રાજકોટ અગ્નિકાંડના આંસુ હજી સુકાયા નથી ત્યાં ગરીબ દર્દીઓના જીવ સાથે અહીં છડે ચોક ચેડાં!
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આંસુ હજી સુકાયા નથી. ત્યારે હજી પણ જાડી ચામડીના સરકારી બાબુઓના પેટનું પાણી હાલતું નથી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ચોકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની જાણે અહીંના વહીવટી તંત્રને કોઈ પરવાહ જ ન હોય તેમ અહી ફાયર સેફ્ટીની સુવિધાને લઈ ધાંધિયા જોવા મળી રહ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: જ્યાં હજારો દર્દીઓ પોતાના સારા સ્વાસ્થ્ય માટે જતા હોય છે ત્યાં આ જ ગરીબ દર્દીઓના જીવ સાથે છડે ચોક ચેડાં કરવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાત ની સૌથી મોટી સયાજી સિવિલ હોસ્પિટલના જે વરવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે જોઈને તમે પણ અહીંના સત્તાધીશો પર ચોક્કસથી ફિટકાર વરસાવશો.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આંસુ હજી સુકાયા નથી. ત્યારે હજી પણ જાડી ચામડીના સરકારી બાબુઓના પેટનું પાણી હાલતું નથી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ચોકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની જાણે અહીંના વહીવટી તંત્રને કોઈ પરવાહ જ ન હોય તેમ અહી ફાયર સેફ્ટીની સુવિધાને લઈ ધાંધિયા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર બેદરકારી રાખવાનો આક્ષેપ કર્યા છે. ફાયર સેફ્ટીના નામે કોઇ યોગ્ય સુવિધા નથી તેવું પણ કહ્યું.
અમારા કેમેરા સયાજી હોસ્પિટલમાં ફેરવતા સયાજી હોસ્પિટલ સત્તાધીશોની ફાયર સેફ્ટીને લઇ ગંભીર બેદરકારી આવી સામે છે. સયાજી હોસ્પિટલની રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ,ઇમરજન્સી વિભાગ, ન્યુરો વિભાગ અને ઓપીડી વિભાગ તેમજ સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર, RMO દેવશી હેલૈયા, ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે એ જ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
અહી રિયાલિટી ચેક કરતા અમને સયાજી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર, RMO દેવશી હેલૈયાની ઓફીસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના સાધનો એક્સપાઇરી ડેટના જોવા મળ્યા હતા. આ તમામ ઉચ્ચ કક્ષાના જવાબદાર ગણાતા બેજવાબદાર અધિકારીઓની કેબન બહાર ફાયર બોલ અને એક્સ્ટિંગ્યુશર બોટલ જ એક્સપાઇરી ડેટના લાગેલા જોવા મળ્યા,માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા છતાં રિફિલ ન કરાવ્યા હોવાનું સત્ય બાહર આવતા સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.
સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના RMO દેવશી હેલૈયા એ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગઈકાલે જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇ સમીક્ષા બેઠક મળી હતી,એજન્સી રોકી તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો રિન્યુ કરવા તેમજ ખૂટતા સાધનો ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે, ફાયર સેફ્ટીને લઇ હોસ્પિટલ તંત્રની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, તો સાથે જ સયાજી હોસ્પિટલના ફાયર સેફ્ટી ઓફિસર કરણ પરબે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મીડિયાને સુફિયાણી સલાહ આપતા જણાવ્યું હતું કે ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલની એક્સપાયરી ડેટ થઈ તે વાત સાચી છે, પણ બોટલ વર્કિંગ સ્થિતિમાં છે, હોસ્પિટલના મોટાભાગમાં કામગીરી પૂર્ણ થઈ છે, હજી અમુક ક્ષતિ છે એટલે ફાયર વિભાગ NOC આપી રહ્યું નથી.
ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલંઘન કરવામાં આવે ત્યારે ફાયર વિભાગ દ્વારા જેતે પ્રોજેક્ટ અથવા ઇમારતને નોટીસ ફટકારી સિલ કરી દેવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સયાજી હોસ્પીટલમાં 2019માં પીડિયાટ્રિક વિભાગમાં 2019માં ન્યૂરો સર્જરી વિભાગમાં 2020 માં બે દિવસ પછી આઇસીયુમાં, માર્ચ 2021 કોવિડ આઇસીયુમાં આગ લાગી હતી, તેમ છતાં આ મામલે વડોદરાનું ફાયર વિભાગ ક્યાંકને ક્યાંક લાચાર હોય તેમ ફલિત થઈ રહ્યું છે, કારણ કે ફાયર વિભાગ દ્વારા રાબેતા મુજબ અહી એક નહિ બલ્કે ત્રણ ત્રણ વખત નોટીસ તો ફટકારવામાં આવી છતાં કોઈ દાખલો બેસે તેવી કાર્યવાહી નથી કરવામાં આવી.
સયાજી હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઇ માત્ર દેખાડા પુરતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના રૂકમણી ચૈઈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં હતાં. તો સાથે જ પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં જણાઈ આવ્યો હતો. ત્યારે કોઈ ઠોસ કાર્યવાહી કરવાને બદલે ફાયર વિભાગે રાબેતા મુજબ સયાજી હોસ્પિટલને વધુ એક વખત નોટિસ આપી સંતોષ માન્યો હતો.
મોટી દુર્ઘટના થાય ત્યારે સરકાર અને તંત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે ત્યારે સરકારી હોસ્પીટલ માં જ ફાયરના નિયમોના ધજીયા ઉડી રહ્યા છે. આવા જવાબદાર અધિકારીઓ સામે કોણ પગલાં લેશે તે મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે