખત આવ્યે વિરોધી પણ ખભેખભા મિલાવીને સાથે ફરતા જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની સૌથી હોટ સીટ જામખંભાળિયામાં પણ આવુ જ કંઈક જોવા મળ્યું. વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના પેટ ભરીને વખાણ કર્યા હતા. વિક્રમ માડમે સભામાં કહ્યું હતું કે 'ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ લોકો ઈસુદાનને મત આપીને જિતાડશે તો તેને ખભે બેસાડીને આપણે તેને અભિનંદન પાઠવીશું. મત કોને આપવો એ જનતાનો અધિકાર છે. ગઢવીનો દીકરો ભાજપના કાર્યાલયમાં 100 લોકોને લઈને જાય, તેના પર એવો આક્ષેપ કરે કે મા-બહેનની ઈજ્જત લૂંટવા ગયો હતો? અરે... શરમની વાત છે. ગઢવીનો દીકરો કોઈ દિવસ કોઈ મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય. જોકે ઇસુદાન ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવા આવ્યો હતો એવો કેસ કર્યો હોત તો મને વાંધો નહોતો, પણ આ ખોટી વાત છે.'
હૈયાની વાત હોઠે આવી
વિક્રમ માડમે કહ્યુ હતું કે, વિક્રમ, હકુભા અને કાંધલ જાડેજાની ત્રિપુટી તૂટી છે. આ ત્રિપુટીથી કેટલાંક લોકોના પેટમાં તેલ રેડાયું છે. કાંધલ જાડેજાને NCPએ ટિકીટ ન આપી. હકુભા જાડેજાને ભાજપે ટિકીટ ન આપી. હવે વિક્રમ માડમને પૂરો કરવા નીકળ્યા છે. ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનો આ વીડિયો વાયરલ થયો છે.
જામખંભાળિયા હોટ સીટ
દ્વારકા જિલ્લાની બે બેઠક પૈકી જામખંભાળિયા દર ચૂંટણીમાં હોટ સીટ ગણાય છે. 2022 ની ચૂંટણીમાં જામખંભાળિયામાં કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને રિપાટ કર્યાં છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. જેથી અહી ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે