ગાંધીનગરમાં બહાર આવ્યું ગૌણસેવા પસંદગી મંડળના નિમણૂક પત્રો આપવાનું કૌભાંડ
વર્ગ-3ની નોકરી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બનાવટી નિમણૂક પત્ર આપી 10 જેટલા ઉમેદવારો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, પ્રાથમિક તપાસ મુજબ તેના માટે લાખો રૂપિયા પણ વસુલવામાં આવ્યા છે
Trending Photos
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગૌણસેવા પસંદગી મંડળના નામે વર્ગ-3ની નોકરીના નિમણૂકપત્રો આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 10 જેટલા ઉમેદવારો નોકરીના નિમણૂક પત્ર લઈને જ્યારે મંડળની ઓફિસ પર પહોંચ્યા ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અધિકારીઓ પણ પહેલા તો આ જોઈનો ચોંકી ગયા હતા. તેમણે વધુ ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું કે, ઉમેદવારો પાસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નામના જે નિમણૂક પત્ર છે તે બનાવટી છે. આથી, ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તમામ ભોગ બનનારની અટક કરીને પુછપરછ હાથ ધરી છે.
ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 જેટલા ઉમેદવારો ગુજરાત ગૌણસેવા મંડળ દ્વારા આપવામાં આવેલા નિમણૂક પત્ર લઈને જે-તે કચેરીમાં હાજર થવા શનિવારે પહોંચ્યા હતા. તેઓ જ્યારે નિમણૂક પત્ર લઈને પહોંચ્યા ત્યારે ત્યાં હાજર અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કેમ કે, તેમને આવી કોઈ નિમણૂક થયાની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી ન હતી.
આથી, અધિકારીઓએ ઉમેદવારો પાસે રહેલા નિમણૂકપત્રોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ નિમણૂકપત્રો બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બનાવટી નિમણૂક પત્ર આપીને ઉમેદવારો સાથે છેતરપિંડી કરાઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, લાખો રૂપિયા લઈને આ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.
ગુજરાત ગૌણસેવા મંડળની ઓફિસ પર હાજર અધિકારીએ ઉમેદવારોને જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા નિમણૂક પત્ર ગૌણ સેવા પસંદગી મંડળના નથી પરંતુ તેના નામે બનાવટી નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આથી, 10 જેટલા ઉમેદવારોએ તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકે કરી હતી. આગામી સમયમાં છેતરપિંડીનો ભોગ બનેલા ઉમેદવારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. મેવાડાએ જણાવ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી દ્વારા વર્ગ-3ના કર્મચારી તરીકે 15થી 20 ઉમેદવારો હાજર થવા પહોંચ્યા હોવાની તેમને જાણ કરાઈ હતી. અધિકારીઓએ વધુ તપાસ કરી ત્યારે આ નિમણૂક પત્રો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે પોલીસને જાણ કરતા અમે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે