અમિત ચાવડાએ નેતાઓને કહ્યું, બેફામ આક્ષેપ કરનારાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે

અમિત ચાવડાએ નેતાઓને કહ્યું, બેફામ આક્ષેપ કરનારાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
  • અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે. જે લોકોએ મર્યાદા વટાવી છે તેવા લોકો સામે શિસ્તભંગનાં પગલા લેવાશે. જગદીશભાઈ હોય કે સોનલબેન, તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામાની હોડ જામી છે. ઉપરાઉપરી રાજીનામા પડી રહ્યાં છે. રાજકોટ, સુરત, અમદાવાદમાંથી રાજીનામા પડી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (amit chavda) એ કહ્યું કે, કેટલાક લોકોએ રાજીનામાનું નાટક કર્યું છે. જે ખોટા આક્ષેપ કરશે તેમની સામે કાર્યવાહી થશે. નારાજગી હોય તે સ્વાભાવિક છે, અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ રજૂઆત કરવાની એક રીત હોય છે. એક પ્લેટફોર્મ હોય છે અને એક મર્યાદા હોય છે. જેણે મર્યાદા નથી જાળવી તેની સામે કોંગ્રેસે પગલાં લીધાં છે અને આગળ પણ પગલાં લેશે. ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ના પ્રમુખ અમિત ચાવડાએ પક્ષના બળવાખોરોને આ સીધો સંદેશો આપ્યો છે. 

આ પણ વાંચો : સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું  

ટિકિટ લાલસાનાં કારણે પાયા વિહોણા આક્ષેપો થાય તે સ્વીકાર્ય ન હોય
અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે. જે લોકોએ મર્યાદા વટાવી છે તેવા લોકો સામે શિસ્તભંગનાં પગલા લેવાશે. જગદીશભાઈ હોય કે સોનલબેન, તમામને સસ્પેન્ડ (suspend) કરવામાં આવ્યા છે. એક ટિકિટ લાલસાનાં કારણે પાયા વિહોણા આક્ષેપો થાય તે સ્વીકાર્ય ન હોય. તેનાં કારણે જ અમે તેમની સામે શિસ્તભંગનાં પગલા લીધાં છે.હજુ પણ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખોટા અને પાયાવિહોણા આક્ષેપ કરશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (local election) માં ઉમેદવાર પસંદગી સ્થાનિક સ્તરે થઈ છે. કંઈક ને કંઈક નારાજગી થઈ છે, પણ બધાં જ અમારા પરિવારનાં સભ્યો છે. દરેકને તક આપવામાં આવી છે. નવયુવાનોને તક મળે ત્યારે જુનાને તકલીફ થઈ શકે છે. કોઈને બદનામ કરવાના આક્ષેપ પણ થયાં છે. પરંતું અમે પ્રજા વચ્ચે જઈશું અને પ્રજા અમને જીતાડશે. જેમની નારાજગી હશે તેને દૂર કરવામાં આવશે. 

11 મીથી કોંગ્રેસ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે 
તો દીપક બાબરીયાના અક્ષેપો અંગે અમિત ચાવડાએ કહ્યું કે, મોટા સમુહમા માંગણીદાર હોય ત્યારે કોઈક નારાજગી થાય તે સ્વાભાવિક છે. દીપકભાઈ અમારાં સિનિયર નેતા છે. જે યોગ્ય લોકો હતા તે તમામને તક આપવામાં આવી છે. સુરતમાં એક વોર્ડમાં ગેરસમજ ઊભી થઈ હતી, જેથી ફોર્મ ન ભરાયું. માત્ર કૉંગ્રેસ જ નહિ, ભાજપમાં પણ નારાજગી છે. તો ઈમરાન ખેડાવાલાના રાજીનામા અંગે તેમણે કહ્યું કે, ઇમરાનભાઈએ એમની નારાજગી અમને વ્યકત કરી હતી. જ્યાં ક્ષતિ હતી તેને સુધારવાની બાંહેધરી આપી છે. તેમણે પાર્ટી સાથે જ જોડાઈને રહેવા કહ્યુ હતું. અમે ઇમરાન ખેડાવાલાનું રાજીનામું સ્વીકાર્યું નથી. આગામી દિવસોમાં કૉંગ્રેસ 11 તારીખથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે. ટેક્નિકલ કારણોના આધારે જે ફોર્મ રદ્દ થયાં છે તેમાં કાયદાકીય રસ્તો શોધી રહ્યાં છીએ. 

સોનલ પટેલને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યાં 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કરનાર સોનલબેન પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ સોનલબેન પટેલને છુટ્ટા કર્યા છે. સોનલબેને પટેલ 20 લાખ રૂપિયામં ટિકિટ વેચાતી હોવાના આક્ષેપ કર્યા હતા. જેથી પક્ષ વિરોધી પ્રવૃતિનો હવાલો આપી સોનલબેન પટેલને છુટ્ટા કરવામાં આવ્યા છે. મહત્વનું છે અમદાવાદ મહાનગર પાલિકામાં નેતાઓના ઈશારે રાતોરાત ઉમેદવારો બદલાયા હોવાનો કોંગ્રેસના ઉપ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી સોનલબેન પટેલે આક્ષેપ કર્યો હતો. સાથે કોંગ્રેસના નેતાઓની શંકાસ્પદ ભૂમિકાના ભજવી ઉમેદવારોની પેનલ બદલી હોવાથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જોકે સોનલબેને લગાવેલ આક્ષેપના બદલામાં કોંગ્રેસે તેમને છુટ્ટા કરવાની કાર્યવાહી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news