અમદાવાદ મનપાની બજેટ બેઠકમાં અદાણી મામલે હોબાળો, વિપક્ષે રેવેન્યૂ ચેરમેનને ગણાવ્યા અદાણીના એજન્ટ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. દેશની સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યા હતા. હવે અમદાવાદ કોર્પોરેશનની અંદર પણ અદાણીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. 
 

અમદાવાદ મનપાની બજેટ બેઠકમાં અદાણી મામલે હોબાળો, વિપક્ષે રેવેન્યૂ ચેરમેનને ગણાવ્યા અદાણીના એજન્ટ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થયો હતો. સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પણ વિપક્ષ દ્વારા અદાણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. હવે અદાણી ગ્રુપ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં પણ ચર્ચા થઈ છે. અદાણી ગ્રુપને કારણે અમદાવાદ મહાનગર પાલિકાને આર્થિક નુકસાન થવું હોવાનું નિવેદન વિપક્ષે નેતાએ નિવેદન આપ્યું છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં અદાણી મુદ્દે ચર્ચા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે બજેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુદ્દે ચર્ચા થઈ હતી. ગૃહમાં વિપક્ષના નેતાએ કહ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકાને અદાણીને કારણે આર્થિક નુકસાન થયું છે. તેમણે કહ્યું કે AMTS ની માલિકીના પ્રાઇમ લોકેશન પર આવેલા પ્લોટમાં અદાણી કંપનીને નજીવા 16 કરોડના દરે 2006માં 10 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ પેમેન્ટ બાકી રાખીને એએમટીએસ બસોમાં ગેસ પૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  

અદાણી ગ્રુપ સામે કોઈ કાર્યવાહી નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષે કહ્યું કે સામાન્ય વેપારીઓનો નજીવો ટેક્સ બાકી હોય તો તેને સીલ કરી દેવામાં આવે છે. પરંતુ અદાણીનો 12 કરોડનો ટેક્સ બાકી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારબાદ વિપક્ષે રેવેન્યૂ કમિટીના ચેરમેનને અદાણીના એજન્ટ ગણાવતા હોબાળો મચી ગયો હતો. 

વિપક્ષના આરોપો બાદ રેવેન્યૂ કમિટીના ચેરમેને કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, હાલ સીલ કરી શકાય નહીં. વિપક્ષના સભ્યોએ રેવેન્યૂ ચેરમેનને અદાણીના એજન્ટ કહેતા વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ મેયરે કહ્યું કે, વિપક્ષના નેતાએ કહેલા શબ્દો બિનસંસદીય છે અને તેમણે પરત લેવા જોઈએ. અદાણી મુદ્દે એએમસીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રેવેન્યૂ કમિટીના ચેરમેને કોંગ્રેસના સભ્યોને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા હતા. 

અદાણીની 7 જેટલી કંપનીઓ છે જે શેરબજારમાં લીસ્ટેડ છે. આ પૈકી વર્ષ 2004માં ગૌતમ અદાણીએ એક કંપની બનાવી હતી જેનુ નામ અદાણી ટોટલ ગેસ લિ. હતુ. પહેલાં આ કંપનીનું નામ અદાણી ગેસ લિમીટેડ હતુ પછી તેને બદલીને ટોટલ શબ્દ ઉમેરાયો હતો તેવું મારું માનવું છે પણ આ કંપનીનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાથે દોઢ દાયકા જુનો નાતો છે. અદાણીએ અદાણી ટોટલ ગેસ લિ. કંપની બનાવી હતી. આ કંપની હાલમાં અમદાવા શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરે છે. રાજ્ય સરકારે એકાધિકાર આપ્યો છે, આ કંપની સિવાય અન્ય કંપની ગેસનું વેચાણ કરતી નથી. આ કંપનીને જ્યારે અમદાવાદ શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરવાનો પરવાનો મળ્યો હતો તે વખતે અમદાવાદમાં તેઓની પાસે પ્લોટ ન હતો પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એએમટીએસ નામની સંસ્થા તેમના વ્હારે આવી હતી. અમદાવાદ શહેરમાં એએમટીએસના પ્રાઇમ લોકેશનના 10થી વધુ પ્લોટ ગૌતમ અદાણીની કંપનીને આપવામાં આવ્યા હતા જ્યાં તેઓએ સીએનજી ફીલીંગ સ્ટેશન એટલે કે, સીએનજી પંપ બનાવ્યા હતા. આ માટે તેઓએ એક રુપિયો ચૂકવ્યો ન હતો. શહેરના બોડકદેવ વોર્ડના હેલમેટ ચાર રસ્તા પાસે આવેલાં એએમટીએસના ડેપોની બાજુમાં અદાણીને ફીલીંગ સ્ટેશન કરવા માટે પ્લોટ અપાયો હતો. આ પ્રકારના પ્રાઇમ લોકેશનના પ્લોટ અદાણીને આપવામાં આવ્યા હતા પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ અદાણીને 10થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપ્યા હતા પણ તેની સામે રુપિયા લેવાયા ન હતા. એએમટીએસ દ્વારા 18 વર્ષ પહેલાં અદાણીને 10થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપવામાં આવ્યા હતા જેની પેટે એએમટીએસને રુ.16 કરોડની માતબર રકમ લેવાની નીકળતી હતી. હાલમાં તો આ 10 પ્લોટની કિંમત 500 કરોડથી વધુની થતી હશે પણ તે વખતે આ પ્લોટની કિંમત એએમટીએસના અધિકારીઓએ જાતે જ નક્કી કરી દીધી હતી કેમ કે, તે વખતે જમીન પ્રાઇઝ ફિક્સ કરવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા ન હતી. એએમટીએસ દ્વારા તબક્કાવાર 2005-06ની આસપાસના 10થી વધુ પ્લોટ અદાણીને આપવામાં આવ્યા હતા પણ માનીતા ઉદ્યોગપતિ પાસે રુપિયાની વસૂલાત કરાઇ ન હતી પણ તેઓને સમય આપવામાં આવ્યો હતો જોકે, આ સમય દરમિયાન તેઓએ પૈસા ચૂકવવાની તસ્દી લીધી ન હતી જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તત્કાલિન ભાજપના શાસકોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો. એએમટીએસની બસોમાં અદાણીના સીએનજી પંપ ઉપર સીએનજી ગેસ પુરાવીને પૈસા વસૂલવાનું નક્કી કરાયું હતુ પછી વર્ષ 2006થી 2012-23 સુધી એએમટીએસની બસોએ અદાણીના સીએનજી પંપ ઉપરથી ગેસ ભરાવ્યો હતો અને 16 કરોડ વસૂલ્યા હતા. આ મુદ્દો આ વખતે એટલા માટે પ્રાસંગિક છે કે, ગૌતમ અદાણીને સીએનજીનો ધંધો સેટ કરી આપવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદ શહેરમાં બે દાયકા પહેલાં પણ કોઇ એક રુપિયો વસૂલ્યા વિના એક ઇંચ જમીન આપતુ ન હતુ તે વખતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ અદાણીને પ્રાઇમ લોકેશનના 10થી વધુ પ્લોટ આપ્યા હતા અને પ્લોટના પૈસાના બદલામાં પોતાની બસોમાં સીએનજીના ભરાવીને રુપિયા વસૂલ કર્યા હતા. અદાણી પાસેથી પ્લોટના બદલામાં લેવાના નીકળતાં 16 કરોડ રુપિયા સીએનજી ગેસ પુરાવીને વસૂલ કરાયા હતા. જો હાલમાં તમે એએમટીએસની કચેરીમાં આ પ્લોટ અને તેના બદલામાં આવેલા પૈસાની ફાઇલો શોધવા નીકળશો તો મળશે નહીં કેમ કે, તમામ ફાઇલો સગેવગે થઇ ગઇ હશે. હિંડનબર્ગના રિપોર્ટ તો માત્ર શેર બજારની ખોટી પ્રેક્ટિસ ઉજાગર કરે છે પણ આવી પ્રેક્ટિસ તો અદાણી માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને શાસકો છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યાં છે પણ બિચારાનો ક્રેડિટ મળી નથી. આ અદાણીની ચર્ચામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પણ ક્રેડિટ મળે તે માટે આ દાયકાઓ જુનું એક પ્રકરણ ખોલવાની મારી ઇચ્છા થઇ હતી જેથી તમારી આગળ આ તથ્યો મુકી રહ્યો છું. બાકી અદાણી વિશે ચર્ચા કરવી જરુરી છે કેમ કે, અમદાવાદ શહેરની ચાની કિટલી ઉપર સામાન્ય માણસ ચા પે ચર્ચા કરતો હતો અને તેમાં પણ અદાણીનું નામ લેતો હોય તો આપણે અમદાવાદ શહેરના 70 લાખ નાગરિકોના પ્રતિનિધિ છીએ જેથી અદાણી ઉપર ચર્ચા કરવી એ આપણી નૈતિક ફરજ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અદાણીને 10થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપ્યા અને તેના રુપિયા સીએનજી ભરાવી ભરાવીને વસૂલ્યા આવો કિસ્સો તો આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં બન્યો હોય. તમામ સભ્યોનું ધ્યાન દોરવા પુરતો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

અદાણી ગેસ લિ. પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર પણ કોઇ કાર્યવાહી થતી નથી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સામાન્ય નાગરિકોની પાસે પ્રોપર્ટી ટેક્સની નજીવી રકમ બાકી હોય તો પણ સીલીંગની કાર્યવાહી કરે છે પણ અદાણી ગેસ લિ. સામે અમદાવાદ મ્યુનિ.ના હોદ્દેદારો અને અધિકારીઓની હિંમત ચાલતી નથી. અમદાવાદ શહેરમાં અદાણી ગેસ દ્વારા નાંખવામાં આવેલી પાઇપલાઇનોનો પ્રોપર્ટી ટેક્સની આકરણી કરીને તેમને બિલ આપવામાં આવ્યા છે. અદાણી ગેસ પાસેથી અંદાજે 12 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળે છે પણ આજદિન સુધી તેની સામે કાર્યવાહી કરાઇ નથી. આ સમગ્ર મામલો કોર્ટમાં છે પણ કોર્ટ દ્વારા તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો સ્ટે આપ્યો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ગુજરાત હાઇકોર્ટમાં કેસ જીતી ગઇ છે છતાં આ કેસમાં કોઇપણ પ્રકારની રિકવરી કરવામાં આવી નથી. અદાણી ગેસ પાસે આ 12 કરોડની રકમ પણ બસોમાં સીએનજી પુરાવીને વસૂલ કરવામાં આવે તો નવાઇ નહીં.

ડિફોલ્ટરનો કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી

એકમનું નામ - બાકી પ્રોપર્ટી ટેક્સ

1. અદાણી ગેસ, તમામ ઝોનની ગેસ પાઇપ લાઇન - 12.14 કરોડ

2. ટ્રાન્સસ્ટેડિયા પ્રા. લિ. કાંકરિયા - રુ.6.19 કરોડ
3. ક્રિએટિવ ઇકો રિસાયકલ પોર્ટ પ્રા.લિ., પિરાણા સાઇટ - 3.20 કરોડ

4. પુરષોત્તમ ભોગીલાલ, ચીકાનીવાલા એસ્ટેટ, ગોમતીપુર - 5.96 કરોડ
5. ચંચલ પાર્ટી પ્લોટ, જીવરાજ - 2.03 કરોડ

6. બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ, એસજી હાઇવે, મકરબા - 5.06 કરોડ
7. શેલ્બી હોસ્પિટલ, શેલ્બી લિમીટેડ - 4.88 કરોડ

8. ગાંધી કોર્પોરેશન, ગુજરાત યુનિવર્સિટી - 12.28 કરોડ
9. કોર્ટ સાઇટ ફિટનેસ એન્ડ સ્પોર્ટસ પ્રા.લિ. ભાડજ - 2.53 કરોડ

10. સ્નેપ ડીલ કુરિયર, એસજી હાઇવે - 1.54 કરોડ
11. બસેરા પાર્ટી પ્લોટ, આંબલી રોડ - 1.19 કરોડ

12. રઘુલીલા ઉપવન, એસપી રિંગ રોડ - 1.10 કરોડ
13. મંગુબા પાર્ટી પ્લોટ, પશ્ચિમ ઝોન - 1.26 કરોડ

14. ડીવીઝનલ રેલવે મેનેજર, વેસ્ટર્ન - 11.17 કરોડ
15. ભારતીય કન્ટેઇનર નિગમ લિ. - 3.15 કરોડ

અદાણી સંચાલિત એરપોર્ટ ઉપર કચરો પ્રોસેસ કરવાનો પ્લાન્ટ લગાડવાનો નિયમ અમલીં નહીં
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટનો કચરો લેવાનું બંધ કરાયું હતુ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એરપોર્ટ સંચાલન કરતી અદાણી કંપનીને પ્રોસેસ પ્લાન્ટ લગાડી કચરાનો નિકાલ કરવા આદેશ કરી દીધો હતો પણ આજદિન સુધી એરપોર્ટ ઉપર કચરો પ્રોસેસ કરવાનો પ્લાન્ટ લાગ્યો છે કે નહીં તે અંગેની સત્તાવાર કોઇ જાણકારી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે 2016માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બનાવ્યા હતા જે અંતર્ગત દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉતપન્ન કરતા એકમોએ નિયમ મુજબ કચરાનો નિકાલ કરવાનો રહે છે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ડિસેમ્બર 2019માં અમદાવાદ શહેરમાં દૈનિક 100 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોને જાહેર નોટિસ આપી નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો. AMCએ શહેરમાં દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉતપન્ન કરતા એકમોને પ્રોસેસ પ્લાન્ટ લગાડવાનો નિયમ અમલી બનાવ્યો હતો. આ સંદર્ભમાં IIM, ONGC, L D એન્જિનિયરિંગ કોલેજ, સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદમાં 65 જેટલા એકમો પોતાનો કચરો પોતે પ્રોસેસ કરવાની વ્યવસ્થા કરી હતી પણ અમદાવાદ એરપોર્ટ ઉપર વ્યવસ્થા ગોઠવાઈ નથી. જો ગોઠવાઇ હોય તો તે અંગે હજુ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોઇ માહિતી આપવામાં આવી હોય તેવું લાગતું નથી.અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રોપર્ટી ટેક્સની ચોરી પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અદાણી સામે કોઇ પગલાં લેવાતા નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નિયમ મુજબ, કોર્મર્શીયલ મિલકતને ભાડે આપવામાં આવે તેવા સંજોગોમાં તેઓ બમણો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઇ સામાન્ય દુકાનમાલિક પોતાની દુકાન કોઇને ભાડે આપે તો તેઓ બમણો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડે છે તેવો નિયમ છે સાથે કોઇ મોલ કે મલ્ટીપ્લેક્સ જો પોતાના પાર્કિગના ઉપયોગ બદલ ચાર્જ વસૂલે તો પાર્કિગની જગ્યાનો પણ પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો થાય છે. આ બંને કિસ્સામાં અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી કરે છે તેઓ એરપોર્ટની અંદર આવેલી તમામ દુકાન કે શોપ સહિત વીવીઆઇપી લોજને ભાડે આપેલા છે તેવા સંજોગોમાં તે તમામ દુકાન કે લોંજનો ભાડુંઆત તરીકે પ્રોપર્ટી ટેક્સની આકરણી કરીને બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવો જોઇએ અને તે અંગેના તમામ પ્રોપર્ટી ટેક્સના બિલો જાહેર કરવા જોઇએ હાલ તો અમારી જાણ મુજબ, સેલ્ફનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવે છે. અદાણીએ એરપોર્ટનું સંચાલન હાથમાં લીધા બાદ પાર્કિગ ફી પણ તગડી વસૂલવામાં આવે છે તેવા સંજોગોમાં અમદાવાદ એરપોર્ટના તમામ પાર્કિગ એરિયાનો પણ પ્રોપર્ટી ટેક્સ વસૂલવો જોઇએ પણ તે વસૂલાતો હોય તેવું લાગતું નથી. જો અદાણી દ્વારા સંચાલિત અદાણી એરપોર્ટની દુકાન, શોક કે લોંજનો જો ભાડુંઆત તરીકે પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો હોય તો તે અંગેની માહિતી જાહેર કરવી જોઇએ. અમારો આરોપ છે કે, આ મિલકતોની આકરણી થઇ નથી. આ મિલકતોના કિસ્સામાં ભાડુંઆતનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો નથી સાથે પાર્કિગ એરિયાનો પણ પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો નથી સાથે એરપોર્ટ પ્રિમાઇસીસમાં ફુડ ટ્રક ઉભા રાખીને જો એરપોર્ટનું સંચાલન કરતી કંપની પૈસા કમાતી હોય તો તેની પણ આકરણી કરીને તેનો પણ ભાડુંઆત તરીકે પ્રોપર્ટી ટેક્સ વસૂલવો જોઇએ. આ અદાણી એરપોર્ટના પ્રોપર્ટી ટેક્સની બાબતમાં વિજિલન્સ તપાસ કરાવવી જોઇએ જેથી ખ્યાલ આવે કે, કોણે પોતાનું કામ પ્રમાણિકતા સાથે કર્યું નથી સાથે તેઓને કામ કરતાં કોણે રોક્યાં છે જેથી દૂધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે. મારો સવાલ એટલો છે કે, અમદાવાદના નાગરિકો જો એરપોર્ટનો ઉપયોગ કરતાં હોય અને 15 રુપિયાની ચા 150 રુપિયામાં ખરીદતાં હોય અને વાહન મુકવા માટે 100 રુપિયાની પાર્કિગ ફી ચૂકવતા હોય તો તેવા કિસ્સામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પણ એરપોર્ટની આકરણી કરીને તેમાં જેટલી મિલકતો ભાડે આપવામાં આવેલી હોય તેવા કિસ્સામાં તેના ભાડુંઆતના નામ સાથે ભાડુંઆત તરીકે બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવો જોઇએ. આ અંગે એક તપાસ જરુરી છે જેની માગ કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news