કર્ફ્યૂ પહેલાં બિલ્ડરની હત્યા, તલવારના ઘા ઝીંકી હત્યારા ફરાર, મદદે ગયેલા 2 ગંભીર
Trending Photos
સુરત : અંગત અદાવત હોય કે નજીવી બાબત પણ ગુનેગારો માટે હત્યા કરવી સામાન્ય બાબત બની છે. તાપીના વ્યારામાં ગત રાત્રિએ એક બિલ્ડરી આવી જ રીતે અજાણ્યા શખ્સોએ તલવાર ઘા ઝીંકી હત્યા કરી નાખી. બાકી હોય તો આ યુવાનને બચાવવા આવેલા લોકો પર પણ હત્યારાઓ હુમલો કરી પલાયન થઈ ગયા હતાં.
તાપીના વ્યારાનગરના રાયકવાડ સ્ટ્રીટમાં રહેતા અને બિલ્ડીંગ તથા જમીન વ્યવસાય સાથે સંકળાયેલા નિશિષ શાહ નામના યુવાનની ઘાતકી હત્યાથી સમગ્ર શહેરમાં સન્નાટો વ્યાપી ગયો. ગત રાત્રિએ તડબૂચ લેવા પોતાની બાઈક પર નીકળેલા આ યુવાનને ખ્યાલ નહોતો કે તે હવે ક્યારેય ઘરે પાછો નહીં જઈ શકે. કારમાં આવેલા અજાણ્યા ચાર જેટલા શખ્સોએ બિલ્ડરની બાઈકને કાર સાથે અથડાવ્યા બાદ તેના પર ઉપરાછાપરી તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો.
યુવાન પર જ્યારે જીવલેણ હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા ગયેલા તડબૂચના વેપારી અને ત્યાં હાજર અન્ય એક યુવાનને પણ આ હત્યારાઓએ હુમલો કરી ઈજાગ્રસ્ત કરી દીધા હતા. અને બાદમાં કાર લઈ ત્યાંથી થઈ ગયા પલાયન..ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી વ્યારા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ચકચારી બિલ્ડરની હત્યા કેસમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી નજીકના સીસીટીવી, મોબાઈલ ફોનના સીડીઆર ચકાસ્યા છે. સાથે જ હત્યારા સોપારી કિલર હતા કે અન્ય કોઈ અંગત અદાવતમાં હત્યા થઈ તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે. કોરોના મહામારીમાં એક તરફ પોલીસનું સતત પેટ્રોલિંગ છતાં તાપીના સતત ધમધમતા વ્યારાના છડેચોક બિલ્ડર યુવાનની હત્યાથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. હાલ તો પોલીસ માટે હત્યારા અને હત્યાનું કારણ જાણી ભેદ ઉકેલવો જરૂરી બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે